જસદણના આટકોટમાં રહેતા એક રત્નકલાકારને અગાઉ થયેલી માથાકૂટનું મનદુઃખ રાખી ‘આજે તો પતાવી દેવાનો છે’ કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે રમેશભાઇ બાલાભાઇ દાફડા (ઉ.વ.૩૦)એ તેમના જ ગામના કિશનભાઇ ગોવિંદભાઇ પરમાર તથા મનુભાઇ વાલજીભાઇ દાફડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા આરોપીઓ આટકોટ મુકામે બાજુ-બાજુમાં રહેતા હતા. તેમને આરોપી સાથે ગાળાગાળી થઈ હતી. તેમના સંબંધીઓ ચરખા ગામે માતાજીના માંડવામાં આવ્યા ત્યારે આરોપીઓ પણ આવ્યા હતા. સાહેદ મનોજભાઇના ફોનમાં કિશનભાઈ પરમારે ફોન કરી આંબલીધારે મળવા બોલાવ્યો હતો. જેથી તેઓ ત્યાં ગયા ત્યારે આરોપી આવ્યા નહોતા અને પરત ફરતા હતા ત્યારે આંબલીધારથી ઘુઘરાળા રોડ તરફ આશરે બે-ત્રણ કિ.મી. આગળ જતા આરોપીઓ એક સફેદ કલરની મારૂતી સ્વિફ્ટ ફોરવ્હીલ ૪૩૪૮ નંબરની ગાડી લઇને આવ્યા હતા. તેમની મોટર સાયકલ સામે ગાડી ઉભી રાખી અને આરોપીઓ ઉતર્યા હતા. અગાઉ થયેલી માથાકૂટ બાબતેનું મનદુઃખ રાખી બંને આરોપીએ તેમને બિભત્સ શબ્દોમાં ગાળો આપી હતી. તેમજ ગાલ ઉપર લાફા મારવા લાગ્યા હતા. જેથી સાહેદ હરેશભાઇએ વચ્ચે પડીને માથાકૂટ નહી કરવા સમજાવ્યા હતા. જેથી તેમને ‘આજ તો આને પતાવી દેવાનો છે’ તેમ જાનથી મારી નાખવાની ધમકી આપી બંને આરોપીઓ તેમની ફોરવ્હીલ ગાડી લઇને આંબલીધાર બાજુ જતા રહેલ હતા. જે બાદ સાહેદ હરેશભાઇ મોટર સાયકલ ચાલુ કરતા તેઓ તેની પાછળ બેસી ગયા હતા અને ઇસાપર ગામ તરફ જવા નીકળ્યા હતા. આ સમયે આરોપીઓ તેમની ફોરવ્હીલ ગાડી લઇને આવ્યા હતા અને તેમને મારી નાખવાના ઇરાદે ફોરવ્હીલ ગાડી તેમની ઉપર ચડાવી દીધી હતી. જેમાં માથાના ભાગે પાંચ ટાંકા આવે તેવી ગંભીર ઇજા થઈ હતી તથા છાતીની ડાબી બાજુની પાંસળીઓ ભાંગી ગઈ હતી. સાહેદ હરેશભાઇને પણ શરીરે સામાન્ય ઇજા પહોંચી હતી.