અમરેલીમાં લાયબ્રેરી રોડ પર વિઠ્ઠલપુર ખંભાળિયાના એક સિવિલ એન્જિનિયરને તેના જ ગામના યુવકે, “આજે તો તું બચી ગયો, પણ હવે તું મળીશ તો જીવતો નહીં રહે” તેવી ધમકી આપીને પોલીસ ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું હતું. આ અંગે જનકભાઇ કિશોરભાઇ ભાસ્કર (ઉ.વ.૨૭) એ લાલા રમેશભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ, અગાઉ આરોપીએ તેમની વિરુધ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેમણે તે એફ.આઈ.આર. ક્વોશિંગ માટે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી.આ બાબતની અદાવત રાખીને, જ્યારે તેઓ અમરેલીની ‘કોલેજિયન’ કપડાની દુકાનમાંથી કપડાંની ખરીદી કરીને લાયબ્રેરી રોડ પર પોતાનું મોટરસાઇકલ લઈને જતા હતા, તે દરમિયાન આરોપી ત્યાં ફોર-વ્હીલર લઈને આવી પહોંચ્યો હતો.આરોપીએ તેમને કહ્યું કે, “હાલ જાવા દે, નીકળ”, જેથી તેમણે કહ્યું કે, “હું નીકળું છું”. આ સાંભળીને આરોપીએ તેમને ગાળો આપીને ગાલ પર ત્રણથી ચાર લાફા માર્યા હતા. ત્યારબાદ આરોપી પોતાની કારમાંથી લાકડી લઈને આવ્યો હતો અને તેમને જાનથી મારી નાખવાના ઈરાદે મારવા જતાં, પ્રથમ ઘા તેમના મોટરસાઇકલ પર લાગ્યો હતો.જેથી તેઓ પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા, પરંતુ આરોપીએ તેમની પાછળ દોડીને ફરીવાર લાકડીનો ઘા તેમના માથામાં માર્યો હતો.ત્યારબાદ આરોપીએ, “આજે તો તું બચી ગયો, પણ હવે તું મળીશ તો જીવતો નહીં રહે” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર. ડી. કુવાડિયા વધુ તપાસ કરી રહ્યા છે.










































