સમગ્ર રાજ્યમાં તા.૧૯ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ ૩૯૩ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને ચૂંટણીલક્ષી તમામ સામગ્રી સાથે લઈ કર્મચારીઓ પોતાના બૂથ પર પોલીસ હોમગાર્ડ જવાનો સાથે રવાના થયા હતા. જિલ્લામાં ૮૩૩ મથકો ઉપર રવિવારે મતદાન થશે અને સરપંચ પદ માટે ૧૦૨૨ અને સભ્ય પદ માટે ૫૯૪૧ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે જિલ્લામાં ૩,૫૪,૨૮૩ પુરૂષો અને ૩,૨૮,૩૯૦ સ્ત્રી મતદારો મળી જિલ્લામાં કુલ ૬,૮૨,૭૮૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે. જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદારો મતદાન કરી શકે તે માટે હોમગાર્ડથી લઈ પોલીસ જવાનોનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ૨૦૦૦ થી વધુ સુરક્ષા જવાનો ખેડેપગે તૈનાત રહેશે. અને ડીવાયએસપી, એસપી સહિતના અધિકારીઓ સતત નજર રાખનાર છે.