આજે તા.૦૧ના રોજ અમરેલી જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા અમરેલી જિલ્લાના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.
કમોસમી વરસાદથી થતાં પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરવામાં આવેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી, ઢગલાની નીચે વરસાદના પાણીને જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહિ તે મુજબ તે જથ્થાઓને ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી સાવચતીના આગોતરા પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં આ દિવસો દરમિયાન પેદાશો વેચાણ અર્થે આવતી ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી(ખેતી), તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ) – દ્ભફદ્ભ અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮ ૦૦ ૧૮ ૦૧ ૫૫૧નો સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.