આજ સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થશે. આ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો છે. આ મહિનાથી ઉત્સવોની શરૂઆત પણ થાય છે. અમરેલી જિલ્લામાં આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે અને શિવાલયોમાં શિવભક્તોની ભારે ભીડ જાવા મળશે.
શહેરમાં આવેલા નાગનાથ મહાદેવ, કામનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ સહિતના મંદિરોમાં ભાવિકોની ભીડ વહેલી સવારથી જ જાવા મળશે. શ્રાવણ મહિનાનું ધર્મગ્રંથોથી લઇને આયુર્વેદ સુધી ખૂબ જ મહત્વ છે. શિવપુરાણ અનુસાર આ મહિનો શ્રવણ કરવાનો એટલે સાંભળવાનો છે, એટલે તેનું નામ શ્રાવણ છે. આ મહિનામાં ધાર્મિક કથાઓ અને પ્રવચન સાંભળવાની પરંપરા છે.
શ્રાવણ માસમાં શિવભકતો દ્વારા શિવપુરાણ, શિવલીલામત, શિવકવચ, શિવચાલીસા, શિવપંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યુંજ્ય મંત્રનો પાઠ તથા જાપ કરવામાં આવે છે. શ્રાવણ માસની શરૂઆતમાં અમૃતસિદ્ધિ યોગ, પ્રીતિયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ રચાશે તથા શ્રાવણ માસ દરમ્યાન અન્ય ૯ જેટલા યોગ જેવા કે અમૃતસિદ્ધિ યોગ, સ્થિર યોગ રાજયોગ, સિદ્ધિ યોગ વિગેરેનો પણ સંયોગ રચાશે જે ૯ યોગ ૧૦ વર્ષ બાદ રચાશે.
આ વિશેષ યોગમાં શિવ આરાધના કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.વર્ષ ૧૯૫૨ બાદ પહેલી વખત ૭૨ વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ શિવજીના પ્રિય એવા સોમવારથી થશે અને સમાપ્તિ પણ સોમવારે જ થશે. શ્રાવણ માસ દરમ્યાન પાંચ સોમવાર આવશે જે પાંચેય સોમવાર સહિતના દિવસોમાં શિવભકતો દ્વારા ભોળાનાથને રીઝવવા વિશેષ પૂજન અર્ચન અભિષેક કરાશે તથા શિવજીના વિશેષ
શૃંગાર દર્શન પણ શિવાલયોમાં જોવા મળશે.
આ વખતે શ્રાવણ માસ દરમ્યાન ૧૦ વર્ષ બાદ નવ યોગ રચાશે જેમાં સૂર્ય-બુધનો બુધાદિત્ય યોગ, ગુરૂ-ચંદ્રનો નવપંચમ યોગ, ગુરૂ-ચંદ્રનો ગજકેસરી યોગ, ચંદ્ર-મંગળનો કુબેર યોગ, શનિનો શશક યોગ રચાશે. આ પાંચેય ગ્રહ યોગો સ્વયં કાર્ય સિદ્ધ કરનારા છે જે પાવન શ્રાવણ માસને સિદ્ધિદાયી બનાવનારા છે. શ્રાવણ માસ દરમિયાન શિવ મંદિરે આરતી પણ કરવામાં આવશે.