અમરેલી શહેરમાં તેમજ જિલ્લામાં યોજાનાર નવરાત્રી મહોત્સવ દરમ્યાન જિલ્લા પોલીસની મહિલા પોલીસ, શી ટીમની મહિલા પોલીસ રાત્રી દરમ્યાન માતાજીની આરાધના કરી ગરબા રમશે તેમજ ગરબે રમતી મહિલાઓની સુરક્ષા કરશે. જિલ્લામાં પોલીસ એલર્ટ બની છે. અમરેલી શહેર અને જિલ્લામાં નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે, અમરેલી શહેરમાં અનેક જગ્યાએ નવરાત્રીની ઉજવણી થનાર છે તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવરાત્રી પર્વની ઉજવણી થનાર છે ત્યારે અમરેલી પોલીસ એલર્ટ બની છે. આ અંગે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે પોલીસની શી ટીમ પ્રાચીન અને અર્વાચીન ગરબામાં તૈનાત રહેશે તેમજ પાર્ટી પ્લોટના આયોજકોને સીસીટીવી કેમેરા, ફુલ લાઈટીંગની સૂચના આપવામાં આવી છે. ફાયર, એમ્બ્યુલન્સ પણ ગરબાના સ્થળે હાજર રહેશે. અસામાજિક તત્વો, દારૂડીયા સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. પોલીસની ગાડી સતત પેટ્રોલીંગ કરશે તેમજ બહેનોએ રાત્રીના અવાવરું વિસ્તારમાંથી ન નીકળવું તેમજ કોઈ જગ્યાએ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહે અપીલ કરી છે.