ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, કપાસ, તલ, જુવાર સહિતના મુખ્ય પાકને ગંભીર નુકસાન થયું છે. અનેક જિલ્લાઓના ખેતરોમાં પાણી ભરાયા છે અને પાક બરબાદ થતા ખેડૂતો ભારે આર્થિક સંકટમાં સપડાયા છે.આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસે ખેડૂતોના હિત માટે લડતનો એક કાર્યક્રમ જાહેર કર્યો છે. કોંગ્રેસ દ્વારા ૬ નવેમ્બરથી રાજ્યમાં ‘કિસાન જન આક્રોશ યાત્રા’ શરૂ કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન પાર્ટી કાર્યકરો ખેડૂતોની હાલત જાણશે અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરશે અને યોગ્ય વળતર, પાક વીમાની પ્રક્રિયા સરળ બનાવવાની તેમજ તાત્કાલિક સહાય પહોંચાડવાની માગ કરશે.કોંગ્રેસની આ આક્રોશ યાત્રાનો પ્રારંભ ૬ નવેમ્બરના રોજ ગીર સોમનાથ જિલ્લાથી થશે. આ યાત્રા માવઠાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્રના મુખ્ય વિસ્તારોમાં ફરીને ૧૩ નવેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે પૂર્ણ થશે.ગુજરાત કોંગ્રેસની કિસાન જન આક્રોશ યાત્રા ગીર સોમનાથ, જુનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, અમરેલી અને બોટાદ જિલ્લાઓમાં જશે. આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોંગ્રેસ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરશે અને યોગ્ય વળતર, પાક વીમાની પ્રક્રિયા સરળ બનાવવાની તેમજ તાત્કાલિક સહાય પહોંચાડવાની માગ કરશે.








































