ઉત્તર પ્રદેશના ઈટાવામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. આગરા લખનૌ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ કાર સાથે અથડાઈ. અકસ્માત સમયે બસમાં ૬૦ લોકો અને કારમાં ત્રણ લોકો હતા. અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. તે જ સમયે બસમાં બેઠેલા ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો.
એસએસપી ઇટાવા સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે, “રાયબરેલીથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ રાત્રે લગભગ સાડા બાર વાગ્યે એક કાર સાથે અથડાઈ હતી. બસમાં ૬૦ લોકો હતા, જેમાંથી ૪ લોકોના મોત થયા હતા અને લગભગ ૨૦- ૨૫ લોકો ઘાયલ થયા હતા અને કારમાં સવાર ૩ લોકોના પણ મોત થયા હતા.
કાર સાથે અથડાયા બાદ બસ ૫૦ ફૂટ નીચે પડી હતી. જેના કારણે બસમાં મુસાફરી કરી રહેલા લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં મુસાફરો ઘાયલ થયા હતા. બસ પલટી મારી નીચે પડી હતી. જેના કારણે મોટાભાગના મુસાફરો ઘાયલ થયા હતા.
કાનપુરના કિદવાઈ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર વિદ્યાર્થી દ્વારા તેજ ગતિએ ચલાવવામાં આવેલી કારની ટક્કરથી સ્કૂટર પર સવાર એક મહિલાનું મોત નીપજ્યું હતું. શનિવારે આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ ભયાનક અકસ્માતમાં મહિલાની પુત્રી પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેમણે કહ્યું કે સ્કૂટર ચલાવી રહેલી ૪૨ વર્ષીય ભાવના મિશ્રાનું શનિવારે કિદવાઈ નગરમાં એક ઝડપી એસયુવીની ટક્કરથી મૃત્યુ થયું હતું, જ્યારે તેની ૧૩ વર્ષની પુત્રી મેધવી મિશ્રા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.