તાજાનગરી આગ્રામાં ૪ દિવસમાં ૩૫૩.૫ mm વરસાદ નોંધાયો છે. આ સાથે છેલ્લા ૩ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે, હાઇવે પર પણ પાણી પહોંચી ગયા હતા. સાથે જ તાજમહેલ, આગ્રાનો કિલ્લો, બેબીતાજ, ફતેહપુર સીકરી, રામબાગ જેવી ઐતિહાસિક ઈમારતોને પણ વરસાદી પાણીના કારણે ઘણું નુકસાન થયું છે. મંગળવાર, બુધવાર અને ગુરુવારે વરસાદને કારણે તાજમહેલના બગીચાઓમાં પાણી ભરાઈ ગયા હતા.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ તાજમહેલ પહોંચી અને તપાસ કરી હતી. વરસાદ દરમિયાન તાજમહેલના મુખ્ય મકબરામાં ઘણી જગ્યાએથી પાણી ટપકતું હતું. ASI અધિકારીઓના જણાવ્યા અનુસાર, પિત્તળના કળશથી મકબરા પર પાણી ટપકતું હતું. કળશની સ્થાપનામાં ઘણા સાંધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમને કાટ લાગ્યો હોવાની શક્યતા છે. સપાટી સૂકાયા પછી ગ્રાઉટિંગ અને પેકિંગ કરવામાં આવશે. બીજી તરફ યમુનાના વધતા જળ સ્તરને કારણે તાજમહેલના પાયાના કુવા પર રાખવામાં આવેલા સાલના લાકડાને જીવન મળ્યું છે.
એએસઆઇના અધિક્ષક પુરાતત્વવિદ્‌ ડો. રાજકુમાર પટેલ તાજમહેલના વરિષ્ઠ સંરક્ષણ સહાયક પ્રિન્સ વાજપેયી અને એન્જીનિયરોની ટીમ સાથે શુક્રવારે તાજમહેલની છત લીક થવાની સમસ્યાની તપાસ કરી હતી. એએસઆઇ ટીમે તે જગ્યા શોધી કાઢી હતી, જ્યાંથી તાજમહેલમાં પાણી ટપકતું હતું. પાણી લીકેજ થવાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. તાજમહેલનો મુખ્ય મકબરો ડબલ ડોમ છે. ઉપરની છત પર પાણીના નિકાલ માટે સારી વ્યવસ્થા છે. પરંતુ સતત વરસાદને કારણે નીચેની છત પર પાણી આવી ગયા હતા. જેના કારણે મુમતાઝ અને શાહજહાંની કબરો પર ટીપા ટપક્યા હતા.
શુક્રવારના રોજ આગ્રા કિલ્લાના વરિષ્ઠ સંરક્ષણ સહાયક કલંદર બિંદે ટીમ સાથે મુસમ્મન બુર્જ, દીવાન-એ-આમ, મોતી મસ્જીદ, ખાસ મહેલ સહિત અન્ય સ્મારકોનું નિરીક્ષણ કર્યું.એએસઆઇની ટીમને આગરા કિલ્લાના ખાસ મહેલમાં ભીનાશ જોવા મળી હતી. બેબી તાજ, ફતેહપુર સીકરી, રામબાગ મેમોરિયલને પણ
વરસાદી પાણીના કારણે નુકસાન થયું છે. એસએસઆઇ ની ટીમે તેની તપાસ કરી હતી. ગત વર્ષે પણ મુખ્ય ગુંબજની છત લીક થઈ હતી. તેનું સમારકામ કરવામાં આવ્યું છે. મસ્જિદ અને ગેસ્ટ હાઉસના ગુંબજમાંથી પાણી ટપકતું હતું. તેઓ વોટરપ્રૂફ બનવા માટે રચાયેલ છે.
પ્રેમના પ્રતિક અને વિશ્વની સાતમી અજાયબી તાજમહેલનો મુખ્ય ગુંબજ લીક થવાની અને પાણી ટપકવાની ઘણી વાર્તાઓ છે. વર્ષ ૧૬૫૨ માં પ્રથમ વખત મુખ્ય ગુંબજમાં પાણી લીકેજ થયું હતું. મુઘલ બાદશાહ શાહજહાંના રાજકુમાર ઔરંગઝેબે ડિસેમ્બર ૧૬૫૨ માં તાજમહેલની મુલાકાત લીધા બાદ શાહજહાંને એક પત્ર લખીને અહેવાલ આપ્યો હતો. ઔરંગઝેબે પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે, વરસાદ દરમિયાન મુખ્ય મકબરાના ગુંબજની ઉત્તર બાજુએ બે જગ્યાએથી પાણી ટપકતું હતું. તાજમહેલના ચાર કમાનવાળા દરવાજા, બીજા માળની ગેલેરી, ચાર નાના ગુંબજ, ચાર ઉત્તરીય વરંડા અને સાત કમાનવાળા ભૂગર્ભ ચેમ્બર પણ ભીના થઈ ગયા છે.
બ્રિટિશ શાસન દરમિયાન ૧૮૭૨ માં એક્ઝીક્યુટિવ એન્જીનિયર જે.ડબ્લ્યૂ. એલેક્ઝાન્ડરની દેખરેખ હેઠળ તાજમહેલમાં સમારકામ કરવામાં આવ્યું હતું. જેમાં પાણીના લીકેજના પ્રશ્નો પણ ઉકેલાયા હતા. આ પછી ૧૯૨૪ માં બાગ ખાન-એ-આલમની દીવાલ ધરાશાયી થઈ અને ૭ ઓક્ટોબર ૧૯૨૪ ના રોજ આ દિવાલનું સમારકામ કરવામાં આવ્યું હતું. ૧૯૨૮ માં તાજમહેલની શાહી મસ્જિદ લીક થઈ, તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. ૧૯૪૧ માં મુખ્ય ગુંબજ પર લીકેજ રોકવાનું કામ કરવામાં આવ્યું હતું. આ પછી ૧૯૭૮ના પૂરમાં તાજના અંડરગ્રાઉન્ડ કક્ષોને નુકસાન થયું હતું. ત્યારબાદ તાજમહેલના ગુંબજની સાથે ભૂગર્ભ કક્ષોનું સમારકામ કરવામાં આવ્યું.
તાજમહેલના પાયામાં કુવાઓ છે. આ કુવાઓ સાલના લાકડાથી ભરેલા છે. સાલ લાકડા માટે ભેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વરસાદના કારણે તાજમહેલ પાસે યમુના વહેતી થઈ છે. જેના કારણે તાજમહેલના પાયામાં લગાવવામાં આવેલા સાલના લાકડામાં પુષ્કળ ભેજ મળી રહ્યો છે. આનાથી પાયો મજબૂત થયો છે.
આગ્રાની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો નવો રેકોર્ડ બન્યો છે. વર્ષ ૨૦૨૧ બાદ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આગ્રામાં ભારે વરસાદ થયો હતો. આ મહિનામાં ૩૬૫.૪ એમએમ વરસાદ નોંધાયો છે. જેમાં આગ્રામાં ત્રણ દિવસમાં ૨૨૨ એમએમ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ સિઝનમાં ૧૦૩૫.૨૫ એમએમ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગ્રામાં મંગળવારે ૧૩ એમએમ, બુધવારે ૧૫૦ એમએમ અને ગુરુવારે ૫૮ એમએમ વરસાદ નોંધાયો હતો.