આગામી ૧ મે, ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવા વહીવટી તંત્ર તૈયાર છે. જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રાજ્યકક્ષાના ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ગોધરા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરાના પત્રકારો સાથે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
મુખ્યમંત્રીના કાર્યક્રમની રૂપરેખા આપતા જિલ્લા કલેકટરે જણાવ્યું કે, સવારે ૧૦.૦૬ કલાકે મુખ્યમંત્રીના હસ્તે ગોધરા ખાતે પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાશે. ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે ઇ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત અને શસ્ત્ર પ્રદર્શન કાર્યક્રમ છબનપુર રામદરબાર મંદિર પાસે યોજાશે. ત્યારબાદ મુખ્યમંત્રી પંચામૃત ડેરી ખાતે દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ વિઝીટર ગેલેરીની મુલાકાત અને ગૌ-શોર્ટ સેક્ટ શોર્ટેડ સીમેન ટેકનોલોજીના મશીનનું વર્ચુઅલ ઉદઘાટન કરશે.
આ ઉપરાંત હાલોલ ખાતે સ્થીત રૂબામીન પ્રા.લી. કંપનીની મુલાકાત કરી ત્યાં લીથીયમ-આયર્ન બેટરી રિસાયકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાંજે ૧૮.૦૦ કલાકે વિવિધ પ્લાટૂન દ્વારા પરેડ તથા બાઇક રેલી યોજાશે. અંતમાં ગોધરા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે જિલ્લાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
આશિષ કુમારે વધુમાં જણાવ્યું કે, ગુજરાત ગૌરવ દિવસ નિમિતે મુખ્યમંત્રીના હસ્તે ગોધરા ખાતેથી રૂપિયા ૬૪૯.૭૭ કરોડના વિવિધ ૮૬ વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન કરાશે. જેમાં માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, આદિજાતિ વિભાગ, શિક્ષણ વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, આરટીઓ વિભાગ અને નગરપાલિકા જેવા વિવિધ વિભાગોના કામોનો સમાવેશ કરાયો છે.