“ લંકેશ..! તારૂ નામ તો આ યાદીમાં નથી ને..?” “ ના.. ના.. મેડમ..! હવે મે બધું છોડી દીધું છે. જૂઓને..! તમને હું બદલાયેલો નથી લાગતો..!?” “ ખેર..! તું કહે છે તો.., માની લઉં છું.” એમ કહીને એ આગળ વધી ગયાં. લંકેશનો તાળવે ચોંટેલો જીવ થો.. ડો હેઠો બેઠો. મેડમે આગળ વધી એક હટ્ટાકટ્ટા યુવાનને બોચીથી પકડયો. કાન પાસે મોં લઈ જઈ કંઈક કહ્યું અને બે ચાર ડંડાની ફટકાર લગાવી. “ ઓ.. માડી.. રે…!!” બસ આટલો જ અવાજ સાંભળીને સૌથી પહેલાં લંકેશ ઉછળી ઉછળીને બોલવાં લાગ્યો. “હું તમને કહેતો જ હતો..કે..,” ચિત્તાની ઝડપથી મેડમે પ્લાન બદલ્યો. અને લંકેશને બોચીથી પકડી ચાર ફટકારી..!
બધાને અચરજ થયું. આમ અચાનક..! આ શું થઈ ગયું..? પેલાંને મૂકીને મેડમે લંકેશને કેમ પકડયો..?
લંકેશ પણ હવે સમજી ગયો કે.. આપણે એમની ગેમમાં ગૂંચવાઈ ગયા છીએ.છતાંય એ કાચો ખેલાડી નહોતો. એમણે ‘ય ઘાટ ઘાટનાં પાણી પીધાં હતાં. એમણે નવી ચાલ ચાલી.
“મેડમ..! તમે ઉતાવળા બોવ. હું તમને એમ જ કહેવાં જતો હતો કે.. એને આટલો બધો મારોમાં. એ ગુનેગાર નથી. સિગારેટનાં દમ મે માર્યા છે. પણ.., તમે તો.. બચાડા ને ધીબી નાંખ્યો.” પછી મનમાં બબડયો.. મેડમ..! આ મારી નવી ચાલ છે. એ તમને નહીં સમજાય..!!
ઘડીભર મેડમ પણ.. અચરજ પામ્યાં કે.., લંકેશે સાવ આમ જ ગુનો કબૂલ કાં કરી લીધો. પણ.. એય આવાં સાત લંકેશની માથે રાત રહે એવાં હતાં. એ એમની ચાલ જાણી ગયાં. એટલે લંકેશને ખબર ના પડે એમ સ્ટેપ ટુ સ્ટેપ આગળ વધ્યાં.
ડ્રગ્સવાળી સિગારેટ કોણ કોણ લેતું હતું..? કોણ પહોંચાડતું હતું..? અને ક્યાં કયાં ડિલિવરી થતી હતી?
આ બધી જ માહિતી કઢાવવા મેડમે લંકેશને જેલનાં સળિયા પાછળ ધકેલી દીધો.
આખી કોલેજમાં છન્નાટો છવાઈ ગયો હતો. નયન અને રોશનીને ઘડીભર સારૂ લાગ્યું. પણ.. એ વિચારી રહ્યા હતા કે.., આ લંકેશ અને એનો બાપ આમ આટલી જલ્દી હાર માને એમાંના નથી. એ નેવાંના પાણી મોભે ચડાવે ઈ માયલાં છે.
અને લંકેશ જેટલો ઘવાશે. એટલો જ રઘવાયો થશે. અને જ્યારે રઘવાયો થશે ત્યારે પહેલો ટાર્ગેટ નયન અને રોશની જ હશે.મેડમે ફોન વાપરવાની મનાઈ કરેલી એટલે લવજીભાઈને લંકેશની ધરપકડનાં સમાચાર સાતમી અજાયબી જેવાં ટીવીના બ્રેકિગ ન્યૂઝ દ્વારા મળ્યા. રીમોટનો ઘા કરતાં એમનાં મોઢામાંથી શબ્દોનોય ઘા થઈ ગયો. “આ સાલો નપાવટ ક્યારે સુધરશે..? બાથરૂમ જાવાની ત્રેવડ નથી ને જુલાબ લેવાં જાય છે.
માંડ માંડ મે રોશનીના પપ્પા સાથે નાતો વધાર્યો અને.. આ ભાઈસાબ જેલમાં જઈને બેઠાં.
સાલામાં અક્કલનો છાંટોય નથી બળ્યો.” હવે આને ગમે તે ભોગે છોડાવવો તો પડશે. ફોન હાથમાં લઈને ચકરડાં ઘૂમાવવાં લાગ્યાં. ગોહીલ મેડમને પણ શંકા હતી કે, આ નેતાનું ફરજંદ એમને એમ તો રહેશે નહીં. લાગવગ.., લોભ.., લાલચ..અને ગમે તે હદે જઈને આ છડકછાપ છોકરો છૂટયાં વગર રહેશે નહીં. ખાખી અને ખાદીની લડાઈ તો થવાની. એનો રાજકારણી બાપ એને જાજા દિવસ અંદર રે ’વા દેશે નહીં. એટલે જેટલો દાવ લઈ શકાય એટલો દાવ આ વચ્ચેનાં દિવસોમાં લઈ લેવો છે. પે’લી વખતે પણ.., બધું જ કર્યું કારવ્યું પાણીમાં ગયું હતું. ગમે કારણે આ નપાવટને અમારે અમારા નાક નીચેથી છોડવો પડયો હતો.
ત્યારે અમારી બધી જ દાઝ મનની મનમાં જ રહી ગઈ હતી. આ વખતે ખરો મોકો હાથમાં આવ્યો છે. સબૂત પણ અમારાં હાથમાં છે.
મોંકો ‘ય છે ને દસ્તૂરે’ ય છે.
અને આમેય હમણાં ક્યાંય હાથ સાફ કર્યો નથી.
હવાલદારોય ટેબલ પર અને દિવાલોમાં ડંડા પછાડે છે.
આના કરતાં…, એય તે ભલે હાથ સાફ કરે.
બીજું કે, સૌથી મોટું સુખ અને શાંતિ એ છે કે, સાહેબ હમણાં ચાર દિવસની રજા ઉપર છે.
એટલે ચાર દિવસ તો ભલામણની ભીંત ભૂલી જવાની છે.
“હવાલદાર..!”
મેડમે આક્રોશ સાથે અવાજ કર્યો.
“જી.. જી.. મેડમ..!”
એક કરતાં બે હવાલદાર હાજર થયાં.
“તમે બે દિવસ પહેલાં ઓલ્યા ડંડાની ધૂળ સાફ કરતાં ‘તા ઈ ડંડા ક્યાં..?”
“કેમ મેડમ..!? ક્યાંય કફર્યૂ પડ્‌યો છે..? ક્યાંય રમખાણો ફાટી નીકળ્યાં છે..?”
“અરે…! આ પોલીસ સ્ટેશનમાં રમખાણ છે. આ કંઈ ઓછું છે..?”
“મેડમ..! વાતમાં કાંઈ ટપ્પો ના પડ્‌યો. જરા…”
“એ… એ..! ટપ્પાનાં દીકરાં..! પોલીસ સ્ટેશનમાં આ ટપોરી છે. આ કંઈ ઓછું જોખમ છે..?
એ આપણાં મહેમાન કહેવાય કે, નહીં..?”
“ હા મેડમ..! આપણાં મહેમાન જરૂર કહેવાય..!”
“ તો પછી એમની મહેમાનગતિ કરવી છે કે, નહીં..?”
“ મેડમ..! હાથમાં ખંજવાળ તો સવારથી આવે છે. પણ..”
“ તો પછી.., રાહ કોની જુઓ છો..? ચોંટી જાવ સા.. લા ને..!”
ઘણીવાર સુધી ઓય માડી.., ઓય બાપા.. ના અવાજ આવતાં રહ્યાં.
પરંતુ દરવાજે બે ચાર બૂટનો અવાજ સાંભળી મેડમ ચમકયાં..!
કોણ હશે..? શા માટે આવ્યાં હશે..??
(ક્રમશઃ)