શિયાળાની સવારનો સમય મંદ મંદ પવન વાતો હતો. કંકુવર્ણો તડકો હુંફાળો લાગતો હતો. આકાશ સ્વચ્છ હતું. આસપાસ હરિયાળી છવાયેલી હતી. ગુલમહોર, પારિજાત, નીલગીરી, લીમડો અને પારસપીપળો તેમજ ગોરસ આંબલીનાં ચારપાંચ વર્ષ પહેલાં વાવેલાં વૃક્ષો મોટાં થઈ ગયાં હતાં. તેના પડછાયા લાંબા થઈ રહયા હતા. આ વૃક્ષોની ઘટામાં પંખીઓનો કલરવ સંભળાતો હતો. દેવચકલી, બુલુબુલ અને દરજીડાનો સ્વર સંભળાતો હતો. મારી બિલકુલ સામે ખુલ્લી જમીન પર બીટગાર્ડ ડાયાભાઈ હમણા જ ચણ નાંખીને ગયા હતા તે ચણવા ચકલીઓ, કાબરો, કબુતરોનું ટોળું ઉતરી આવ્યુ હતું. એક મોર અને ઢેલ યુગલ પણ ઉંચા વૃક્ષ પરથી પાંખો ફફડાવતું નીચે આવ્યુ આ જોઈ નાનાં પંખીઓ ઉડાઉડ કરવા લાગ્યાં હતાં.
મોર તેની ટપુક ટપુક મસ્ત ચાલમાં ચાલતો મારી નજીક આવી રહયો હતો. તેને નજીક આવતો જોઈ મેં મારી ખુરશીની બાજુમાં નજર કરી, ચણનો વાટકો પડ્‌યો હતો. તેમાંથી જુવારની મુઠ્ઠી ભરી હથેળીમાં લીધી અને મારો હાથ મોર તરફ લંબાવ્યો તે આવ્યો અને મારા હાથમાંથી જુવારના દાણા ચણવા લાગ્યો.
સામે ચણતાં પારેવાં, કાબરો, ચકલીઓની સાથે ચણવા લલેડાંઓની ટોળી પણ આવી ગઈ હતી. તેના કલબલાટથી વાતાવરણ ગુંજી ઉઠ્‌યું હતું. મોર મારા હાથમાં ચણતો હતો અને હું કંઈક વિચારતો હતો તેવામાં બીટગાર્ડ ડાયાભાઈને ગણવેશમાં તૈયાર થઈ મારા તરફ આવતા જોયા. મને અચાનક યાદ આવ્યું શ્રીમતીજીએ ટીપોય પર મુકેલ ચ્હામાંથી વરાળ નીકળતી બંધ થઈ ગઈ હતી. હુંફાળી એ ચ્હાનો મગ હાથમાં લઈ ઘુંટડો ભરવા જતો હતો ત્યાં ડાયાભાઈએ આવી સેલ્યુટ લગાવી મને ગુડ મોર્નિંગ સર કહયું. હું મારી વિચાર તંદ્રામાંથી બહાર આવ્યો અને તેનું અભિવાદન ઝીલ્યું.
‘સાહેબ આજના છાપા જોયાં ?’
‘ના. કેમ ખાસ કંઈ છે’
‘હાં, આંતરસુબાના આખલાના સમાચારો છપાયેલા છે.’
મેં ટીપોય પર પડેલ અખબારો તરફ જોયું. નયા પડકાર, જનગર્જના, સર્વોેદય, મહાગુજરાત જેવાં સ્થાનિક પેપરોની સાથે સંદેશ, ગુજરાત સમાચાર, સમભાવ અને જનસત્તા તેમજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન એક્સપ્રેસ જેવાં અંગે્રજી અખબારો પણ હતાં.
સ્થાનિક અખબારો પર નજર કરતાં કોઈએ લખ્યું હતું. ‘આંતરસુંબામાં આખલાનો હાહાકાર’ તો બીજાએ લખ્યું હતું ‘વનવિભાગ ઉંઘતું રહયું ને આખલો ખેડૂતોનાં ખેતર ખુંદતો રહયો.’ ત્રીજામાં લખ્યું હતું કે‘આખલાના આતંકથી ત્રાહિમામ ખેડૂતોએ ગાંધીનગર સુધી રજૂઆત કરી.’
વાચતાં મન જરા વિચલિત થયું. ચ્હાનો ઘુંટડો ભરતાં મેં ડાયાભાઈને પુછયું. ‘આમાં હકીકત શું છે? ખરેખર આ જંગલી આખલો છે કે…’
મારી વાતને અટકાવતાં ડાયાભાઈએ કહ્યું ‘સર, ચિંતાની કોઈ વાત નથી. ગઈ કાલે આંતરસુંબામાં આ વિસ્તારના ખેડૂતો અને ખાસ કરીને સરપંચોની એક મિટિંગ હતી. તેમાં આસપાસના વિસ્તારમાં જંગલી ગાયો અને આખલા દ્વારા ભેલાણ અંગે ઘણા બધાએ ઉભરો ઠાલવ્યો હતો.’
‘પણ તમે જે કહો છો એ જંગલી ગાયો અને આખલો રહે છે કયાં ? શું ખરેખર એ જંગલી જ છે ? તેની આપણી સાથે શું નિસ્બત’ મેં જરા ઉગ્ર થઈ જતાં કહયું.
‘સાહેબ, આ બધી સમજ્યા વગરની વાતો છે. હાં એ વાત સાચી કે ગાયો અને આખલો આપણા જંગલ વિસ્તારમાં રહે છે. પણ એ જંગલી નથી. દુષ્કાળના સમયમાં અહીંથી પસાર થતા કોઈ રબારીઓ કે ભરવાડો તેને મુકીને જતા રહયા છે એવું જાણવા મળે છે. આઠ દસ જેટલી ગાયો અને આખલો આખો દિવસ જંગલમાં ક્યાંક બેસી રહે છે અને રાત્રે ખેતરાઉ વિસ્તારમાં આવી ઉભા પાકનું ભેલાણ કરે છે એ પણ હકીકત છે.
‘પણ તેમાં જંગલ ખાતાને શું લાગેવળગે?’ મેં પ્રશ્ન કયો.
‘એટલું જ કે તેમનો વસવાટ જંગલ વિસ્તારમાં છે. અને આપણં રીઝર્વ જંગલ હોવાથી માનવ અવરજવરની મનાઈ છે.’ ડાયાભાઈએ કહયું.
‘હં હવે વાત સમજાય છે. ગાયોની વાત આવી ત્યારે હું પહેલાં નીલગાયો હશે તેમ માનતો હતો. પણ આ તો જુદી જ હકીકત છે.’
‘જી, સર’
મને લાગે છે કે આપણે સ્થળ તપાસ કરવા જવું જોઈએ. તમે એ જગા જોઈ છે? દસ મિનિટમાં નીકળીએ છીએ. તમે તૈયાર રહેજો.
’જી, સર’ કહી ડાયાભાઈ પોતાના કવાર્ટર તરફ ગયા.
ખેડા જિલ્લાના કપડવંજ ખાતે મારી પોસ્ટીંગ ૧૯૮૭માં થયેલ તે સમયની આ ઘટના છે. કપડવંજ-રત્નાકર માતા રોડ પર એક તળાવ આવેલું છે તેની બિલકુલ બાજુમાં વન વસાહત આવેલી છે. આ સરકારી કવાર્ટરમાં એક કચેરી અને પરિક્ષેત્ર વન અધિકારીનું નિવાસ સ્થાન તેમજ બે સ્ટાફ કવાર્ટર્સ આવેલાં છે.
હું તૈયાર થઈ બહાર આવ્યો ત્યારે ડાયાલાલ મારી રાહ જોતા ઉભા હતા. મેં મારી સરકારી રાજદૂત મોટર સાયકલ બહાર કાઢી કીક મારી બન્ને આંતરસુબા તરફ જવા રવાના થયા. કપડવંજ શહેરની બહાર નીકળતાં મહોર નદીનો પુલ વટાવી આગળ વધ્યા ત્યારે સામે હરિયાળાં વૃક્ષો અને પ્રકૃતિ જાણે અમને વધાવવા સોળે કળાએ ખીલી હતી. અહીંથી એક ફાંટો
આભાર – નિહારીકા રવિયા નરસિંહખુર તરફ જાય છે જયારે બીજો રોડ આંતરસુબા તરફ વળે છે. અમે એ રસ્તે આગળ વધ્યા હોઈશું ત્યાં રસ્તાની વચ્ચેથી નાગ પસાર થઈ રહયો હતો. મેં બ્રેક મારતાં અવાજ થયો અને એ ફેંણ ચડાવી અમારી સામે ઉભો રહી ગયો.
‘સાહેબ, નાગદેવતાના શુકન થયાં છે. આપણું કામ ફતેહ થશે.’ ડાયાભાઈ બીટગાર્ડ અંદરના ભયને છૂપાવતાં બોલ્યા. તે દરમિયાન સામેથી ટ્રક આવતી હોવાથી તેના ઘરઘરાટ અવાજથી સાપ સડસડાટ બાજુના કોતરમાં ઉતરી ગયો અને અમે આગળ વધ્યા.
આંતરસુંબા ગામમાં પ્રવેશતાં જૂનો ઐતિહાસિક દરવાજો છે અને જમણી તરફનો રસ્તો ઉત્કંઠેશ્વર મહાદેવ તરફ જાય છે. જ્યાંથી દહેગામ જઈ શકાય છે. રસ્તાના વળાંકે સરપંચ ઉાભા હતા. તેને જોઈ મેં બ્રેક મારી. (ક્રમશઃ)