(ગતાંકથી આગળ)
રસીકભાઈ કાબેલ માણસ હતા. તેમણે પણ પળનો વિલંબ કર્યા વિના ટ્રીન્કવીલાઈઝર ગનનો ઘોડો દબાવ્યો. તે સાથે લાલ ફૂમતાંવાળું ઈંજેક્શન ફટ્‌ અવાજ સાથે આખલાના પડખામાં જઈ ઘૂંસ્યું અને ભડકીને ભાગવા લાગ્યો. અમે તેનો પીછો કર્યો. દવાની અસર થવાથી તે ભાન ગુમાવી રહયો હતો. છતાં જેટલી તાકાત હતી તે લગાવી ભાગતો હતો. તેમાં તેને સામે કોતરનો ખ્યાલ ન રહયો ને ધડામ કરતાં પંદર વીસ ફૂટ ઉંડા કોતરમાં પડ્‌યો. જેવો પડ્‌યો એવો બેભાન થઈ ગયો. કોતર દુર્ગમ હતું. ઉતરવું ખુબ અઘરું હતું. વળી જો આખલો ભાનમાં આવી જાય તો આવી જ બને એ વાતનો ભય પણ હતો. ‘શું કરીશું ?’ મેં રસીકભાઈ તરફ જોયું. તેમણે કહયું કે નીચે ઉતર્યા વિના છૂટકો નથી. અમે બન્ને બીજા ત્રણ ચાર માણસો અને દોરડાં લઈ કોતરમાં ઉતર્યા.
ગામમાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ હતી કે આખલો પકડવા ગાંધીનગરથી ટીમ આવી છે. તેથી લોકોના ટોળેટોળાં ઉમટી પડ્‌યાં. મીડિયાકર્મીઓ પણ પોતાના કેમેરા લઈ સજ્જ થઈ ગયા હતા. કોતરની ઉપરના ભાગે હાંકોટા પડકારા અને અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠ્‌યું હતું. નીચે ઉતરી રસીકભાઈએ બીજું એક ઈન્જક્શન આપવા ગન સજ્જ કરી. બેભાન આખલાને કાબુમાં લેવા સાથે આવેલા માણસોએ દોરડાથી બાંધવાની કવાયત શરૂ કરી. તેવામાં ઉપર થઈ રહેલ શોર બકોર અને કદાચ દવાનો ડોઝ ઓછો પડ્‌યો હોઈ આખલો ભાનમાં આવી ગયો. બાંધેલા દોરડા સાથે માણસોને ખેંચતો તે કોતરમાં ભાગ્યો. અમારા સૌના જીવ અધ્ધર થઈ ગયા.
પણ સારૂ થયું કે થોડે દૂર કોતરની બહાર આવી આખલો ફરી બેભાન થઈ ગયો. હવે જરા પણ રાહ જોયા વિના રસીકભાઈએ તેને શટ્‌ કરતું બીજું ઈન્જક્શન આપી દીધું. આખલો સંપૂર્ણપણે ભાન ગુમાવી બેઠો. ગામલોકો અને અમારા માણસોના સાથ સહકારથી આખલાને ટ્રકમાં ચડાવ્યો. બીજા દોરડા બાંધી મજબુત રીતે બાંધી ભાનમાં આવે તો પણ કંઈ કરી ન શકે એ રીતે ચકાસણી કરી લીધી. તે પછી તેના પર ગ્રીન નેટ બાંધવામાં આવી. અમને સૌને હાશકારો થયો પણ ગામલોકોમાં હજુ બેચેની હતી. કેમકે આખલાની સાથે રહેલી ગાયો તેને શોધતી કોતરના કિનારે ઉંચા ટેકરા પર આવી ઉભી હતી અને આખલાને પકડીને લઈ જવાનો આ નજારો જોતી હતી. તે હવે શું કરશે તે ચિંતાનો વિષય હતો. પણ કંઈ થયું નહીં. ગાયો કંઈક બેચેની સાથે જંગલ તરફ ભાગી ગઈ.
ટ્રકમાં આખલાને લઈ અમે કપડવંજ તરફ આવ્યા. પણ હવે શું ?
ચર્ચા વિચારણાને અંતે આખલાને સ્થાનિક પાંજરાપોળમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો. પાંજરાપોળવાળાએ પહેલાં તો આનાકાની કરી પણ છેવટે હા ભણી.
પાંજરાપોળનો વિશાળ દરવાજો ખુલ્યો. ટ્રક તેમાં પ્રવેશી, અમે સૌ પણ તેની સાથે-સાથે જ હતા. આખલાને સાવચેતીપૂર્વક ઉતારવામાં આવ્યો. રસીકભાઈએ ફરી તેમની ગન તૈયાર કરીને એક ઈન્જેક્શન આપ્યું. જેનાથી અર્ધો કલાક બાદ આખલો ભાનમાં આવશે.
પાંજરારોળના શેઠીયાઓ અને નોકરો આખલાને જાેઈ ગભરાતા હતા. આવું ખુબજ તગડું પ્રાણી અહીં આ પહેલાં ક્યારેય આવ્યું ન હતું.
અમે બધા સરકારી ગેસ્ટહાઉસે આવ્યા. ચ્હા નાસ્તો કરી બધા છૂટા પડ્‌યા.
બીજે દિવસે સવારે હું મારી ટિપોય પર પડેલાં અખબારોના અહેવાલો જોતો હતો. તેમાં વન વિભાગની કામગીરીની ભારોભાર પ્રશંસા કરેલી હતી. અને અધિકારીઓ તેમજ કર્મચારીઓએ જીવના જોખમે ખેડેલ સાહસનું બયાન હતું. ત્યાં તો કંઈક અવાજ આવ્યો. મેં જોયું તો અમારા કેમ્પસમાં એક કાર પ્રવેશી. કાર નજીક આવી ઉભી રહી ત્યાં તેમાંથી પાંજરાપોળના ટ્રસ્ટી સેવંતીલાલ નજરે પડ્‌યા. ‘આવો….. આવો…… શેઠ આજ સવાર સવારમાં કંઈ આ તરફ..’
મારી વાત પુરી થાય તે પહેલાં એ બોલ્યા સાહેબ તમે તો મને આફત બઝાડીને જતા રહયા. અને આખલો ભાનમાં આવતાં તોફાને ચડ્‌યો હતો. પાંજરાપોળમાં ઘણું નુકસાન કરી નાખ્યું. અમારી ગાયોને વાછરડાં ભાગંભાગ કરવા લાગ્યા. તેમને સાચવનાર રબારી તો જીવ લઈ નાઠો કેમકે તેને જોતાં જ આખલો તેની પાછળ પડ્‌યો હતો. તેણે માંડ માંડ દરવાજો તો વાસી દીધો પણ આખલો જબરો તાકાતવાળો હતો. તેણે ભેટી મારી દિવાલ તોડી નાંખી અને જંગલ તરફ ભાગી નીકળ્યો છે. મને જાણ થઈ એટલે તમને કહેવા આવ્યો છુ ં.
‘શું આખલો ભાગી ગયો. હવે….’ હું વિચારતો રહયો. મારા વ્યવસાયિક જીવનનો આ યાદગાર અનુભવ આજે પણ હું ભુલી શકતો નથી. (સમાપ્ત)