(ગતાંકથી આગળ)
‘આવો સાહેબ, ચ્હા પીઓ.’
‘સરપંચ ચ્હા તો પછી પીશું પહેલાં મને એ કહો કે પેલો આખલો ક્યાં છે? ’
જંગલમાં વડલા હેઠે બેઠો હશે. સાંજ સુધી એ ત્યાં જ આરામ ફરમાવે છે. રાત પડેને રાડ પડાવે છે.’ સરપંચે કહયું. ‘મારે તે આખલો અને સ્થળ બન્ને જોવાં છે.’ મેં કહયું.
‘સારું. અલ્યા.. દેવજી તે પેલો આખલો ક્યાં બેસે છે તે જોયો છે ને…’ સરપંચે દૂર ઉભેલા વન ચોકીદારને પુછયું. ‘હોવે,’ તે દોડતો આવ્યો અને સલામ ઠોકી જરા કડક ઉભો રહયો.
‘દેવજી. તું શું કરે છે. ગામ લોકોની રાવ આવે છે કે જંગલોનો આખલો ખેતરોમાં રમણભમણ કરે છે ને ખુબ ભેલાણ કરે છે.’
‘હોવે સાહેબ, વાત સાચી છે. પણ ઈમાં હું શું કરું’ દેવજી બોલ્યો.
‘ઠીક છે અમને બતાવ તો ખરો !’
‘હેંડો, ગામની પછવાડે કોતરની પેલે પાર જંગલમાં મોટા વડલા હેઠળ બેઠો જ હશે.’ દેવજીએ વિશ્વાસપૂર્વક કહયું. ‘દેવજી મારી પુંઠે બેસી જા મારે પણ આખલાને જોવો છે.’ સરપંચે કહયું અને તેમનું મોટર સાયકલ ચાલુ કર્યું. પાકો રસ્તો છોડી ઘરઘરાટ કરતી અમારી મોટર સાયકલો એક નેળીયામાં થઈને કાચી કેડી પર આગળ વધવા લાગી. ખેતરો પુરાં થયાં અને જંગલની હદ શરૂ થઈ ત્યાં પથ્થરના બાણ (નિશાન) લગાવેલાં હતા. પથ્થરની દિવાલ એક જગ્યાએ તૂટેલી દેખાતી હતી.
‘સાહેબ, આખલો ને ગાયો અહીંથી જ ગામથી ખેતરો તરફ જાય છે.’ દેવજીએ કહયું.
‘તું રીપેર કરતો નથી.’
‘રોજ પાણા મેલી દિવાલ હરખી કરુ છું ને હવારે જયમ હતી ઈમ થઈ જાય છે.’ દેવજી બોલ્યો, બાજુમાં લાકડાંનો દરવાજો હતો તે ખોલી અમે અંદર પ્રવેશ કર્યાે થોડે દૂર જતાં જ મોટો વડલો દેખાયો અને સરપંચ બોલી પડ્‌યા. ‘જૂઓ સાહેબ ગોપીઓથી ઘેરાઈને કાનજી બેઠા હોય એમ કેવો ટેસથી બેઠો છે.’
‘હાં,’ હવે હું જરા તેની નજીક જવાની કોશિશ કરવા જતો હતો પણ ડાયાભાઈ અને દેવજીએ મને રોક્યો. ત્યાં સુધીમાં આખલો ઉભો થઈ ગયો હતો અને આઠ-દસ ગાયો તેને ઘેરીને ઉભી રહી ગઈ હતી. આખલાએ છીંકાટો કર્યાે. ‘સાહેબ, ભાગો નહીંતર એ આપણા પર હુમલો કરી દેશે.’ સરપંચે કહયું.
અમે ત્યાંથી થોડા પાછળ ખસી ગયા. એટલે આખલો પણ શાંત થઈ ગયો.
અમે બધા પાછા વળ્યા. રસ્તામાં સરપંચે મને જુદાં જુદાં ખેતરો બતાવ્યાં જેમાં પાકને ધમરોળી નાખવામાં આવ્યો હતો. ચરિયાણ ખુબ મોટા પ્રમાણમાં જણાતું હતું.
‘આટલું નુકસાન થાય છે તો તમે કંઈ કરતાં કેમ નથી ? મેં સરપંચને પુછયું.
‘રાતે ખેડૂ સુતા નથી. ડબલાં, તગારાં ને થાળીઓ લઈ જોર જોરથી વગાડે છે. ફટાકડા પણ ફોડ ેછે. જેનાથી ડરીને ગાયો અને આખલો ભાગી જાય.’
‘તો પછી આટલું નુકસાન ? ’
‘એજ તો વાત છે સાહેબ, આખલો કોઈને ગાંઠતો નથી. ભૂરાંટો થઈ પાછળ પડે છે. તેનો વિકરાળ દેખાવ જોઈ ભલભલાના છક્કા છૂટી જાય છે. હવે તો જો પકડાય અને પાંજરે પુરાય તો જ અમને નિરાંત થાય તેથી આજુબાજુના ગામના સરપંચો અને આગેવાનોની ગઈ કાલે મિટિંગ કરેલી આજે બધા ભેગા મળીને ગાંધીનગર ગયા છે. મારે થોડું કામ હતું એટલે જઈ શક્યો નથી.’ સરપંચે ફોડ પાડ્‌યો.
બધું જોઈ તપાસી સાંજે ઘેર આવ્યો. આ ખુર્રાટ આખલાને કેમ ઝેર કરવો તેના વિચારોમાં મને મોડે સુધી ઉંઘ આવી નહીં. બેચેનીમાં પડખાં ફેરવતો રહયો.
સવારમાં વહેલા નાયબ વન સંરક્ષકનો નડીયાદથી ફોન આવ્યો. ગાંધીનગરથી ટીમ આવે છે. સાથે વાઈલ્ડ લાઈફ સી.સી.એફ. લાડવા સાહેબ આવે છે. દસ વાગ્યે તમારે આંતરસુબા પહોંચવાનું છે. ચાર પાંચ સશક્ત માણસો, દોરડાં અને ટ્રકની વ્યવસ્થા કરી રાખજો.
સૂચના મુજબ સઘળી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. સૂરજ બરાબર માથે આવી ગયો હતો. અમે સૌ ગાંધીનગરની ટીમની રાહ જોઈને બેઠા હતા. દહેગામ તરફના રોડ પર અમારી આંખો મંડાયેલી હતી.
‘દેવજીએ આવી વાવડ આપ્યા. સાહેબોની ગાડીઓ આ તરફ આવી રહી છે. અમે સૌ સચેત થઈ ગયા. સરપંચ અને કેટલાક ગામના આગેવાનો પણ કુતુહલવશ સવારથી આવી ગયા હતા. હવે શું થશે? આ લોકો આખલાને કઈ રીતે પકડશે તે પ્રશ્નો બધાની આંખમાં વંચાતા હતા. નડીયાદ ડી.એફ.ઓ.ની ગાડી આવી જતાં તેમણે મને પૂછયું. તમે લોકેશન જોયું છે? ‘જી, સર અહીંથી બે કિ.મી. દૂર વડનું ઝાડ છે તેની નીચે જ આખલો અને આઠ દસ ગાયો બેઠેલી જોવા મળે છે.’ ‘ઠીક છે. સાહેબની ગાડી આવી રહી છે. તમે આગળ થાવ.’
‘ઓકે સર,’ કહી મેં રાજદૂતને કીક મારી સાથે ડાયાભાઈ બીટગાર્ડ તો હોય જ.
અમે આગળ વધ્યા. અમારી પાછળ જીપ અને એની પાછળ ગાંધીનગરથી આવેલ વન્ય પ્રાણી વિભાગના અગ્ર વન સંરક્ષકની કાર તેમજ એક ટ્રક પણ હતી. જેમાં કેટલાક મજૂરો અને બે-ત્રણ કર્મચારીઓ બંદૂક સાથે બેઠેલ દેખાતા હતા. કાચા ઉબડખાબડ રસ્તે આગળ વધતા અમે વડની નજીક આવી ગયા. ત્યાં અત્યારે ગાયો ન હતી.
આખલો એકલો બેઠેલો ઝોકાં ખાતો હતો.
ગાંધીનગરની ટીમની ગાડી આગળ આવી હું પણ એમાં ચડી બેઠો. અમે જેટલું નજીક જવાય તેટલું જવાની કોશિશ કરવા લાગ્યા. બંદુકધારી કર્મચારી સતર્ક બની આખલાનું નિશાન લેતા હોય તેમ તૈયાર હતા. તે ટીમમાં રસીકભાઈ પટેલ હતા જે પ્રાણીને બેભાન કરવા માટેની ટ્રીન્કવીલાઈઝર ગન સાથે તૈયાર હતા. અમે કંઈ વિચારીએ તે પહેલાં આખલો એકદમ ઉભો થઈ અમારી તરફ ધસ્યો.
મોટાં મોટાં શિંગડાં અને હૃષ્ટ પુષ્ટ શરીર, તેની બિહામણી આંખો સાથે કાન ઉંચા કરી ભયનો અણસાર મેળવતો પુંછડી અધ્ધર કરી આગળ વધ્યો. (ક્રમશઃ)