ગયા રવિવારે આઈપીએલમાં પહેલી વાર ઉતરેલી ગુજરાત ટાઇટન્સ ટીમ જીતી. તે રાજસ્થાન રૉયલ્સ સામે ફાઇનલમાં રમવાની હતી ત્યારે જ દારૂના સંદર્ભમાં પીવાવાળા વિરુદ્ધ પીવડાવવાવાળામાંથી કોણ જીતશે વગેરે રમૂજી સંદેશ ચાલુ થઈ ગયા હતા. જીત્યા પછી જાણે ગુજરાત જીત્યું તેવો આનંદ વ્યાપી ગયો. હાર્દિક પંડ્યા પહેલી વાર કપ્તાન બન્યો અને તેની કપ્તાનીમાં ગુજરાત ટાઇટન્સ જીત્યું. ટીમે રૉડ શો કર્યો. ભાજપ સરકારે ટીમનું સન્માન પણ કર્યું.

આનો ફાયદો કોને? આ વિચારવા જેવું છે. આઈપીએલ સત્તાવાર રમત નથી. માત્ર મનોરંજન છે. તેમાં મેચ ફિક્સિંગ બહાર આવી ચૂક્યું છે. વળી, મનોરંજન હેતુ જળવાઈ રહે તે માટે તેમાં બૉલરો પ્રભાવી રહેતા નથી. બૅટ્સમેન પ્રભાવી રહે છે. ચોગ્ગા-છગ્ગા ન વાગે તો રસ કેવી રીતે જળવાય? દર મેચમાં નવા વિક્રમો બને છે. લોકોને યાદ પણ નથી રહેતા. થોડા મહિના પહેલાં જ એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૧માં જ હજુ ૨૦૨૧ની આઈપીએલ રમાઈ. કોરોનાની બીજી લહેર હતી તેથી તેને સપ્ટેમ્બર ૨૦૨૧માં મોકૂફ રખાઈ હતી. ૨૦૦૯માં લોકસભાની ચૂંટણી, નવેમ્બર ૨૦૦૮ના મુંબઈ ત્રાસવાદી હુમલા, ૨૦૦૯માં પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પરનો હુમલોવગેરે છતાં આઈપીએલ મોકૂફ કેવી રીતે રખાય? એટલે તેને દક્ષિણ આફ્રિકા લઈ ગયા!

આઈપીએલ કાળાં નાણાંને સફેદ કરવાનો બહુ મોટો સ્રોત બની ગઈ હોવાનું સ્પષ્ટ દેખાય છે. નવા ક્રિકેટરથી માંડીને ચલણી ક્રિકેટરની બોલી લગાવાય છે, કરોડો રૂપિયામાં ખરીદાય છે! ચોગ્ગા-છગ્ગા, અર્ધ સદી, સદી કે વિકેટને નાચીને વધાવનારીઅર્ધનગ્ન વિદેશી રૂપાળી સુંદરીઓ હોય છે. પહેલાં તો આઈપીએલ મેચ પછી પાર્ટીઓ પણ થતી હતી. હવે તેના સમાચાર નથી આવતા. એટલે પાર્ટી ચાલુ છે કે બંધ તે કહી શકાય નહીં. એ પાર્ટીઓમાં શરાબ અને શબાબ બંનેનો સાથ દેશી-વિદેશી ક્રિકેટરોને ભરપૂર મળતો હતો તે તસવીર સાક્ષ્યથી કોઈને પણ સમજાય તેવું છે. આ રમતના દર્શકો હવે ઘટી રહ્યા છે. તેની પાછળની ઘેલછા ઘટી રહી છે. ટીઆરપીના આંકડા તેનું પ્રમાણ છે.

આની સામે માત્ર ગત એક-દોઢ મહિનામાં ભારતના ખેલાડીઓએ અન્ય રમતોમાં કેવો ઉત્કૃષ્ટ દેખાવ કર્યો તે જોવા જેવું છે.

ગત ૧૬ મેએ ભારતીય પુરુષોની બૅડમિન્ટન ટીમે થૉમસ કપમાં ૧૪ વાર વિજેતા રહેલા ઇન્ડૉનેશિયાને હરાવીને ઇતિહાસ સર્જી દીધો. તેની ફાઇનલ મેચ પણ રવિવારે જ હતી. તેમાં લક્ષ્ય સેન, કિદાંબી શ્રીકાંત, ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડીની જોડીઓએ પોત-પોતાની મેચ જીતીને ભારતને થૉમસ કપ અપાવ્યો. ભારતીય ટીમે જેવું-તેવું પ્રદર્શન નથી કર્યું. ઇન્ડૉનેશિયાને ૩-૦થી હરાવ્યું. થાઇલેન્ડમાં યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અત્યાર સુધી ૧૪ વાર ઇન્ડૉનેશિયા, ૧૦ વાર ચીન, પાંચ વાર મલયેશિયા, એક વાર ડેનમાર્ક અને એક વાર જાપાન વિજેતા થયાં હતાં. પહેલી વાર ભારત વિજેતા બન્યું.

ઑલિમ્પિકની જેટલી ચર્ચા થાય છે તેટલી પેરાલિમ્પિક કે ડેફલિમ્પિકની નથી થતી. આમેય આપણા દેશમાં સરકારી કે ખાનગી કચેરીઓની બાંધણી દિવ્યાંગોને સરળતાથી આવાગમન કરી શકે તે રીતની હોતી નથી અને ઇન્ડિગો જેવી ઍરલાઇન્સ તો દિવ્યાંગને ફ્લાઇટમાં ચડવા ન દે! યથાર્થ રીતે જ તેને રૂ. પાંચ લાખનો દંડ ફટકારાયો. દિવ્યાંગોની પેરાલિમ્પિકમાં ૧૯૭૨ અને ૧૯૮૪માં ભારતને અનુક્રમે એક સુવર્ણ અને એક રજત ચંદ્રક મળ્યો હતો. પરંતુ ૨૦૨૦ની પેરાલિમ્પિક (જે કોરોનાના કારણે રમાઈ ગત સપ્ટેમ્બર ૨૦૨૧)માં ભારતે ચારથી સીધો ૧૯ પર કૂદકો માર્યો.

૧૫ મેએ સંપન્નમૂકબધિરોની ઑલિમ્પિક ૨૦૨૧માં ભારતનો દેખાવ કેવો રહ્યો? ભારતે આઠ સુવર્ણ ચંદ્રક, એક રજત ચંદ્રક અને સાત કાંસ્ય ચંદ્રકો એમ કુલ ૧૬ જીત્યા! જરલિન અનિકા, દીક્ષા ડાગર, અભિનવ દેશવાલ, ધનુષ શ્રીકાંત અને સુમિત દહિયાએ દરેકે વ્યક્તિગત રીતે પાંચ સુવર્ણચંદ્રક જીત્યા હતા. ચંદ્રક સંખ્યાની દૃષ્ટિએ ભારત નવમા ક્રમે રહ્યું!

એપ્રિલ ૨૦૨૨માં બ્રાઝિલમાં યોજાયેલી પેરા બૅડમિન્ટન સ્પર્ધામાં ભારતે આઠ સુવર્ણ, સાત રજત અને ૧૩ કાંસ્ય સાથે કુલ ૨૮ ચંદ્રકો જીત્યા હતા!

તો ૨૨ મે ૨૦૨૨એ પહેલી બહરીનમાં પેરા બૅડમિન્ટનમાં પણ દિવ્યાંગ ખેલાડીઓ ઝળક્યા અને ઉપરોક્ત બંનેથી વધુ – ૨૩ ચંદ્રકો જીતી લાવ્યા! ૨૩ પૈકી ભારતના ખેલાડીઓએ સાત સુવર્ણ જીત્યા. ભારત આ સ્પર્ધામાં નવમા ક્રમે રહ્યું!જોકે પત્રકારત્વના અન્ય વિભાગોની જેમ રમતમાં પણ પાંચ ક- ક્યાં, કેમ, શું કામ, કોણે, કેવી રીતેનો છેદ ઉડાવી દેવાય છે, તે જ રીતે અહીં કેટલા રજત, કાંસ્ય જીત્યા તેની વિગતો મળતી નથી. મૂળ તો ક્રિકેટને સર્વાધિક, તે પછી સ્કર્ટવાળી રૂપાળી છોકરીઓના કારણે ટેનિસ અને તે પછી કંઈક અંશે ફૂટબૉલને જ મહત્ત્વ મિડિયામાં મળે છે. આવી દિવ્યાંગોની સ્પર્ધામાં તો ગ્લેમર ક્યાંથી હોવાનું? એટલે કવરેજ મળે તે પણ ભયો-ભયો કહી શકાય!

ધનુષવિદ્યા ભારતની પ્રાચીન વિદ્યા છે. અલગ-અલગ પ્રકારનાં ધનુષ શસ્ત્રોનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતમાં જોવા મળે છે. તેની રમતમાં ભારતીયોનો ઉત્કૃષ્ટ દેખાવ હોય જ. ૨૦૨૨ના તીરંદાજી વિશ્વ કપમાં ભારતે ત્રણ સુવર્ણ, એક રજત અને ત્રણ કાંસ્ય સાથે કુલ સાત ચંદ્રક જીત્યા. તે દક્ષિણ કોરિયા પછી બીજા ક્રમે રહ્યું.

વિશ્વ બૉક્સિંગ સ્પર્ધામાં એક સુવર્ણ અને બે કાંસ્ય ચંદ્રક સાથે ભારત બીજા ક્રમે રહ્યું. તેમાંય મુસ્લિમ નિખત ઝરીન તો વિશ્વ વિજેતા બની ગઈ. નિખત ઝરીન સુવર્ણ જીતનાર પાંચમી ભારતીય મહિલા છે, વધુ અગત્યનું એ છે કે તે મુસ્લિમ છે. તેના માટે આ સરળ નહોતું. તેના પૂર્વ ફૂટબૉલ અને ક્રિકેટર ખેલાડી પિતા મોહમ્મદ જમીલનો તો પૂરો ટેકો મળ્યો પરંતુ મુસ્લિમ સમાજ સામે ઝીંક ઝીલવી પડી હતી. શરૂઆતમાં સમાજના લોકો તેને રમતમાં જતી રોકતા હતા અને કહેતા હતા કે ત્યાં ટૂંકાં કપડાં પહેરવાં પડે છે. પરંતુ આજે તે વિશ્વ ચેમ્પિયન છે. આવું કહેતી વખતે તેના પિતા ભાવુક બની ગયા હતા.

૧૧ મેએબૅડમિન્ટનના ઉબેર કપમાં પી. વી. સિંધુ ક્વાર્ટરમાં પહોંચીને હારી ગઈ. તે પહેલાં તે ફિલિપાઇન્સમાં યોજાયેલી એશિયાઈ બૅડમિન્ટન સ્પર્ધામાં રેફરી સાથેના વિવાદના કારણે સેમી ફાઇનલમાં ફેંકાઈ ગઈ. પહેલો સેટ તેણે જીતી લીધો હતો અને બીજા સેટમાં પણ જીત તરફ આગળ વધી રહી હતી. પરંતુ રેફરીએ કથિત રીતે સર્વ કરવામાં સમય લેતાં પૉઇન્ટ પેનલ્ટી લગાડવાની કથિત અંચાઈ કરી હતી. તેની સામે સિંધુએ વાંધો ઉઠાવ્યો. સિંધુનું કહેવું હતું કે સામેવાળી ખેલાડી જ તૈયાર નહોતી. પરંતુ મુખ્ય રેફરીએ પણ તેની વાતને ગણકારી નહીં. ભારતીયો સામે આવી અંચાઈ ક્રિકેટમાં પણ પહેલાં બહુ થતી. પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાના અમ્પાયરો આવી અંચાઈ કરતા. શારજાહમાં ભારત-પાકિસ્તાનની મેચમાં પણ ગમે તે દેશના અમ્પાયરો હોય, તેઓ અંચાઈ કરતા. એટલે ભારતીયોએ આવો સામનો બધે જ, બધાં જ ક્ષેત્રોમાં કરવો પડે છે. સિંધુનો વિરોધ રેફરીએ ન સ્વીકારતા, એ મેચ સિંધુ હારી ગઈ.

ચેસમાં પણઆર. પ્રજ્ઞાનંદ ગત ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨એ વિશ્વ વિજેતા મેગ્નસ કાર્લસેનને હરાવીને સૌથી યુવા ચેસ વિજેતા બન્યો હતો. ૨૦ મે ૨૦૨૨એ તેણે ચેસેબલ માસ્ટર્સ ઑનલાઇન રેપિડ ચેસ સ્પર્ધામાં ફરી વાર કાર્લસેનને હરાવ્યો હતો! આનંદની વાત એ છે કે દક્ષિણનો આ ખેલાડી હિન્દુ હોવાનું ગૌરવ અનુભવતો હોય તેમ કપાળે દક્ષિણ ભારતીયો કરે તે પ્રમાણે તિલક કરે છે પરંતુ દુઃખની વાત એ છે કે સેક્યુલર મિડિયામાં તેના ફૉટો મૂકતી વખતે ફૉટોશૉપ કરી તિલક કાઢી નખાયું હતું!

આ જ રીતે ગ્રીસમાં યોજાયેલી જુનિયર વિશ્વ વજન ઉંચક સ્પર્ધામાં જ્ઞાનેશ્વરી યાદવે રજત અને વી. રિતિકાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ૩૦ વર્ષે જ્યારે ટેનિસ કે ક્રિકેટના ખેલાડીઓ શારીરિક રીતે રમી-રમીને થાકીને નિવૃત્ત થાય ત્યારે ગત આઠ મેએ મહારાષ્ટ્રના પર્વતીય વિસ્તારની ૩૦ વર્ષની પ્રિયંકા મોહિતેએ વિશ્વનો ત્રીજો સૌથી ઊંચો પર્વત કંચનજંઘા પર ૮,૦૦૦ મીટરથી ઊંચા પાંચ શિખરો સર કરીને પહેલી ભારતીય સ્ત્રી બની!

આઈપીએલ વિશે તો ઝીણામાં ઝીણી વિગત સાથે છપાય-બતાવાય છે પરંતુ મહિલાઓની આઈપીએલના એક વિક્રમની ખબર છે? હરિયાણાની શેફાલી વર્મા મહિલાઓની ટી-૨૦ ચેલેન્જ (મહિલાઓની આઈપીએલ જેવી સ્પર્ધાને આ નામથી ઓળખવામાં આવે છે)ના ઇતિહાસમાં સૌથી ઝડપી અર્ધ સદી ફટકારનાર બની.

રમતગમતમાં ગુજરાતીઓ પણ હવે પાછળ નથી. ઉપરોક્ત બહરીન પેરા બૅડમિન્ટનમાં ગુજરાતની પારુલ પરમાર સેમી ફાઇનલ સુધી પહોંચી, ધૈર્ય શ્રોફ પાંચ વર્ષ, ચાર મહિના અને બે દિવસની ઉંમરે પૂણેના સાર્થક દેશપાંડેનો વિક્રમ તોડી સૌથી નાની વયનો ક્રમાંકિત ચેસ ખેલાડી બન્યો, વડોદરાની શૈલજા પટેલે બેંગ્લુરુમાં ખેલો ઇન્ડિયા યુનિ. ગેમ સ્પર્ધામાં રાઇફલ શૂટિંગમાં સુવર્ણ મેળવ્યો, ટૉક્યોમાં યોજાયેલ પેરાલિમ્પિક્સમાં રજત ચંદ્રક વિજેતા ભાવના પટેલે ગત એપ્રિલમાં પેરા નેશનલ ટેબલ ટેનિસમાં જીત મેળવી, દસથી નીચેનાની ચેસ સ્પર્ધામાં ગુજરાતી વિવાન વિશાલ શાહે જીત મેળવી, તો પ્રથા પવારે નેશનલ ટેબલ ટેનિસ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.

અને હા, આ બધામાં સરકાર અને સમાજ શું કરે છે? રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે થોમસ કપના વિજેતા ખેલાડીઓ માટે રૂ. ૧ કરોડનો પુરસ્કાર જાહેર કર્યો. ખેલાડીઓને રમત શરૂ થતા પહેલાં પ્રોત્સાહિત કરતા અને રમતમાં હારે કે જીતે તે પછી અવશ્ય મળતા વડા પ્રધાન મોદીએ થોમસ કપના વિજેતા ભારતીય ખેલાડીઓ અને ડેફલિમ્પિકના ખેલાડીઓને મળી તેમનો ઉત્સાહ વધાર્યો.

મુખ્ય પ્રધાન હતા ત્યારે મોદીએ ખેલ મહા કુંભ શરૂ કર્યો હતો જે પરિણામો દેખાડવા લાગ્યો છે, તો અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ સરકાર-ખાનગી ભાગીદારીથી બન્યું જે એશિયાનું સૌથી મોટું બહુહેતુક સ્ટેડિયમ છે અને હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આંતરરાષ્ટ્રીય કક્ષાના નારણપુરા રમત સંકુલનું ખાતમુહૂર્ત કર્યું.તો, સુરતના ઉંબેર ગામના ખેડૂત ધનસુખ પટેલે પોતાના ગામમાં જ ૨૫ વીઘા જમીન પર લાખો રૂપિયા ખર્ચીને ક્રિકેટ મેદાન બનાવ્યું છે. તેમણે આ માટે કોઈ પાસેથી દાન પેટે પૈસા નથી લીધા. આઠ પુરુષ અને મહિલા ક્રિકેટરો પણ તૈયાર કરનાર તેઓ આ પ્રશિક્ષણ નિઃશુલ્ક આપે છે!

રમતગમત ક્ષેત્રે ભારતનું ભાવિ સુવર્ણમય દેખાઈ રહ્યું છે.