આઇસીસીએ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે, જેમાં હાર્દિક પંડ્યા ટી ૨૦ ઓલરાઉન્ડરની રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના લિયામ લિવિંગ્સ્ટનના શાસનનો અંત કરીને વિશ્વના નંબર વનનો ખિતાબ હાંસલ કર્યો હતો.હાર્દિક પંડ્યાને દક્ષિણ આફ્રિકામાં રમાયેલી શ્રેણીમાં તેના પ્રદર્શનનો ફાયદો થયો છે, જેની અસર ટી ૨૦ ઈન્ટરનેશનલમાં તેના આઇસીસી રેન્કિંગ પર જાવા મળી છે. નંબર ૧ પર પહોંચવામાં, પંડ્યાએ માત્ર ઈંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટનને જ નહીં પરંતુ નેપાળના દીપેન્દ્ર સિંહ એરીને પણ પાછળ છોડી દીધો.
સાઉથ આફ્રિકા પ્રવાસ પર રમાયેલી ૪ મેચની શ્રેણીમાં હાર્દિક પંડ્યાએ બોલ અને બેટ બંનેથી યોગદાન આપ્યું હતું. તેણે ૪ મેચની ૩ ઈનિંગ્સમાં ૫૯ રન બનાવ્યા, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ ૩૯ રન હતો અને બોલિંગમાં બે વિકેટ ઝડપી હતી. સિરીઝની છેલ્લી મેચમાં હાર્દિકે શાનદાર બોલિંગ કરી હતી, તેણે ૩ ઓવરમાં એક મેડન ઓવર ફેંકી, માત્ર આઠ રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી.હાર્દિક પંડ્યાનું હાલનું ફોર્મ ટી ૨૦ ઈન્ટરનેશનલમાં શાનદાર રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે ૧૭ મેચ રમી છે, જેમાં તેણે ૪૪ની એવરેજથી ૩૫૨ રન બનાવ્યા છે. આ સિવાય તેણે બોલિંગમાં પણ સારું પ્રદર્શન કરતા ૧૬ વિકેટ લીધી છે.આઇસીસી ૨૦ ઓલરાઉન્ડરોની લેટેસ્ટ રેન્કિંગમાં હાર્દિક પંડ્યા વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બન્યા પછી, લિયામ લિવિંગ્સ્ટન નંબર વનથી ત્રીજા સ્થાને ખસી ગયો છે, જ્યારે નેપાળનો દીપેન્દ્ર સિંહ એરી બીજા નંબરે છે. ટોપ ૫માં ઓસ્ટ્રેલિયાનો માર્કસ સ્ટોઈનિસ ચોથા સ્થાને છે. જ્યારે શ્રીલંકાનો વાનિન્દુ હસરાંગા પાંચમા સ્થાને છે.