બાંગ્લાદેશ સામે ઘરઆંગણે શરમજનક હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાનની ટીમ ઘણી ટીકાઓનો સામનો કરી રહી છે. ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં કારમી હારનો સામનો કર્યાના એક દિવસ બાદ પાકિસ્તાનની ટીમને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં, ૨ ટેસ્ટ મેચની શ્રેણીમાં ધૂળ ખાઈને પાકિસ્તાનની ટીમ આઇસીસી રેન્કિંગમાં નીચે આવી ગઈ છે. પાકિસ્તાનની ટીમની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝ જેવી ટીમો તેનાથી ઉપર છે. પાકિસ્તાનથી માત્ર ૪ ટીમો નીચે છે. તાજેતરની આઇસીસી ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પાકિસ્તાન ૨ સ્થાન નીચે આવી ગયું છે અને હવે તે ૮માં નંબરે પહોંચી ગયું છે. પાકિસ્તાનના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી ખરાબ ટેસ્ટ રેન્કિંગ છે.
૨૦૨૧થી ઘરેલુ ટેસ્ટ મેચોમાં પાકિસ્તાનનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. પાકિસ્તાનની ટીમ તેની છેલ્લી ૧૦માંથી ૬ ટેસ્ટ મેચ હારી છે જ્યારે અન્ય ચાર ડ્રો રહી છે. તેની ઘરેલું ટેસ્ટમાં છેલ્લી જીત ફેબ્રુઆરી ૨૦૨૧માં મળી હતી. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા યજમાન પાકિસ્તાનની ટીમ ટેસ્ટ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને હતી, પરંતુ સતત ૨ મેચ હાર્યા બાદ હવે તે ૭૬ રેટિંગ પોઈન્ટ સાથે વેસ્ટ ઈન્ડીઝથી નીચે પહોંચી ગઈ છે. ૧૯૬૫ પછી ટેસ્ટ રેન્કિંગમાં પાકિસ્તાનના આ સૌથી નીચા રેટિંગ પોઈન્ટ છે, સિવાય કે ટૂંકા ગાળાને બાદ કરતાં જ્યારે તેઓ ઓછી મેચો રમવાને કારણે રેન્કિંગમાં નહોતા આવ્યા.
આઈસીસીની તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા ૧૨૪ રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર છે. રેન્કિંગમાં ભારત બીજા સ્થાને છે. ટીમ ઈન્ડીયા રેટિંગ પોઈન્ટ્‌સમાં ઓસ્ટ્રેલિયા કરતા માત્ર ૪ પોઈન્ટ ઓછા છે. ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાને છે. શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝને પાકિસ્તાન ૨ સ્થાન નીચે આવવાને કારણે ૧-૧ સ્થાનનો ફાયદો થયો છે. શ્રીલંકા છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે જ્યારે વેસ્ટ ઈન્ડીઝ સાતમા સ્થાને પહોંચી ગયું છે.