આઇસીસીએ ટેસ્ટ ક્રિકેટમાં ટીમોની નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ૪-૧થી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વની નંબર-૧ ટીમ બની ગઈ છે. ભારતીય ટીમ વનડે અને ટી ૨૦માં પણ આઇસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. આવી સ્થિતિમાં હવે ભારતીય ક્રિકેટ ટીમ ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર-૧ ટીમ બની ગઈ છે.
આઇસીસીના લેટેસ્ટ અપડેટમાં ભારતીય ટીમના ૪૬૩૬ પોઈન્ટ અને ૧૨૨ રેટિંગ છે. બીજા સ્થાને રહેલા ઓસ્ટ્રેલિયાનું રેટિંગ ૧૧૭ છે. જ્યારે ઈંગ્લેન્ડ ૧૧૧ રેટિંગ સાથે ત્રીજા સ્થાને અને ન્યૂઝીલેન્ડ ૧૦૧ રેટિંગ સાથે ચોથા સ્થાને છે. જા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ જીતી જશે તો પણ તે ભારતને નંબર-૧માંથી હટાવી શકશે નહીં.
ઇંગ્લેન્ડ સામે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે એક ઇનિંગ અને ૬૪ રને જીત મેળવી હતી. આ સાથે જ ભારતીય ટીમે ૫ મેચની આ ટેસ્ટ સીરિઝ ૪-૧થી પોતાના નામે કરી હતી. આ સાથે જ ભારતીય ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્‌સ ટેબલમાં પણ પ્રથમ સ્થાને છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમના ૭૪ પોઈન્ટ છે. તેની જીતની ટકાવારી ૬૮.૫૧ છે.
ભારતીય ટીમ હવે ત્રણેય ફોર્મેટમાં વિશ્વની નંબર-૧ ટીમ બની ગઈ છે. વનડેમાં ભારતીય ટીમના ૧૨૧ રેટિંગ પોઈન્ટ છે. બીજા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયાના ૧૧૮ રેટિંગ પોઈન્ટ છે. સાઉથ આફ્રિકા ૧૧૦ રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. આ સિવાય ટી ૨૦માં પણ ભારતીય ટીમ ટોપ પર છે.ટી ૨૦માં ભારતીય ટીમના ૨૬૬ રેટિંગ પોઈન્ટ છે. જ્યારે બીજા સ્થાને રહેલા ઈંગ્લેન્ડના ૨૫૬ રેટિંગ પોઈન્ટ છે.