કેન્દ્ર સરકારે ઇન્ટેલિજન્સ બ્યુરાના ડિરેક્ટર તપન કુમાર ડેકાને એક વર્ષનો કાર્યકાળ લંબાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિએ તેમના સેવા વિસ્તરણને મંજૂરી આપી છે. હવે ડેકા ૩૦ જૂન ૨૦૨૬ સુધી આ પદ પર રહેશે. તેમનો કાર્યકાળ ૩૦ જૂને પૂરો થવાનો હતો. આ સતત બીજી વખત છે જ્યારે ડેકાને તેમની ઉત્તમ કાર્યશૈલી અને દેશની આંતરિક સુરક્ષામાં યોગદાનને કારણે સેવામાં એક વર્ષનું વિસ્તરણ આપવામાં આવ્યું છે. તેમનું નેતૃત્વ કેન્દ્ર સરકાર માટે વિશ્વસનીય અને અસરકારક સાબિત થયું છે.
તપન કુમાર ડેકા હિમાચલ પ્રદેશ કેડરના ૧૯૮૮ બેચના આઇપીએસ અધિકારી છે. તેમને પહેલી વાર જૂન ૨૦૨૨ માં બે વર્ષના સમયગાળા માટે આઇબી ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ડેકાએ તેમની કારકિર્દીનો મોટાભાગનો સમય ઇન્ટેલિજન્સ બ્યુરોમાં વિતાવ્યો છે. તેમણે આતંકવાદ અને ઉગ્રવાદને લગતા ઘણા મહત્વપૂર્ણ કેસ સંભાળ્યા છે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ અને ટાર્ગેટ કિલિંગ સંબંધિત કેસોમાં તેમની ભૂમિકા નિર્ણાયક રહી છે.
ડેકાને જૂન ૨૦૨૪ માં ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડિરેક્ટરના પદ પર બઢતી આપવામાં આવી હતી.આ પહેલા તેઓ એડિશનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.તેમના નેતૃત્વ હેઠળ,આઇબીએ તાજેતરના વર્ષોમાં ઘણા જટિલ અને સંવેદનશીલ સુરક્ષા પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. ડેકાના કાર્યકાળના વિસ્તરણથી ખ્યાલ આવે છે કે મોદી સરકાર આંતરિક સુરક્ષા પ્રત્યે અત્યંત સભાન છે અને અનુભવી અધિકારીઓના નેતૃત્વને પ્રાથમિકતા આપી રહી છે.
તપન કુમાર ડેકાને આતંકવાદ વિરોધી કામગીરીમાં દાયકાઓનો અનુભવ છે.જ્યારે ઇન્ડિયન મુજાહિદ્દીન દેશમાં તેની આતંકવાદી પ્રવૃત્તિઓના શિખર પર હતું ત્યારે તેઓ આઇબીમાં સંયુક્ત નિયામક-ઓપરેશન્સ હતા.તેમના નેતૃત્વ હેઠળ, ઇન્ટેલિજન્સ બ્યુરોએ ઇન્ડિયન મુજાહિદ્દીનના દરેક કાર્યકર્તાઓની પ્રવૃત્તિઓ પર નજર રાખી અને તેનું નિરીક્ષણ કર્યું અને તેમને બેઅસર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ ઉપરાંત, ડેકાએ ૨૦૧૫-૧૬માં પઠાણકોટ એરબેઝ પર થયેલા આતંકવાદી હુમલા અને ૨૦૧૯ના પુલવામા હુમલા દરમિયાન પણ કામગીરી હાથ ધરી હતી. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ જેવા ગંભીર કેસ, ખાસ કરીને ખીણમાં લક્ષિત હત્યા જેવા કેસ પણ સંભાળ્યા છે. તેમની વ્યૂહાત્મક કુશળતા અને જમીની અનુભવે તેમને દેશની આંતરિક સુરક્ષાનો ખૂબ જ વિશ્વસનીય સ્તંભ બનાવ્યો છે.