ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવને કારણે આઇપીએલ ૨૦૨૫ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવ્યું હતું.આઇપીએલ ૨૦૨૫નું શેડ્યૂલ એક અઠવાડિયા પછી આવવાની શક્યતા છે. દરમિયાન, ટીમોના મોટાભાગના વિદેશી ખેલાડીઓ શનિવારે પોતપોતાના દેશોમાં પાછા ફર્યા.
ટુર્નામેન્ટ મુલતવી રાખ્યા પછી, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પોતપોતાના શહેરોમાં પાછા ફરવા લાગ્યા છે જ્યારે ઘણા વિદેશી ખેલાડીઓ પણ પાછા ફરી રહ્યા છે. આરસીબીના વિદેશી ખેલાડીઓમાં ટિમ ડેવિડ, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, રોમારિયો શેફર્ડ, ફિલ સોલ્ટ, જાશ હેઝલવુડ, લુંગી ન્ગીડી અને નુવાન તુશારાનો સમાવેશ થાય છે. વિદેશી સપોર્ટ સ્ટાફમાં મુખ્ય કોચ એન્ડી ફ્લાવર, બોલિંગ કોચ એડમ ગિફિથ, ક્રિકેટ ઓપરેશન્સ ડિરેક્ટર મો બોબાટ, ટીમ ફિઝિયો ઇવાન સ્પીચલી અને ફ્રેડી વાઇલ્ડનો સમાવેશ થાય છે.
આરસીબીએ એક નિવેદનમાં કહ્યું છે કે અમે મ્ઝ્રઝ્રૈં, સ્થાનિક અધિકારીઓ અને પોલીસના સહયોગ બદલ આભારી છીએ. લખનૌ સુપર જાયન્ટ્સના એક અધિકારીએ એમ પણ કહ્યું કે તેના કેટલાક વિદેશી ખેલાડીઓ શનિવારે રવાના થઈ ગયા છે જ્યારે કેટલાક હાલ ભારતમાં જ રહેશે.
ધર્મશાલામાં આઇપીએલ મેચ રદ થયા બાદ શુક્રવારે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ દિલ્હી પહોંચ્યા હતા. તેમને કડક સુરક્ષા વચ્ચે અલગ અલગ બેચમાં હોશિયારપુરથી જલંધર રેલ્વે સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ પછી તેમને વંદે ભારત એક્સપ્રેસ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા. પંજાબ કિંગ્સના એક સૂત્રએ જણાવ્યું હતું કે તેના મોટાભાગના વિદેશી ખેલાડીઓ ચાલ્યા ગયા છે. દરમિયાન,બીસીસીઆઇ સચિવ દિબાજીત સૈકિયાએ જણાવ્યું હતું કે પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા પછી ટુર્નામેન્ટનું સુધારેલું સમયપત્રક અને સ્થળ જાહેર કરવામાં આવશે.














































