ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવને કારણે ૯ મેના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૮મી સીઝન સ્થગિત કરવામાં આવી હતી, ત્યારબાદ હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ સાથે,આઇપીએલ ૨૦૨૫ ની બાકીની મેચોનું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ૧૭ મેથી ફરી મેચ રમાશે, જ્યારે ટાઇટલ મેચ ૩ જૂને યોજાશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા વિદેશી ખેલાડીઓ પોતાના દેશ પરત ફર્યા હતા, ત્યારબાદ હવે નવા શેડ્યૂલ સાથે, ઘણા ખેલાડીઓના પાછા ફરવા અંગે સસ્પેન્સ છે, જેના પર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના ખેલાડીઓ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કારણ કે આઈપીએલની ફાઇનલ મેચ સમાપ્ત થયાના એક અઠવાડિયા પછી, ઓસ્ટ્રેલિયન ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ત્રીજી આવૃત્તિની ફાઇનલ મેચ રમવાની છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેમના ખેલાડીઓ પોતે જ નક્કી કરશે કે તેઓ રમવા માટે પાછા ફરવા માંગે છે કે નહીં અને અમે આ બાબતે તેમની સાથે છીએ. ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ટીમનો ભાગ બનનારા અને આઇપીએલ મેચોમાં રમવાનો નિર્ણય લેનારા તમામ ખેલાડીઓ સાથે નજીકથી કામ કરશે. તે જ સમયે, અમે સુરક્ષા વ્યવસ્થા અંગે ઓસ્ટ્રેલિયન સરકાર અને બીસીસીઆઇ સાથે સતત સંપર્કમાં છીએ. તમને જણાવી દઈએ કે આઇપીએલમાં હજુ ૧૩ ગ્રુપ મેચ બાકી છે.
ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી જાશ હેઝલવુડ, જે ખભાની ઈજાને કારણે આઇપીએલ ૨૦૨૫ સીઝનની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયા છે, તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ માટે ફિટ થવાની અપેક્ષા રાખી શકાય છે. આ ઉપરાંત, પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડના આગમન પર પણ શંકા છે કારણ કે તેમની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ સિવાય જા મિશેલ સ્ટાર્ક પાછો નહીં આવે તો તે દિલ્હી કેપિટલ્સ ટીમ માટે મોટો ઝટકો હશે.