વેસ્ટ ઈન્ડીઝ સામેની ઘરઆંગણે રમાનારી વનડે શ્રેણી માટે ઈંગ્લેન્ડની ટીમમાં જાસ બટલર, જેકબ બેથેલ અને વિલ જેક્સની પસંદગી કરવામાં આવી છે, જેના કારણે આ ત્રણેય ખેલાડીઓ પોતાની ટીમો માટે આઇપીએલ ૨૦૨૫ પ્લેઓફમાં રમશે કે નહીં તે અનિશ્ચિત બને છે. આઈપીએલની ૧૮મી સીઝન એક અઠવાડિયા માટે મુલતવી રાખ્યા બાદ ઈંગ્લેન્ડના ખેલાડીઓ પરત ફર્યા હતા, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત બાદ હવે આઈપીએલની બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.
સુધારેલા સમયપત્રક મુજબ,આઇપીએલ ૨૦૨૫ ની બાકીની મેચો ૧૭ મેથી રમાશે અને તેની ફાઇનલ હવે ૩ જૂને યોજાશે. નવી તારીખોની જાહેરાતથી બટલર, બેથેલ અને જેક્સ માટે મુશ્કેલીઓ ઊભી થઈ કારણ કે તેમને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ પણ પૂર્ણ કરવાની હતી.આઇપીએલમાં, બટલર ગુજરાત ટાઇટન્સ માટે, બેથેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે અને જેક્સ મુંબઈ ઇન્ડીયન્સ માટે રમે છે અને ત્રણેય ટીમો હાલમાં આઇપીએલ પ્લેઓફમાં પહોંચવાની દોડમાં આગળ છે.
અહેવાલ મુજબ, બેથેલ આરસીબીની આગામી બે મેચ માટે ભારતમાં હોવાનું માનવામાં આવે છે પરંતુ લખનૌમાં ટીમની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચ પહેલા તે ઘરે પરત ફરશે. એજબેસ્ટન ખાતે રમાનારી પહેલી વનડે પહેલા તે બ‹મગહામમાં ટીમ સાથે જોડાશે. હાલમાં જેક્સ અને બટલર વિશે કોઈ માહિતી નથી, પરંતુ તે બંને થોડા સમય માટે આઈપીએલમાં ભાગ લેવા માટે પણ આવશે.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે નવેમ્બરમાં મેગા ઓક્શન પહેલા કહ્યું હતું કે તેના સેન્ટ્રલી કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓ સમગ્ર આઇપીએલ સીઝન માટે ઉપલબ્ધ રહેશે, જેના કારણે બેથેલને ૨૨ મેથી શરૂ થનારી ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જાકે આ પ્રતિબદ્ધતા જૂના શેડ્યૂલ મુજબ માન્ય હતી, પરંતુ હવે ફાઇનલ ૨૫ મેને બદલે ૩ જૂને યોજાવાની છે.
જાફ્રા આર્ચર (રાજસ્થાન રોયલ્સ) અને જેમી ઓવરટન (ચેન્નાઈ સુપર કિંગ્સ) ને પણ વનડે ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ તેમની બંને ટીમો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે, તેથી એવું માનવામાં આવે છે કે ઓવરટન ભારત પરત ફરશે નહીં. બેથેલની ગેરહાજરી આરસીબી માટે ફટકો હશે, પરંતુ તેના બે અન્ય ઇંગ્લેન્ડના ખેલાડીઓ લિયામ લિવિંગસ્ટોન અને ફિલ સોલ્ટ બાકીની આઇપીએલ મેચો માટે ઉપલબ્ધ રહેશે કારણ કે તે બંનેને વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી. ૬ જૂનથી શરૂ થનારી ટી ૨૦ શ્રેણી માટે સોલ્ટની પસંદગી કરવામાં આવી છે.













































