આઇપીએલ ૨૦૨૨ માટે, આઠ ફ્રેન્ચાઇઝીઓએ તેમના ખેલાડીઓની યાદી બહાર પાડી છે. આમાં ઘણા ચોંકાવનારા નામ સામે આવ્યા છે, જેને ફ્રેન્ચાઇઝીએ મોટી રકમ ચૂકવીને તેમની સાથે જાડ્યા છે.આમાં સૌથી મોટું નામ વેંકટેશ અય્યરનું છે. તેણે ગયા મહિને જ ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. અગાઉ આઇપીએલ ૨૦૨૧માં પણ તે કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) તરફથી રમ્યો હતો. લીગમાં સિઝનનો અનુભવ હોવા છતાં, તેને કેકેઆર દ્વારા આઇપીએલ ૨૦૨૨ માટે રૂ. ૨૦ લાખથી રૂ. ૮ કરોડનો સીધો પગાર ચૂકવીને જાળવી રાખવામાં આવ્યો છે. તેમનો પગાર ૪૦ ગણો વધી ગયો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે ૨૦ વર્ષીય જમ્મુ અને કાશ્મીરના ઓલરાઉન્ડર અબ્દુલ સમદને આઇપીએલ ૨૦૨૦માં તેની મૂળ કિંમત ૨૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ આઇપીએલ ૨૦૨૨ માટે જાહેર કરવામાં આવેલી રિટેન્શન લિસ્ટમાં પણ સમદનું નસીબ ખુલ્યું. હૈદરાબાદે તેને ૨૦ ગણો વધુ પગાર આપીને ૪ કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. સમદે આઇપીએલ ૨૦૨૧માં ૭ મેચમાં ૭૫ રન આપીને ૧ વિકેટ લીધી હતી. તેણે આઇપીએલ ૨૦૨૦માં રમાયેલી ૧૨ મેચોમાં ૧૧૧ રન બનાવ્યા હતા. ત્યારબાદ સમદે ૧૭૦ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા
પંજાબ કિંગ્સે આઇપીએલ ૨૦૨૨ માટે માત્ર ૨ ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં ટીમના ઓપનર મયંક અગ્રવાલ અને અનકેપ્ડ ભારતીય અર્શદીપ સિંહ છે. ૨૦ વર્ષીય અર્શદીપને પંજાબ કિંગ્સે ૨૦૧૯માં રૂ. ૨૦ લાખની મૂળ કિંમતે ખરીદ્યો હતો અને ૨૦ ગણો વધુ પગાર આપીને રૂ. ૪ કરોડમાં તેને રિટેન કર્યો હતો. આઇપીએલ ૨૦૨૧માં અર્શદીપનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે ૧૨ મેચમાં ૧૮ વિકેટ લીધી હતી. અર્શદીપે આ વર્ષે આઇપીએલમાં દર ૧૪ બોલમાં એક વિકેટ લીધી હતી. તેણે અત્યાર સુધી લીગની ૨૩ મેચમાં ૩૦ વિકેટ ઝડપી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને આઇપીએલ ૨૦૨૨ માટે રિટેન કરવાનો નિર્ણય લીધો છે. ઉમરાને આઇપીએલ ૨૦૨૧માં ડેબ્યૂ કર્યું હતું. તેને હૈદરાબાદે ૧૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તેને પણ ૪ કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. તેણે અત્યાર સુધી માત્ર ૩ મેચ રમી છે, જેમાં તેણે ૨ વિકેટ ઝડપી છે. પરંતુ તેની સ્પીડથી બધાને ચોંકાવી દીધા છે. ઉમરાને આઇપીએલ ૨૦૨૧માં ૧૫૨.૯૫ કેએમપીએચની ઝડપે બોલ ફેંક્યો હતો. આ સાથે તે લીગના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર ભારતીય બન્યો. તે ટી૨૦ વર્લ્ડ કપમાં નેટ બોલર તરીકે ટીમ ઈન્ડિયા સાથે પણ જાડાયેલો હતો.
યશસ્વી જયસ્વાલે ૨૦૨૦માં અંડર-૧૯ વર્લ્ડ કપમાં ૬ મેચમાં ૪૦૦ રન બનાવ્યા હતા. આ પછી આઇપીએલ ૨૦૨૦ પહેલા તેને રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો હતો. તેને રાજસ્થાને ૨૦ લાખની મૂળ કિંમત એટલે કે ૨ કરોડ ૪૦ લાખ રૂપિયા કરતાં ૧૨ ગણી વધુ કિંમતે ખરીદ્યો હતો.આઇપીએલ ૨૦૨૨ માટે પણ રાજસ્થાને તેને ૪ કરોડમાં રિટેન રાખવાનો નિર્ણય કર્યો છે. યશસ્વીએ આઇપીએલની ૧૪મી સિઝનમાં ૧૦ મેચ રમી હતી. આ દરમિયાન તેણે ૨૪૯ રન બનાવ્યા હતા. યશસ્વીએ આઇપીએલ ૨૦૨૧માં પણ અડધી સદી ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ ૧૪૮.૨૧ હતો. તેણે ગત સિઝનમાં ૩૨ ફોર અને ૧૦ સિક્સર ફટકારી હતી.