આગામી વષે આઇપીએલમાં બે નવી ટીમો જોડાવા જઈ રહી છે, જેમાંથી અમદાવાદની ટીમને લઈને ઘણો વિવાદ થયો હતો. આ ટીમને સીવીસી કેપિટલ દ્વારા રૂ. ૫૬૨૫ કરોડમાં ખરીદી હતી, પરંતુ કંપની વિશે ઘણી બાબતો બહાર આવી હતી. હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા બીસીસીઆઇએ એક પેનલની રચના કરી છે, જે સમગ્ર મામલાની તપાસ કરશે.
કોલકાતામાં બીસીસીઆઈની એજીએમની બેઠક બાદ બોર્ડ સેક્રેટરી જય શાહે જણાવ્યું કે સીવીસી કેપિટલના મામલે અમે એક પેનલની રચના કરી છે, જે અમદાવાદની ટીમની ખરીદીના મામલે તપાસ કરશે.સીવીસી કેપિટલ પર ભારતની બહાર આવેલી કેટલીક સટ્ટાકીય કંપનીઓ સાથે સંબંધ હોવાનો આરોપ હતો. આ અંગે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો, તેથી હવે બીસીસીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે.
તાજેતરમાં જ બીસીસીઆઇએ બે નવી ટીમોની જોહેરાત કરી હતી, આ વખતે આઇપીએલમાં અમદાવાદ અને લખનૌની ટીમોને સામેલ કરવામાં આવશે. અમદાવાદને સીવીસી કેપિટલ દ્વારા ૫૬૨૫ કરોડમાં અને લખનૌની ટીમને ગોએન્કા ગ્રૂપે ૭ હજોર કરોડથી વધુમાં ખરીદ્યું હતું.
આ સિવાય જય શાહે માહિતી આપી છે કે ટૂંક સમયમાં જ બીસીસીઆઈ દ્વારા એનસીએ હેડની પોસ્ટ માટે જોહેરાત બહાર પાડવામાં આવશે. આવી સ્થિતિમાં, જો વીવીએસ લક્ષ્મણનું નામ ફાઈનલ થાય છે, તો તેણે તેના માટે અરજી કરવી પડશે.