સમગ્ર વિશ્વમાં ટી ૨૦ ક્રિકેટની લોકપ્રિયતા વધી રહી છે.આઇપીએલની પહેલી સીઝન ભારતમાં ૨૦૦૮માં રમાઈ હતી. ત્યારથી, ઘણા દેશોમાં ટી ૨૦ લીગ શરૂ થઈ ગઈ છે. આમાં ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ, પાકિસ્તાનની પાકિસ્તાન સુપર લીગ, બાંગ્લાદેશની બાંગ્લાદેશ પ્રીમિયર લીગ અને વેસ્ટ ઈન્ડીઝની કેરેબિયન પ્રીમિયર લીગ એટલે કે સીપીએલ જેવી લીગનો સમાવેશ થાય છે. આ લીગની જેમ હવે બીજા દેશમાં પણ ટી ૨૦ લીગ શરૂ થવા જઈ રહી છે. આ દેશ કેન્યા છે, જે પહેલીવાર ટી ૨૦ લીગનું આયોજન કરવા જઈ રહ્યો છે.
એક સમય હતો જ્યારે કેન્યામાં ક્રિકેટનો ઝડપથી વિકાસ થઈ રહ્યો હતો. ૨૦૦૩ માં રમાયેલા વનડે વર્લ્ડ કપમાં ટીમ સેમિફાઇનલમાં પહોંચવામાં સફળ રહી, પરંતુ તે પછી ટીમનું સ્તર સતત નીચે આવતું ગયું. પરિણામ એ આવ્યું કે દેશમાં ક્રિકેટની લોકપ્રિયતા પણ ઘટી ગઈ. કેન્યા છેલ્લે ૨૦૧૧ માં આઇસીસી ટુર્નામેન્ટ,વનડે વર્લ્ડ કપમાં રમ્યું હતું. ત્યારથી ટીમ કોઈપણ આઇસીસી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ શકી નથી. આ જ કારણ છે કે કેન્યાએ હવે પોતાના દેશમાં ક્રિકેટને ફરીથી લોકપ્રિય બનાવવા માટે ટી ૨૦ લીગ શરૂ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્યાની ટી ૨૦ લીગ ફ્રેન્ચાઇઝ આધારિત હશે અને તેનું નામ સીકેટી ૨૦ રાખવામાં આવ્યું છે. આ લીગ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રમાશે, જે ૨૫ દિવસ સુધી ચાલશે. આ લીગમાં કુલ ૬ ફ્રેન્ચાઇઝી ભાગ લેશે, જેમને તેમની ટીમમાં વિશ્વભરના ઓછામાં ઓછા પાંચ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
ક્રિકેટ કેન્યા અને દુબઈ/ભારત સ્થિત કંપની એઓએસ સ્પોર્ટ વચ્ચે લીગનું આયોજન કરવા માટે કરાર થયો છે. કેન્યાના ભૂતપૂર્વ ક્રિકેટર કેનેડી ઓબુયાએ કહ્યું કે આ એક મોટી ઘટના હશે. તે રોમાંચક રહેશે. આનાથી કેન્યામાં ક્રિકેટને એક નવી દિશા મળશે. કેન્યાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેને કહ્યું કે કોઈપણ ટીમને કોઈપણ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફક્ત ચાર વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે. બાકીના બધા ખેલાડીઓ સ્થાનિક હશે.
ક્રિકેટમાં કેટલીક મુખ્ય ટી ૨૦ લીગ છેઃ- ઇન્ડીયન પ્રીમિયર લીગ, બિગ બેશ લીગ, ટી ૨૦ બ્લાસ્ટ,એસએ ૨૦ લીગ, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ, કેરેબિયન પ્રીમિયર લીગ, પાકિસ્તાન સુપર લીગ, ગ્લોબલ ટી ૨૦ કેનેડા, લંકા પ્રીમિયર લીગ, ઇન્ટરનેશનલ લીગ ટી ૨૦ અને નેપાળ પ્રીમિયર લીગ.