આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ આવતા ક્રિસમસ પર આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહ્યું છે. તેણે આ હુમલાઓ માટે આત્મઘાતી લડવૈયાઓની ભરતી કરવા માટે ટીકટોકને તેનું હથિયાર બનાવ્યું છે. રિપોટ અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ બિન-મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આમાં ઘણી વેબસાઇટ્‌સ પણ છે, જે બાળકોમાં ઘણી લોકપ્રિય છે.
રિપોર્ટ્‌સ અનુસાર, પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ક્રિસમસ દરમિયાન હુમલા માટે ઉશ્કેરણી કરવામાં આવી છે. કહેવાય છે કે હુમલા દરમિયાન સૌથી વધુ લોકોને મારવાની વાત કરવામાં આવી છે. આ વીડિયોમાં ક્રિસમસને ઉશ્કેરણીજનક સંગીત સાથે નાસ્તિકોનો તહેવાર ગણાવ્યો છે. તેમ જ, ખ્રિસ્તીઓને રાક્ષસ ગણવામાં આવ્યા છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે તેઓ અલ્લાહમાં માનતા નથી. આ સાથે ખ્રિસ્તીઓની ધાર્મિક ભાવનાઓની પણ મજોક ઉડાવવામાં આવી છે.
આ વીડિયોમાં તેમને તેમના દિલમાં દહેશત પેદા કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ક્રિસમસ દરમિયાન શણગારેલી દુકાનો અને બજોરોને ટાર્ગેટ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તે કહે છે, “અલ્લાહના લડવૈયાઓ, આ અવિશ્વાસીઓનું લોહી વહેવડાવવા માટે તૈયાર થઇ જોઓ.” આ સાથે, ખુલ્લેઆમ આત્મઘાતી હુમલા માટે ઉશ્કેરણી કરીને, તેમના પોતાના જ કપડા પહેરીને તેમની વચ્ચે ઘુસી આવવા માટે કહેવામાં આવ્યું છે.
બુરખો પહેરેલી મહિલાનું એકાઉન્ટ પણ ચર્ચામાં છે. તે વીડિયોમાં તે જર્મનીની બિલ્ડીંગ અને ભવનો બતાવી રહી છે. વીડિયો બીપના અવાજથી શરૂ થાય છે. વીડિયોમાં પાછળથી પોલીસ સાયરન સંભળાય છે. આમાં તે કહેતા સાંભળી શકાય છે કે અલ્લાહ તમને જન્નતમાં સ્વીકારે. તપાસ બાદ એવું માનવામાં આવે છે કે આ તમામ આત્મઘાતી હુમલાખોરોની ભરતીના પ્રયાસો છે.
આ દરમિયાન બ્રિટનમાં આતંકવાદી હુમલાની શક્યતાને જોતા સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લિવરપૂલમાં કાર બોમ્બ હુમલા બાદ વધુ આતંકી હુમલા થઈ શકે છે. આને લોન વુલ્ફ એટેક કહેવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરોના લોકડાઉન દરમિયાન ઘણા ઉગ્રવાદીઓએ હુમલા માટે પોતાને માનસિક રીતે તૈયાર કરી લીધા છે.
આ દરમિયાન ઈટાલીમાં ૧૯ વર્ષની એક યુવતીની શંકાસ્પદ ગતિવિધિઓ બદલ ધરપકડ કરવામાં આવી છે. તેના ફોનમાં શિરચ્છેદના વીડિયોની સાથે આઇએસઆઇએસ સંબંધિત અન્ય વીડિયો પણ મળી આવ્યા છે. આ સાથે આ વર્ષે ઓગસ્ટમાં કાબુલ એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ કરીને ૧૮૩ લોકોને મારનાર હુમલાખોરનો ફોટો પણ તેના મોબાઈલમાં મળી આવ્યો છે. મિલાન પોલીસના જણાવ્યા અનુસાર તેના આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથો સાથે સંબંધ હોઈ શકે છે. નોંધનીય છે કે આ પહેલા એપ્રિલ ૨૦૧૯માં આતંકી સંગઠન આઇએસઆઇએસ શ્રીલંકામાં ઈસ્ટરમાં આતંકી હુમલા કરી ચુક્યું છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા ૨૫ લોકો માર્યા ગયા અને ૨૮૦ થી વધુ ઘાયલ થયા. આ સિરિયલ બ્લાસ્ટની સંખ્યા ૬ હતી જેમાં લક્ઝરી હોટલને પણ નિશાન બનાવવામાં આવી હતી.