વિકાસશીલ દેશોમાં ફળપાકોની ખેતીનું મહત્વ વધ્યુ છે. પોષક અહારની પૂર્તિ માટે, આર્થિક સ્થિતિ સુધારવા માટે, વિદેશી હુંડીયામણની દૃષ્ટીએ, કૃષિ આધારિત ઉદ્યોગો વિકસાવવા માટે, રોજગારીની તકો માટે, વિવિધ પ્રકારની આબોહવા, જમીન તથા ભૌગોલિક પરિસ્થિતિના ઉપયોગ માટે તથા પર્યાવરણની જાળવણીની દૃષ્ટીએ ફળ પાકોની
ખેતીનું મહત્વ ઘણુ છે. રાજયનાં છેલ્લા દસ વર્ષમાં ફળપાકોના ઉત્પાદનનો વૃદ્ધિદર ૧પ.૧ ટકા રહેલ છે. આપણા રાજયનાં કુલ ૩૭.પ૦ લાખ ખેડૂત કુટુંબો સીધી યા આડકતરી રીતે ખેતી વ્યવસાય સાથે સંકળાયેલ છે. દુનિયામાં ફળ ક્ષેત્રે ફળ ઉત્પાદન કરતા દેશોમાં ભારતનું બીજુ સ્થાન છે. ભારતમાં અદાજે ૬.૯૦ મીલીયન હેકટર વિસ્તારમાં ફળપાકોની ખેતી થાય છે. જેમાંથી અંદાજે ૧૦ર.૯ર મી. ટન ઉત્પાદન થાય છે. ગુજરાત રાજયમાં અંદાજે ૧૩.૮૦ લાખ હેકટર જમીનમાં બાગાયતી પાકોની ખેતી થાય છે જે પૈકી ૩.પ૦ લાખ હેકટર જમીનમાં ફળ વાવેતર થાય છે. આમ વધુ ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ગુજરાતમાં ફળપાકોના કુલ વિસ્તારનો લગભગ ૩પ ટકા વિસ્તાર તો માત્ર આંબાના વાવેતર હેઠળ છે. જયારે કેળા ૧૭ ટકા, લીંબુ ૧૦ ટકા હિસ્સો ધરાવે છે. ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર કે જે ઘણા બધા કુદરતી પરીબળોની કઠણાઈ વચ્ચે પણ બાગાયતી પાકોની ખેતી માટે હરણફાળ ભરતો જાય છે. સૌરાષ્ટ્રનાં સાત જીલ્લાઓમાં અનિયમિત વરસાદ, મોળી પાતળી જમીન અને પીયતના પાણીમાં વધતું જતું ક્ષારનું પ્રમાણ જેવા કુદરતી પરીબળો ઉપરાંત ખેડૂતોની આર્થિક નબળી પરિસ્થિતિ અને બાગાયતી પાકોના ઉત્પાદનની વેચાણ પ્રક્રિયાની નબળી વ્યવસ્થા સામે ઝઝુમીને પણ સૌરાષ્ટ્રના ખેડૂતો બાગાયતી પાકો સારા એવા પ્રમાણમાં અપનાવી શકયા છે. સૌરાષ્ટ્રમાં ૦.૮૩ લાખ હેકટર વિસ્તારમાં ફળપાકોની ખેતી થાય છે. નફાકારક ફળ ઉગાડવાના માર્ગમાં સૌથી મહત્વની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉચ્ચ પ્રારંભિક રોકાણ, ફળના છોડનો લાંબો કિશોર સમયગાળો, ઉચ્ચ ગુણવત્તાવાળા ફળછોડનો અભાવ, ખામીયુક્ત માર્કેટિંગ સિસ્ટમ, સંગ્રહ અને પરિવહન સુવિધાઓનો અભાવ, પ્રોસેસિંગ યુનિટનો અભાવ, ફળોની નાશવંત પ્રકૃતિ, લોકોની ઓછી ખરીદ શક્તિ, વર્તમાન સમયની ખેતી અર્થશાસ્ત્ર, ઊર્જા અને સામાજિક
સાંસ્કૃતિક પરિમાણો સાથે સુસંગત નથી. રાસાયણિક ખાતરો, નીંદણનાશકો અને જંતુનાશકોનો આડેધડ ઉપયોગ ખાસ કરીને ફળોના ઉત્પાદનમાં સામાજિક, આર્થિક સમસ્યાઓ સાથે વિવિધ પર્યાવરણીય અને આરોગ્યના જોખમોમાં પરિણમે છે.
ઉગાડનાર સમુદાય વૈકલ્પિક ટકાઉ ખેતીપ્રણાલી શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે, જે ઇકોલોજીકલ રીતે યોગ્ય અને આર્થિક અને સામાજિક રીતે સ્વીકાર્ય છે. ટકાઉ ઉત્પાદન એ એકીકૃત ખ્યાલ છે જે પર્યાવરણીય, પર્યાવરણીય દાર્શનિક નૈતિક અને સામાજિક અસરોને ખર્ચ અસરકારકતા સાથે સંતુલિત ગણે છે. પરંપરાગત કાર્બનિક ઉત્પાદન પદ્ધતિઓ જે ખેતીની કુદરતી અને કાર્બનિક પદ્ધતિઓ પર આધારિત છે. ફળપાકોના પરંપરાગત ઉત્પાદનમાં સામનો કરવામાં આવતી મોટા ભાગની મૂળભૂત સમસ્યાઓના ઘણા અસરકારક શક્ય અને અસરકારક ઉકેલો પ્રદાન કરે છે.
આંબો:-
વાવાઝોડાથી મોર તથા નાનાં ફળ ખરી પડતાં અટકાવવા તથા ગરમ લુથી રક્ષણ મેળવવા પવન અવરોધક વાડ કરવી જરૂરી છે. નવી રોપેલ કલમોને પણ રક્ષણ આપવું જરૂરી છે. પુખ્ત વયનાં ઝાડને પ્રતિવર્ષ ૧૦૦ કિલો સેન્દ્રીય ખાતર આપવું અથવા લીલો પડવાશ કરવો. રાસાયણિક ખાતરોમાં ચોમાસાની શરૂઆતમાં ઝાડ દીઠ બે કિલો એમોનિયમ સલ્ફેટ, એક કિલો સુપર ફોસ્ફેટ અને ૧.રપ કિલો મ્યુરેટ ઓફ પોટાશ આપવું તેમજ ફેબ્રુઆરીમાં ઝાડ દીઠ અઢી કિલો એમોનિયમ સલ્ફેટ અથવા તેનાથી અડધા પ્રમાણમાં યુરિયા આપી તરત જ પિયત આપવું. આંબાના પાકમાં કેરી વટાણા જેવડી થાય ત્યારથી પિયત આપવાનું ચાલુ કરવું, આમ છતાં કેરી ઉતારવાના પંદર દિવસ પહેલા પાણી બંધ કરવું જોઈએ. આંબામાં કેરી ફળનું ખરણ અટકાવવા કેરી વટાણા જેવડી થાય ત્યારે બે ગ્રામ નેપ્થેલીક એસીટીક એસિડ (એન.એ.એ.) તથા ર કિલો યુરિયાને ૧૦૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અને બીજો છંટકાવ ૧પ દિવસ બાદ કરવો. માલ્ફોરમેશનવાળા પુષ્પગુચ્છો તોડીને નાશ કરવો તથા કાપેલા ઠુંઠા ઉપર કારબેન્ડેઝીમ દવાનું પોતુ લગાડવું. આ ઉપરાંત ૧૦૦ લિટર પાણીમાં ર૦ ગ્રામ એન.એ.એ. ઓગાળી ઝાડ ઉપર છંટકાવ કરવો.
આંબામાં અનિયમિત ફળણ અટકાવવા માટે જે વર્ષે વધુ ફુલ આવ્યા હોય, તે વર્ષમાં એપ્રિલ તથા મે માસમાં ૧૦ પી.પી.એમ. ઝી્રબ્રેલીક એસિડ ર ટકા યુરિયાના દ્રાવણનો છંટકાવ કરવો. આ ઉપરાંત જુલાઈ માસમાં મોટી ઉંમરના ઝાડને પેકલોબ્યુટ્રાઝોલ પ ગ્રામ, ૧૪થી ૧પ લિ. પાણીમાં ભેળવી જમીનમાં ઝાડ ફરતે નાખવાથી વધુ અને નિયમિત ઉત્પાદન મળેલ છે. કેરી ઉતાર્યા પહેલા (રપ-૩૦ દિવસ) પાણી બંધ કરી દેવું. બગીચામાં મધમાખીનો ઉછેર કરવાથી ફળણ ક્રિયામાં વધારો થાય છે.
કેળઃ-
કેળનું વાવેતર તલવાર પીલા અથવા ટીસ્યુકલ્ચરથી તૈયાર કરેલ રોપા દ્વારા જૂન-જુલાઈ અથવા સપ્ટેમ્બર માસમાં કરવું. વાવેતર ગાંઠોથી કરવું હોય તો રોગમુકત પાકની ગાંઠો પસંદ કરવી.
દરિયા કિનારાના સતત પવનથી પાકને સુરક્ષિત રાખવા પવન અવરોધક વાડ કરવી ઉપરાંત કેળનું રોપણ ઈશાન -નૈતૃત્ય દિશામાં કરવું. જેથી પવન સોંસરવો નીકળી જશે અને બધા જ છોડને સૂર્યપ્રકાશ પણ એક સરખો મળશે. પીલાની રોપણી વખતે ૧૦૦ લિટર પાણીમાં ૧૦ ગ્રામ ઓર્યોફંગીન ઓગાળી આ પ્રવાહીમાં પીલાઓને દોઢ કલાક બોળી, છાંયડા -તડકામાં સુકવી રોપણી કરવી અથવા ૧૦૦ ગ્રામ કાર્બેન્ડેઝીમ દવા ઓગાળી દોઢ કલાક બોળ્યા બાદ રોપણી કરવી. કેળનું સારૂ ઉત્પાદન લેવા એક હેકટર વિસ્તાર માટે ૧૦૦થી ૧રપ ગાડા સારૂ કોહવાયેલુ છાણીયું ખાતર પૈકી અડધું જમીન તૈયાર કરતી વખતે અને બાકીનું રોપણી વખતે ખાડાની માટી સાથે મેળવી પીલા રોપવા. રોપણી વખતે છોડ દીઠ ૩૦૦ ગ્રામ દિવેલીનો ખોળ આપવો. રસાયણિક ખાતર વાવેતર બાદ ત્રીજા, ચોથા અને પાંચમા માસે છોડ દીઠ ૧૪૦ ગ્રામ યુરિયા, ૧૦૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ આપવા. જયારે પ૬૦ ગ્રામ સીંગલ ફોસ્ફેટ પ્રથમ હપ્તે જ આપી દેવું.
કાગદી લીંબું:-
કાગદી લીબુંનું વાવેતર રોપાઓથી કરવું હિતાવહ છે. બહુ ભૃણતાના ગુણને લીધે વાનસ્પાતિક પ્રસર્જન જેવા જ ફાયદા મળે છે. ઝાડ મોટા થાય છે. ગુટી અથવા દાબ કલમવાળા ઝાડ ફળ વહેલા આપે છે. પરંતુ ઝાડ નાના અને ઓછા આયુષ્યવાળા હોવાથી સરવાળે ગેરલાભ થાય છે. ભારતમાં ઉત્તર તથા દક્ષિણના રાજયોમાં લીંબુમાં વિષાણુ જન્ય રોગ ટ્રીસ્ટીઝા છે. સદનસીબે આપણે ત્યાં આ રોગ નથી આથી બહારના રોપાઓ કોઈપણ સંજોગોમાં લાવવા કે ખરીદવા નહી.
વાવેતરના પાંચમાં વર્ષ બાદ ઝાડ દીઠ પ૦ કિલો છાણિયું ખાતર, સાડા ચાર કિલો એમોનિયમ સલ્ફેટ, સાડા ચાર કિલો સુપર ફોસ્ફેટ અને ૧ કિલો મ્યુરેટ ઓફ પોટાશ ખાતર બે હપ્તે આપવું. પ્રથમ હપ્તો (અડધું) ચોમાસા દરમ્યાન અને બીજો હપ્તો ડિસેમ્બર-જાન્યુઆરીમાં આપવો.
લીંબુના પાકમાં જીવાત અને રોગના નિયંત્રણ અંગે યુનિ.ની ભલામણ પ્રમાણે પાનકોરીયાના નિયંત્રણ માટે ફેન્થીઓન, મોનોક્રોટોફોસ, ડાયમીથીઓટ અથવા કવીનાલફોસનો છંટકાવ કરવો. તેમજ ગુંદરીયા રોગના નિયંત્રણ માટે રોગ લાગેલ ભાગ ચપ્પુથી છોલી બોર્ડક્સપેસ્ટ અથવા ઓર્યોફંગીન દવા (૧૦ લિટર પાણીમાં ૧ ગ્રામ પ્રમાણે) ચોપડવાથી ફાયદો થાય છે. લીંબુના પાકમાં ઉનાળામાં વધારે ફળો મેળવવા માટે હદ બહારની માવજત જરૂરી છે. લીંબુના પાકમાં ગૌણ તત્વો જેવા કે, જસત અને લોહની ખાસ ઉણપ વર્તાય ત્યારે ૧૦૦ લિ. પાણીમાં પ૦૦ ગ્રામ ઝીંક સલ્ફેટ, ૧ કિલો ફેરસ સલ્ફેટ અને ૧ કિલો ચુનાનું મિશ્રણ બનાવી વર્ષમાં ર – ૩ વખત છાંટવું અથવા જમીનમાં ખાતર સાથે ર૦૦થી રપ૦ ગ્રામ છોડ દીઠ ફેરસ સલ્ફેટ અને ઝીંક સલ્ફેટ આપવું.