આંબો એ બાગાયતનો ખુબજ અગત્યનો પાક છે તેના પર વાતાવરણની ખુબજ માઠી અસર થતી હોય છે ખાસ અત્યારે આંબામાં મધીયો જોવા મળે છે તો તેની ઓળખ, નુકસાન અને સંકલિત વ્યવસ્થાપન વિષે માહિતી મેળવીએ.
ઓળખ અને નુકસાનઃ
• આ જીવાત આંબામાં સૌથી વધારે નુકસાન કરે છે.
• આ જીવાતનાં બચ્ચા શરૂઆતમાં પાંખ વગરનાં આછા સફેદ રંગના હોય છે.
• આ જીવાત ફાચર આકારની અને માથા પર ઘાટા રંગનાં ત્રણ ટપકાં અને વચ્ચેના ભાગમાં પટો આવેલ હોય છે. આ જીવાત ત્રાસા ચાલવાની ટેવ ધરાવે છે, તેના ઉપરથી તેને સહેલાઈથી ઓળખી શકાય છે.
• પુખ્ત કીટક અને બચ્ચા કુમળા પાન અને મોરમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. જેને લીધે મોર ચીમળાઈને ખરી પડે છે. આ ઉપરાંત આ કીટકનાં શરીરમાંથી ચીકણો મધ જેવો પદાથ ઝરે છે અને તે પાન ઉપર ચીકણું પડ બનાવે છે, તેથી ખેડૂતો તેને મધિયો કહે છે. આવા ચીકણા પદાર્થ ઉપર પાછળથી કાળી ફુગ લાગે છે. જે પ્રકાશસંશ્લેષ્ણમાં અવરોધ પેદા કરે. સામાન્ય રીતે આ જીવાતનો ઉપદ્રવ આખા વર્ષ દરમિયાન ઓછો- વધતો રહે છે. પરંત આંબા ફુટવાની શરૂઆત થાય ત્યારથી માંડીને છેક એપ્રીલ-મે મહિના સુધી તેનો ઉપદ્રવ વધુ રહે છે.
નિયંત્રણઃ-
• મોટા ઝાડમાં જરૂર જણાય ત્યાં સુકાઈ ગયેલી ડાળીઓ કાપી નાખવી.
• પુખ્ત કીટકો નવી ફુટ પહેલા ઝાડનાં થડ અને ખાંચામાં ભરાઈ રહેતા હોવાથી તેના પર કાર્બારીલ ૫૦ ટકા વેટેબલ પાવડર ૪૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ઝાડ ઉપર છંટકાવ કરવો.
• નવી કુંપણ અને મોર આવવાની શરૂઆત થાય ત્યારે જીવાત ક્ષમ્યમાત્રા વટાવે ત્યારે તરત જ આંબાના ઝાડ પર કાર્બારીલ ૫૦ ટકા વેટેબલ પાવડર ૪૦ ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ ટકા એસએલ ૩ મીલી દવા પૈકી કોઈ પણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• જો આ જીવાતનો ઉપદ્રવ વધી જાય તો જરૂરિયાત મુજબ એકથી બે છંટકાવ સિન્થેટિક પાયરેથ્રોઇડ પ્રકારની દવાઓ જેવી કે સાયપરમેથ્રિન ૧૦ ટકા ઈ.સી. ૪ મિલી અથવા ફેનવેલરેટ ૨૦ ટકા ઈ.સી. ૫ મિલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ સિન્થેટિક પાયરેથ્રોઇડનાં છંટકાવ વખતે તેનું પ્રમાણ જાળવવું ખુબજ અગત્યનું છે. જો દવાનું પ્રમાણ વધી જાય તો મગીયા બંધાવાની પ્રક્રિયા પર માઠી અસર થાય છે.