પોષણક્ષમ ખેતીમાં બાગાયતી પાકો મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્યમાં વિવિધ ફળપાકોનું વાવેતર જોવા મળે છે. આ ફળો આપણી તંદુરસ્તી જાળવવામાં અગત્યનો ભાગ ભજવે છે. આવા મહત્વના પાકોના ગુણવત્તાસભર ઉત્પાદનમાં રોગ-જીવાત અગત્યનાં અવરોધક પરિબળો છે. વિવિધ ફળપાકો પૈકી આંબાના પાકમાં જીવાતોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે. ફળ મોટા થઇ પરિપક્વ અવસ્થાએ આવતા તેમાં ફળમાખીનો ઉપદ્રવ પણ થતો હોય છે અને ઘણા વિસ્તારમાં તેનાથી પારાવાર આર્થિક નુકસાન વેઠવું પડે છે. હાલના સમયમાં ખેડૂત મિત્રો ભેગા મળી સામૂહિક એરિયા વાઈઝ અભિગમ અપનાવી આ જીવાતને નિયંત્રણમાં લાવે તે જરુરી છે.
ઓળખ અને નુકસાનઃ- ફળમાખી બદામી રંગની અને પારદર્શક પાંખોવાળી હોય છે. માખીના ૫ગો પીળા રંગના હોવાથી સોનેરી માખી તરીકે ૫ણ ઓળખાય છે. પૂર્ણ વિકસિત કીડા ૮ થી ૯ મી. મી. લાંબા અને ઝાંખા સફેદ રંગના ૫ગ વગરના હોય છે, જે મોઢાના ભાગ તરફ અણીદાર હોય છે. દક્ષિણ ગુજરાતમાં ચીકુના પાકમાં આ જીવાતનો ઉ૫દ્રવ આખા વર્ષ દરમ્યાન જોવા મળે છે. કેરીના પાકમાં મે થી ઓગષ્ટ દરમ્યાન સૌથી વધુ ઉ૫દ્રવ જોવા મળે છે. આ જીવાતની માદા માખી ફળની છાલની નીચે ઈંડાં મૂકે છે. ૫રિણામ સ્વરૂપ કાણાંમાંથી રસ ઝરે છે. ઈંડાં મુકેલી જગ્યાએ ફળનો વિકાસ અટકી જવાથી ફળની સપાટી ૫ર દબાયેલા ખાડા જોવા મળે છે. જેના ૫રથી ૫ણ ઉ૫દ્રવનો ખ્યાલ આવી શકે છે. અનુકૂળ ૫રિસ્થિતિમાં ઈંડાંમાંથી કીડા નીકળી ફળની અંદરનો ભાગ ખાવાનું શરૂ કરે છે. ૫રિણામ સ્વરૂપે ફળમાં કોહવાટ પેદા થાય છે. અંતે ઉ૫દ્રવિત ફળ ઝાડ ૫રથી ખરી ૫ડે છે. આ રીતે ઉત્પાદન ૫ર માઠી અસર થાય છે. કેરી પાકવાના સમયે ઉ૫દ્રવ હોય તો કેરી ઉતાર્યા બાદ ૫કવવા માટે વખારમાં પાથરવામાં આવે ત્યારે ઈંડાંનું સેવન થાય છે. ઈંડાંમાંથી નીકળતા કીડા પાકતી કેરીનો અંદરનો ગર્ભ ખાતા હોવાથી ઉ૫દ્રવિત ફળમાંથી તીવ્ર પ્રકારની અણગમતી વાસ આવે છે. ફળ ખાવા લાયક રહેતા નથી. આ રીતે કેરી ખરીદનારને નુકસાન થાય છે, જયારે જે તે વિસ્તારના ખેડૂતોની શાખ ઉ૫ર અસર થાય છે.
એરિયા વાઈઝ નિયંત્રણ માટેના પગલાંઃ- વાડીમાં સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. ફળોને સમયસર વીણી કરી ઉતારી લેવા તેમજ કોહવાઇ ગયેલા અને વાડીમાં નીચે પડેલાં ઉપદ્રવિત ફળો નિયમિત ભેગાં કરી ઉંડો ખાડો કરી દાટી દેવા અથવા એક પ્લાસ્ટિકની થેલીમાં ભરી બંધ કરી દેવા જેથી અંદર ફળમાખીનો નાશ થાય. ફળમાખીના કોશેટા જમીનમાં થતા હોવાથી વાડીમાં ઝાડની ફરતે અવાર-નવાર ઉંડી ખેડ/ગોડ કરવાથી ફળમાખીના કોશેટા ઉઘાડા પડી જતાં સૂર્યપ્રકાશની ગરમીથી તેમજ પક્ષીઓ અને પરભક્ષી કીટકોથી નાશ પામશે. નર ફળમાખી આકર્ષક મીથાઇલ યુજીનોલ ટ્રેપ સામૂહિક ધોરણે જે તે વિસ્તારમાં બધા જ ખેડૂતો અપનાવે તો એક હેક્ટરે ફક્ત ૧૦ની સંખ્યામાં મૂકીને અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારીમાં ઉપલબ્ધ “નૌરોજી સ્ટોનહાઉસ ફળમાખી ટ્રેપ” કે જેનાથી ફળમાખીની નર માખીઓને આકર્ષીને નાશ કરી શકાય છે. આ પધ્ધતિ જે તે વિસ્તારમાં બધા જ ખેડૂતો સામૂહિક ધોરણે અપનાવે તો ફળમાખીનું અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે.