આંધ્ર પ્રદેશ સરકારે સોમવારે રાજ્યમાં નવી દારૂ નીતિ જાહેર કરી છે. નવી દારૂની નીતિ અનુસાર સરકારે હવે ખાનગી રિટેલરોને દારૂ વેચવાની પરવાનગી આપી છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણય હરિયાણા સહિત અન્ય ઘણા રાજ્યોની તર્જ પર લેવામાં આવ્યો છે. સીએમ ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની આંધ્રપ્રદેશ સરકારે દારૂના છૂટક વેચાણનું ખાનગીકરણ કરવાના ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લીધો છે.
નવી લિકર પોલિસીની મદદથી આંધ્ર પ્રદેશ સરકારને આશરે રૂ. ૫,૫૦૦ કરોડની કમાણી થવાની ધારણા છે. અન્ય રાજ્યોમાં જારી કરવામાં આવેલી નીતિના આધારે, આંધ્ર પ્રદેશમાં નવી દારૂની નીતિમાં ઘણા મોટા વ્યાપક ફેરફારો કરવામાં આવ્યા છે. આનાથી સરકારને પહેલા કરતા વધુ કમાણી થવાની આશા છે.
આંધ્ર પ્રદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં નવી દારૂ વેચાણ નીતિ ૧૨ ઓક્ટોબર, ૨૦૨૪થી અમલમાં આવશે. નવી નીતિ હેઠળ, રાજ્ય સરકારે આંધ્ર પ્રદેશમાં દારૂના વેચાણ માટે કુલ ૩,૭૩૬ રિટેલ આઉટલેટ્સને સૂચિત કર્યા છે.