આંધ્ર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી કોનિજેતી રોસૈયાનું શનિવારે નિધન થયું છે. સૂત્રોએ જણાવ્યું કે, પલ્સ રેટ ઘટ્યા બાદ રોસૈયાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટર્સે તેમને મૃત જોહેર કર્યા હતા. વાય.એસ. રાજશેખર રેડ્ડીએ હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયા બાદ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રોસૈયાએ ૩ સપ્ટેમ્બર, ૨૦૦૯ થી ૨૪ નવેમ્બર, ૨૦૧૦ સુધી આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. મુખ્યમંત્રી પદ છોડ્યા પછી, ૨૦૧૧ થી ૨૦૧૬ સુધી તમિલનાડુનાં રાજ્યપાલ તરીકે સેવા આપી. તેઓ કર્ણાટકનાં રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.
કોનિજેટી રોસૈયાનો જન્મ ૪ જુલાઈ ૧૯૩૩નાં રોજ થયો હતો. કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓમાં ગણાતા કોનિજેતી રોસૈયા ધારાસભ્ય અને સાંસદ પણ રહી ચૂક્યા છે. તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં તેમણે અનેક મંત્રી પદ સંભાળ્યા હતા. તમિલનાડુનાં રાજ્યપાલ તરીકેનાં તેમના ૫ વર્ષ દરમિયાન જ તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા હતા. જણાવી દઇએ કે, તેઓ નાણામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે અને રેકોર્ડ ૧૫ વખત રાજ્યનું બજેટ રજૂ કરવાનું ગૌરવ ધરાવે છે. ૧૯૩૩ માં જન્મેલા, રોસૈયાએ ૧૯૬૮ માં આંધ્ર પ્રદેશ વિધાન પરિષદનાં સભ્ય તરીકે તેમની વિધાનસભાની યાત્રા શરૂ કરી હતી. તેઓ આંધ્ર પ્રદેશ વિધાનસભામાં ચિરાલાનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે. મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ રોસૈયાનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને શોકગ્રસ્ત પરિવારનાં સભ્યો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.