દક્ષિણ ભારતનાં ૪ રાજ્યમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને કેરળમાં એક્ટિવ ઉત્તરી-પૂર્વી મોન્સૂને ઘણા જિલ્લાઓમાં પૂરીની સ્થિતિ પેદા કરી છે.
મોસમ વિભાગના જણાવ્યા મુજબ, આગામી ૫ દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે. ૨૪ અને ૨૫ નવેમ્બરે કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પુડુચેરીમાં ભારેથી વધુ ભારે વરસાદ થવાનું અનુમાન છે. આંધ્રપ્રદેશમાં ૩૦
વર્ષ પછી આ પ્રકારની ખરાબ સ્થિતિનું નિર્માણ થયું છે.
આંધ્રમાં અત્યારસુધીમાં ૩૩ લોકોનાં ડૂબવાથી મૃત્યુ થયાં છે. પેન્ના નદીમાં પૂરથી નેશનલ હાઈવે-૧૬નો એક ભાગ તૂટી ગયો છે, એનાથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. આ હાઈવે ચેન્નઈને કોલકાતા સાથે જોડે છે. રેલવે માર્ગ પ્રભાવિત થવાથી ૧૦૦થી વધુ ટ્રેનોને રદ કરવી પડી. ચિત્તુર, કડપા, નેલ્લોર અને અનંતપુર જિલ્લાનાં ૧.૩૬૬ ગામ પુરથી પ્રભાવિત છે, ૨૩ ડૂબી ગયાં છે, ૩૬,૨૭૯ લોકોને અસર થઈ છે.
કર્ણાટકમાં બેંગલુરુના ઉત્તરી વિસ્તારમાં રાતે જોરદાર વરસાદ થયો હતો. એને પગલે ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. બેંગલુરુના ઉપનગર યેલહંકામાં ૨૪ કલાકની અંદર ૧૩૪ કિલોમીટર વરસાદ થયો છે. કર્ણાટકમાં ૩.૪૩ લાખ હેક્ટર પાક વરસાદથી પ્રભાવિત થયો છે. ૧.૫ લાખ જેટલા ખેડૂતોના પાકને નુકસાન થયું છે. તામિલનાડુમાં આ વખતે સામાન્યથી ૬૮ ટકા વધુ વરસાદ થય છે. ચેન્નઈના ઉપનગર મનાલીના ઘણા ભાગમાં પૂર જેવી સ્થિતિ છે. અહીં રસ્તાઓ પર હોડીઓ ચાલી રહી છે. સલેમના મેત્તુર બંધમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ બંધ કાવેરીના ડેલ્ટા ક્ષેત્રમાં આવેલા જિલ્લાઓમાં પાણીની જરૂરિયાતોને પૂરી કરે છે. બિલ્લુપુરમમાં થેનપેન્નાઈ નદી અને કાંચીપુરમમાં પલારમાં પાણી ભારે પ્રમાણમાં વહી રહ્યું છે.