મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી રૂ. ૩૭.૪૮ કરોડના ખર્ચે ૨૩૩ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીના હસ્તે રૂ. ૨૦.૨૩ કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી બનેલી ૯૯ આંગણવાડી, ૧ ઘટક કચેરી, ૧ સેજા કચેરીનું લોકાર્પણ તથા ૬૫ આંગણવાડી કેંદ્રોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જીએસપીસીના સીએસઆર ભંડોળ અંતર્ગત એલજીએસએફ ટેક્નોલોજીના ઉપયોગથી ૧૭.૨૫ કરોડના ખર્ચે ૬૯ નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું પણ લોકાર્પણ કરાયું હતું
મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય કક્ષાએથી કરવામાં આવતી સતત સમીક્ષા, ફોલો-અપ અને સંકલન થકી આંગણવાડીના નવા મકાનોનું નિર્માણકાર્ય ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. જેના પરિણામે રાજ્યના હજારો નાના બાળકોને અદ્યતન સુવિધાઓ સાથેના નવા આંગણવાડી કેન્દ્રો ઉપલબ્ધ થઇ રહ્યા છે. આગામી સમયમાં પણ આ જ ગતિશીલતા સાથે આંગણવાડી કેન્દ્રોના પોતાના મકાનોને વધુ વિસ્તૃત કરી રાજ્યના દરેક બાળકને શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ અપાશે, તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોની કામગીરીને બિરદાવતા મંત્રીએ કહ્યું હતું કે, આંગણવાડીની બહેનો બાળકોની પ્રેમ અને વાત્સલ્યથી સંભાળ રાખે છે. તેમને ધર જેવું જ વાતાવરણ આપવામાં તેમની ભૂમિકા ખૂબ અગત્યની છે. તેમના શ્રેષ્ઠ પ્રયાસોના કારણે આજે અનેક વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલતાં થયાં છે. આ બહેનો આંગણવાડીમાં જ પોષણયુક્ત આહાર બનાવીને બાળકોને તેમની માતાની જેમ જ પ્રેમથી જમાડે છે.
મહિલા અને બાળ વિકાસ સચિવ રાકેશ શંકરે ખુબ જ ટૂંકા સમયગાળામાં આંગણવાડી કેન્દ્રોના બાંધકામની કામગીરી પૂર્ણ કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આગામી સમયમાં પણ આજ ગતિથી આંગણવાડી કેન્દ્રોના બાંધકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરાશે તેમ સચિવશ્રીએ જણાવ્યુ હતુ. આ પ્રસંગે જિલ્લાકક્ષાના ભૂલકામેળામાં ભૂલકાના કૌશલ્યને પ્રોત્સાહન આપતા વિજેતા થનાર બાળકોને મંત્રીશ્રીના હસ્તે ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.









































