ગાંધીનગર જિલ્લા પંચાયતની આંકડા શાખામાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળતાં એમાં રાખેલા મહત્વના દસ્તાવેજા અને કમ્પ્યુટર બળીને ખાખ થયાં હતાં. આગની ઘટનાના પગલે દોડી આવેલી ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
આજે લાભપાંચમના દિવસ ગાંધીનગર જિલ્લા પંચાયત માટે અશુભ દિન સાબિત થયો છે. સવારે પંચાયત કચેરી ખૂલવાના થોડા સમય અગાઉ જ પંચાયત કચેરીના પ્રથમ માળે આવેલી આંકડા શાખામાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ત્યારે નજીકમાં જ આવેલી ગાંધીનગર ફાયરબ્રિગેડની ટીમ તરત આગ પર કાબૂ મેળવવા કામે લાગી હતી. સતત પાણીનો મારો ચલાવ્યા પછી પણ આગ બેકાબૂ બની વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે ફાયરફાઇટરો મારફત પાણીનો મારો ચાલુ જ રાખવામાં આવ્યો હતો. બીજી તરફ, પંચાયત કચેરીના કર્મચારીઓ પણ ફરજ પર આવવાની શરૂઆત થઈ ગઈ હતી. કર્મચારીઓ પણ વિકરાળ આગ જાઈને ગભરાઈ ગયા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
આ આગમાં પંચાયતની આંકડા શાખામાં રાખેલાં મહત્વના
દસ્તાવેજા, કમ્પ્યુટર તેમજ ઈલેક્ટ્રિક વાયરિંગ પણ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયાં હતાં. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ તેમજ એફએસએલ નિષ્ણાતોની ટીમ પણ સ્થળ પર આવી જરૂરી તપાસ કરશે. એ બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવશે.