અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડની કુંકાવાવ શાખાના સિનિયર ઓફિસર અરવિંદભાઈ કાનાણીનો નિવૃત્તિ વિદાય સમારંભ તારીખ ૬ ના રોજ ચારણ પીપળી ગામે કિશોરભાઈ કાનાણીના નિવાસસ્થાને ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. આ પ્રસંગે સમસ્ત ચારણ પીપળી ગામ, બગસરા તાલુકાની વિવિધ સેવા સહકારી મંડળીઓ અને મધ્યસ્થ બેંકની શાખાઓ દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બગસરા યાર્ડના પૂર્વ ચેરમેન કાંતિભાઈ સતાસિયા, બેંકના ડિરેક્ટર હરેશભાઈ પટોળીયા, ખેડૂત મંડળીના પ્રમુખ ભાવનાબેન સતાસિયા અને સિનિયર ઓફિસર હિતેશભાઈ સભાયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બગસરા તાલુકાની તમામ સહકારી મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને બેંક સ્ટાફે અરવિંદભાઈની સેવાઓને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિવલાલભાઈ ઉંમરે કુશળતાપૂર્વક કર્યું હતું. આ સમારોહને સફળ બનાવવા માટે ચારણ પીપળી મંડળીના પ્રમુખ ગોરધનભાઈ કાનાણી, ઉપપ્રમુખ ઘુસાભાઇ ચોવટીયા, મંત્રી ઝવેરભાઈ કાનાણી, સરપંચ બાબુભાઈ તથા ગ્રામીણ આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.