ગાંધીજીએ આ દુનિયા સાથે કામ પડ્‌યું એના પહેલા બહુ શરૂઆતથી છાને ખૂણે પોતાના અહંકાર સાથે કામ પાડેલું છે. જિંદગીના મહ¥વનાં વર્ષો અને આપણી વિચારશીલતા આપણી જોખમી અહંકારાયણમાં પસાર થાય છે. ગાંધીજીમાં અભિમાન શોધવું એ ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ છે. અહંકાર આપણી વ્યક્તિગત જિંદગીના સમયનો સૌથી મોટો હિસ્સો ગળી જાય છે. મનુષ્યને ખ્યાલ જ નથી આવતો કે તેના સમયનો જે ધોધમાર વેડફાટ થાય છે એના મૂળ કારણમાં એનો અહંકાર છે. ગાંધીજીએ એમની જિંદગીમાં કદી પણ દર્પણમાં પોતાના પ્રતિબિંબને જોવાની જિજ્ઞાસા રાખી હશે કે કેમ એ પ્રશ્ન થાય છે… અને એવો સમય એમની પાસે કઈ રીતે હોઈ શકે ?
જહાજમાં મુસાફરી કરતી વખતે તો લખવાનું કામ બહુ કપરું પડે, તો પણ ગાંધીજીએ હિન્દ સ્વરાજ પુસ્તક આખેઆખું પોતાના એક જ દરિયાઈ પ્રવાસમાં લખી નાખ્યું. આટલું બધું એક સાથે કેમ લખાય ? હાથ પણ થાકી જાય. ગાંધીજી તો જમણા હાથે થાકી જાય એટલે ડાબે હાથે લખવા લાગે. એમને ખબર છે કે કરોડો લોકો જે સુખની પ્રતીક્ષા કરી રહ્યા છે એ સ્વતંત્રતાનું માધુર્ય ગાંધીજી પોતે જેટલું વધુ કામ કરશે એટલું જલદી પ્રાપ્ત થશે. પોતાના જીવનકાળ દરમિયાન અંદાજે ઓછામાં ઓછા એક લાખ તો એમણે પત્ર લખ્યા છે. સ્વહસ્તાક્ષરમાં એક લાખ પત્ર કોઈ યુગપુરુષ જ લખી શકે. માત્ર આના પરથી અંદાજ લગાવી શકાય કે એમણે પોતાની જિંદગીની એક ક્ષણ પણ આયોજન વિના આડેધડ ઢોળાઈ જવા દીધી નહીં હોય. ગાંધીજી મોહનદાસ છે પરંતુ સ્વમોહન-દાસ નથી. એટલે કે તેઓ ક્યારેય પણ પોતાની પ્રતિભામાં ઉછળતા મોજાંઓમાં નિમગ્ન રહીને પરિતુષ્ટિ પામ્યા નથી. તેઓ પોતાના પર મુગ્ધ નથી પરંતુ પ્રજાની યાતનાઓ જોઈને ખિન્ન છે. સ્વમોહથી મુક્તિ પછી પ્રજાની સેવા થાય, નહિતર પોતાના વિશે જ ગાજવીજ થયા કરે. સ્વસ્તુતિ, સ્વમહિમા અને મિથ્યાભિમાનના ગાનમાં જ સેવાભાવ તણાઈ જાય. ગાંધીજીના જમાનામાં સજજનો બહુમતીમાં હતા. એકથી એક ચડિયાતા ચરિત્રો હતા. દેશ માટે અધિકમાં અધિક ન્યોછાવરી સહુમાં હતી. કેટલાકમાં તો એ ભાવના એટલી તીવ્ર હતી કે એમની પાસે ગાંધીજી ઝાંખા પડે. તો પણ સહુને વટીને સહુને ઓળંગીને એક ગાંધીનો શબ્દ જ કેમ ભારત માટે સર્વસ્વીકૃત બન્યો ?
દેશના કે દુનિયાના છેલ્લામાં છેલ્લા માણસ પર નજર રાખતા ગાંધીજીએ રાજવ્યવસ્થાઓને શીખવ્યું. લોર્ડ માઉન્ટબેટન જેવા કેટલાય બ્રિટિશ રાજનીતિજ્ઞો અને પ્રશાસકો, ગાંધીજીને આત્મસાત કરી નવાઈ પામતા જ રહ્યા. ગાંધીના કોઈ પણ પ્રશ્નનો તેઓની પાસે જવાબ ન હતો. અને તત્કાલીન કોઈ પણ પ્રશ્નનો ગાંધી પાસે ઉકેલ હતો. એ જમાનામાં ગાંધીજી એક માત્ર એવા હતા કે તેમનું પ્રત્યેક વિધાન માનવ-મુંઝવણોના સમાધાનથી મુખરિત હતું. એમની તમામ વાતોમાં મઝા એ છે કે મનુષ્ય નામક પ્રાણીને વિચાર-વાણી-વર્તનમાં સૌથી વધુ પથ્ય શું છે અને એ સમષ્ટિને સુલભ કેમ જલ્દી થાય એની કીમિયાગીરીના ખજાનાઓ ગાંધી પાસે છે. હજારો વરસો પછી બધું ભૂલાઈ જશે તો પણ માણસજાતને ગાંધીએ જે રીતે ઓળખી બતાવી છે એ વીસરાશે નંઈ. માણસ હવે ન સમજાય એવો સંદિગ્ધ ને સંકુલ થવા લાગ્યો છે એટલે આગળ જતાં સ્વમાં ખોવાયેલા કોઈને પોતાને ઓળખવાની ગુરુચાવી પણ ગાંધી પાસેથી મળશે.
આવી ચાવીઓ મહર્ષિ અરવિંદ, જે. કૃષ્ણમૂર્તિ અને ગાંધી પાસે છે. આ ત્રણેય મહાપુરુષો પાસે માનવત¥વની એના ફ્યુચરિસ્ટિક્સ્‌ સાથેની અદ્વિતીય સમજણ છે. જે આ જગતની સૌથી મહાન જ્ઞાન સંપદા છે. માણસજાતની એક સમસ્યા એ છે કે જેની એને જરૂર નથી એનું એને મન કોઈ મૂલ્ય નથી.
સંસ્કૃત સુભાષિતકાર એટલે જ કહે છે કે યુવાની પસાર કરી ચૂકેલી ધર્મપત્નીને ચાહવી એ તો કોઈ વિદ્વાન પતિદેવનું સાહસ હોય છે. પત્નીના ચહેરા પર જેમ જેમ વયદર્શક રેખાઓ અંકાતી જાય એમ એમ સ્નેહના ઉરઝરણ પતિહૈયેથી અધિક વહેતા જાય તો એ પરમ મંગલ દામ્પત્ય છે.
જરૂર હોય તો મનુષ્ય સામાન્ય કમ્પાઉન્ડરને સિવિલ સર્જનનું બહુમાન આપે છે અને જરૂર ન હોય ત્યારે વિવેકાનંદ, ચૈતન્ય મહાપ્રભુ કે પાણ્ડુરંગ શાસ્ત્રીને પણ અભરાઈ પરથી નીચે ઉતરવા દેતા નથી. માતાપિતાની પણ આગળ જતાં સંતાનો આ જ હાલત કરે છે. હવે એ પંગતમાં ગાંધીજી પણ મૂકાઈ ગયા છે. ગાંધીજીએ સદાય પોતાના અહંકારને ઝિરો ડિગ્રી પર રાખ્યો. સો ડિગ્રી એટલે એક માત્ર પોતાના હિતનો જ વિચાર કરવો. જેમ જેમ ડિગ્રી ઓછી થતી જાય એમ બીજાઓના કલ્યાણ ઉમેરાતાં જાય. શૂન્ય સુધી અહંકાર આવે ત્યારે જીવમાત્રના કલ્યાણ સમાવિષ્ટ થાય છે. એ જ કારણ છે કે દુનિયાના કોઈ પણ દેશમાં ગાંધીજી આજે પ્રસ્તુત કે એપ્લિકેબલ છે. ગાંધી વિચારને કાળની થપાટો લાગે એમ નથી.