વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઇમ્ફાલમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે ૨૧મી સદી ઉત્તરપૂર્વ ભારતની સદી છે. તેમણે કહ્યું કે તેઓ ઇમ્ફાલને એવા શહેરોમાંના એક તરીકે જુએ છે જે ભારતના વિકાસની ગતિને વેગ આપવામાં મોટી ભૂમિકા ભજવશે. મણિપુરમાં તાજેતરમાં થયેલી હિંસાની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કોઈપણ પ્રકારની હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે રાજ્યના લોકોને શાંતિ અને વિકાસના માર્ગ પર આગળ વધવા અપીલ કરી.તેમણે કહ્યું કે હવે ૨૧મી સદીનો આ સમય ઉત્તર પૂર્વનો સમય છે. તેથી, ભારત સરકારે મણિપુરના વિકાસને સતત પ્રાથમિકતા આપી છે. પરિણામે, મણિપુરનો વિકાસ દર સતત વધી રહ્યો છે. ૨૦૧૪ પહેલા, મણિપુરનો વિકાસ દર એક ટકા કરતા પણ ઓછો હતો. હવે મણિપુર પહેલા કરતા અનેક ગણી ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. મણિપુરમાં માળખાગત વિકાસનો નવો યુગ શરૂ થયો છે. મણિપુરમાં રસ્તાઓ અને રાષ્ટ્રિય ધોરીમાર્ગોના નિર્માણની ગતિ પણ અનેકગણી વધી છે. અહીંના દરેક ગામને વીજળી પહોંચાડવા માટે પણ ઝડપી ગતિએ કામ થઈ રહ્યું છે.વડાપ્રધાન મોદીએ કહ્યું, આજે, મણિપુરની આ ભૂમિ પરથી, હું નેપાળમાં મારા સાથીદારો સાથે પણ વાત કરીશ. નેપાળ ભારતનો મિત્ર છે, એક ગાઢ મિત્ર છે. આપણે સહિયારા ઇતિહાસ, સહિયારા વિશ્વાસથી બંધાયેલા છીએ અને સાથે મળીને આગળ વધી રહ્યા છીએ. આજે,  દેશવાસીઓ વતી, હું શ્રીમતી સુશીલાજીને નેપાળમાં વચગાળાની સરકારના વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે તેઓ નેપાળમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે. નેપાળના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે સુશીલાજીનું શપથ ગ્રહણ એ મહિલા સશક્તિકરણનું ખૂબ જ સારું ઉદાહરણ છે. આજે, હું નેપાળના દરેક વ્યક્તિની પ્રશંસા કરીશ જેમણે આવા અસ્થિર વાતાવરણમાં પણ લોકશાહી મૂલ્યોને સર્વોચ્ચ રાખ્યા છે… છેલ્લા કેટલાક દિવસોથી, નેપાળના યુવાનો નેપાળના રસ્તાઓ સાફ કરવા અને રંગવામાં સખત મહેનત કરતા જાઈ શકાય છે. મેં તેમના ફોટા સોશિયલ મીડિયા પર પણ જાયા છે. તેમની સકારાત્મક વિચારસરણી અને સકારાત્મક ક્રિયાઓ માત્ર પ્રેરણાદાયક જ નથી પણ નેપાળના નવા ઉદયનો સ્પષ્ટ સંકેત પણ છે. હું નેપાળને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, મણિપુરમાં કોઈપણ પ્રકારની હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે. આ હિંસા આપણા પૂર્વજા અને આપણી ભાવિ પેઢીઓ સાથે મોટો અન્યાય છે. તેથી, આપણે મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગ પર આગળ લઈ જવાનું છે અને આપણે સાથે મળીને આ કરવાનું છે. આપણે ભારતના સ્વતંત્રતા સંગ્રામ અને ભારતની રક્ષામાં મણિપુરના યોગદાનમાંથી પ્રેરણા લેવી પડશે. મણિપુરની તે ભૂમિ હતી જ્યાં આઝાદ હિંદ ફોજે પહેલીવાર ત્રિરંગો લહેરાવ્યો હતો નેતાજી સુભાષે મણિપુરને ભારતની સ્વતંત્રતાનું પ્રવેશદ્વાર ગણાવ્યું હતું. આ ભૂમિ પરથી ઘણા વીરોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. મણિપુરના આવા દરેક મહાન વ્યક્તિત્વમાંથી પ્રેરણા લઈને અમારી સરકાર આગળ વધી રહી છે. અમારી સરકારે બીજું એક મોટું પગલું ભર્યું છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં માઉન્ટ હેરિયટનું નામ બદલીને માઉન્ટ મણિપુર રાખવામાં આવ્યું છે. આ મણિપુરી સ્વતંત્રતા સેનાનીઓને ભારતના ૧૪૦ કરોડ દેશવાસીઓની શ્રદ્ધાંજલિ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, મણિપુરના ઘણા પુત્રો દેશના વિવિધ ભાગોમાં ભારત માતાની રક્ષામાં રોકાયેલા છે. તાજેતરમાં, વિશ્વએ ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની શક્તિ જાઈ છે. આપણા સૈનિકોએ એવી તબાહી મચાવી હતી કે પાકિસ્તાની સેના ડરી ગઈ. ભારતની આ સફળતામાં મણિપુરના ઘણા બહાદુર પુત્રો અને પુત્રીઓની બહાદુરી પણ સામેલ છે. તેવી જ રીતે, હું આપણા બહાદુર શહીદ દીપક ચિંગખામની બહાદુરીને પણ સલામ કરું છું. ઓપરેશન સિંદૂર દરમિયાન દેશ હંમેશા તેમના બલિદાનને યાદ રાખશે. મેં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ મણિપુરી સંસ્કૃતિ વિના અધૂરી છે. અને ભારતની રમતગમત પણ મણિપુરના ખેલાડીઓ વિના અધૂરી છે. મણિપુરનો યુવા એક એવો યુવક છે જે ત્રિરંગાના ગૌરવ માટે પોતાનું તન, મન અને ધન આપે છે.