બાબરા તાલુકાના લુણકી ગામે માથાભારે ઈસમોના ત્રાસ સામે હવે ગ્રામજનોની સહનશક્તિ ખુટી ગઈ હોવાથી ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર આપી માથાભારે ઈસમો સામે કડક હાથે કામ કરવા જણાવ્યું છે. લુણકીના ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે,ચમારડી રોડ પર અમુક ઈસમો દ્વારા ગ્રામ પંચાયતની ખાલી પડેલી જગ્યા પર દબાણ કરી ઝુંપડા બાંધી દબાણ કરેલ છે. આ બાબતે ગ્રામજનોએ મૌખીક ફરિયાદ ગ્રામ પંચાયતને કરી હતી. આ માથાભારે ઈસમો હોય દારૂ બનાવવાનું અને વેચવાનું કામ કરતા હોય તેમજ ગામના લોકો પર જીવલેણ હુમલાઓ કર્યા હોવાથી આ બાબતની બાબરા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ આપવામાં આવી હતી. આમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા માથાભારે ઈસમો કાયદાનો જાણે કંઈ જ ડર ન હોય તેમ ગેરકાયદેસર પ્રવૃતિ કરી રહ્યાં હોવાથી જા આ બાબતે હવે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો લુણકી ગામના લોકો ઉપવાસ આંદોલન કરશે તેમ અંતમાં આવેદનપત્રમાં જણાવ્યું છે.