અસહમતી પેદા થવાના મુખ્ય બે કારણો છે. એમાં સૌપ્રથમ છે, વિચાર કે માન્યતા ભેદ. એક કરતા બીજો વિચાર કે માન્યતા અલગ છે એટલે ટકરાવ છે. જો લોકહિતના પ્રશ્ને હોય તો વિચારભેદ કે માન્યતાભેદની અસહમતી તંદુરસ્ત છે. તંદુરસ્ત અસહમતી એ તંદુરસ્ત લોકશાહીનું ટોનિક છે. સામાવાળાને એના નિર્ણયમાંથી ચલિત કરવો, ફેરફાર કરવા ફરજ પાડવી અને આમ કરીને કંઇક રોકાવવું કે મેળવવું એ અસહમતીનું હાર્દ હોય છે. તંદુરસ્ત અસહમતીના દ્વંદ્વમાંથી જે પરિણામ નીપજે એ પ્રજા કલ્યાણનું અંતિમ બની રહે છે. રાજકારણ કે સમાજકારણમાં અસહમતી પેદા થવાનું બીજું કારણ છે, અસ્તિત્વ અને અહમનો ટકરાવ. સતત અસહમતી નોંધાવતા રહેવાથી અસ્તિત્વ ટકી રહેતું હોવાનો રાજકીય, સામાજિક ઈતિહાસ પણ છે. આ અસહમતી મોટાભાગે નકારાત્મક હોય છે. એમાં સમષ્ટિના કલ્યાણના ઉદ્દેશો હોતા નથી. રાજકીય પક્ષ કે સામાજિક સંગઠનોની આંતરિક અસહમતીઓ મોટાભાગે આ કક્ષાની હોય છે. જયારે હકારાત્મક અસહમતી લોકશાહીને મજબૂત બનાવે છે. જે નિર્ણયથી લોકશાહી મૂલ્યોનો હÙાસ થતો હોય કે પ્રજાને પીડાકારક હોય એવા નિર્ણયોને પડકારવા, વિરોધ કરવો દરેકની ફરજ થઇ પડે છે, પછી ભલે એ માત્ર આમ નાગરિક હોય. લોકનાયકોએ ઉપાડેલા જન આંદોલનોનો ઈતિહાસ આવી અસહમતીઓથી ભર્યો પડ્યો છે. દેશહિત કાજે અસહમતીઓને સ્વીકારીને તેમાંથી શ્રેષ્ઠ નીપજ મેળવવાની દિશામાંના પ્રયત્નોમાં અમેરિકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનનું પ્રથમ પ્રધાનમંડળ અને આઝાદ ભારતનું પંડિત જવાહરલાલ નહેરુની આગેવાનીનું પ્રધાનમંડળ ઉત્તમ ઉદાહરણો છે. લિંકન અને નહેરુએ ત્યારે દેશ માટે જે ઉત્તમ હતું તેનો સ્વીકાર કરેલો. એ બંને સુપેરે જાણતા કે આમાંના ઘણાખરા પોતાની વિચારધારા સાથે સહમત નથી. પણ દેશને એમની જરૂરિયાત છે. આ લોકશાહીનું ચરમ હતું. લિંકન તો કહેતા પણ ખરા કે મારાથી સારો માણસ તમારા ધ્યાનમાં હોય તો કહેજો, મારે તેને મારા મંત્રીમંડળમાં સમાવીને તેની સાથે કામ કરવું છે. સરદાર અને નહેરુ વચ્ચે ઘણી બધી બાબતોમાં સહમતી નહોતી. બંને વચ્ચે ઘણી વખત પત્રવ્યવહારમાં ત્યાગપત્રોની ફેંકાફેંકી પણ થઇ ગયેલી હોવાના સંદર્ભો મળી આવે છે. પણ આઝાદ ભારતના બંને ઘડવૈયાઓ દેશહિત કાજે પરસ્પર સંમત હતા. ૧૨-૧-૧૯૪૮ના રોજ મળેલ મંત્રીમંડળની બેઠકમાં બંનેએ સહમતીથી ઠરાવ કર્યો કે ‘જ્યાં સુધી પાકિસ્તાન કાશ્મીર પ્રશ્ને સહયોગ ન કરે ત્યાં સુધી કરાર હેઠળ આપવાપાત્ર રૂ.૫૫ કરોડ ભારત સરકાર ચૂકવશે નહીં.’ અહી ગાંધીજી અસહમત થયા, સરદાર અને નહેરુ ઘણો સમય બાપુ સામે અડગ રહ્યા. બાપુએ ઉપવાસ આદર્યા અને સરદારને આખા મંત્રીમંડળની હાજરીમાં પોતાને માઠું લાગ્યાનું દર્દ ભર્યા શબ્દોમાં કહ્યું અને બાપુ રડ્યા… સાંભળીને સરદાર પણ રડ્યા… સરદાર અને નહેરુએ પાકિસ્તાન સાથે થયેલ કરાર આધારિત ૫૫ કરોડ આપવાનું કબુલ્યું. એ નિર્ણય દેશહિતમાં નહોતો અને એ આજે પણ ચર્ચાનો વિષય છે. આડકતરી રીતે ગાંધીજીની હત્યાનું નિમિત પણ આ નિર્ણય બન્યો હતો એ હિન્દુસ્તાન જાણે છે અને એ પૈસા હિન્દુસ્તાન પર પહેલા સરહદી આક્રમણમાં વપરાયા હતા. એ ભયસ્થાન સરદારે ગાંધીને બતાવ્યું હતું ખરું કે આ પૈસા ભારત સામે હથિયાર ખરીદવા વપરાશે. જયારે કોઈ સમાજ, વર્ગ કે વ્યકિત અસહમતી દર્શાવે છે ત્યારે તેણે રાજકીય પીઠબળ કે જન સમર્થનની જરૂરિયાત રહે છે. આ પીઠબળ કે જનસમર્થન તેને મુદ્દાના વાજબીપણા આધારે પ્રાપ્ત થાય છે. તકલાદી અને ગેરવાજબી મુદ્દે વ્યાપક અને લાંબાગાળાના સમર્થનો મળતા નથી. નહેરુ સરકારે જમીન માલિકીની ટોચમર્યાદા બાંધવાના પ્રયાસ કર્યો અને એમાં અસહમતી સ્વરૂપે સ્વતંત્ર પક્ષ અસ્તિત્વમાં આવ્યો. સ્થાપકોમાં શ્રી રાજગોપાલાચારી, પ્રો. એન.જી.રંગા, શ્રી મીનુ મસાણી, શ્રી કનૈયાલાલ મુનશી હતા. ચોથી સામાન્ય ચૂંટણીઓમાં તે દેશના સૌથી મોટા વિરોધપક્ષ તરીકે સામે આવ્યો. ટૂંકા ગાળે સ્વતંત્ર પક્ષે ખુબ જનસમર્થન મેળવ્યું, પણ સમય જતા આંતરિક અસહમતીઓ અને જે મુદ્દે પક્ષની રચના થઇ હતી એ મુદ્દે વાજબીપણું ગુમાવી દેતા ત્યારે એક લાંબાગાળાનો મજબૂત વિપક્ષ મળતા રહી ગયેલો અને ઘણી રાજકીય પ્રતિભાઓ સ્વાતંત્ર પક્ષની સાથે આથમી ગયેલી. ઉપરાંત ત્યારબાદની સરકારોના ઘણા બધા નિર્ણયોમાં અસહમત થવા સામે મજબૂત વિપક્ષ જ નહોતો રહ્યો. અને એના માઠા પરિણામો લાંબા ગાળા સુધી દેશની જનતાએ ભોગવ્યા છે.
હાલ વિરોધ દર્શાવવા માટે થોડો અલગ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સરકારથી અસંતુષ્ટ કે અસંમત વર્ગ વેરો ન ભરવો, ગંદકી કરવી, બસ-ટ્રેન-જાહેર ઈમારતો સહિતની સંપત્તિને નુકસાન પહોંચાડવું, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું, જેવા રસ્તે વિરોધ નોંધાવી રહી છે. આ બહુ નુકસાનકારક છે. આ દેશને અરાજકતા ભણી લઈ જવા જેવું પગલું છે. હિન્દુસ્તાનમાં ચૂંટણી ટાણે અસહમતીઓનું બજાર ગરમ થઇ જતું હોય છે. આ સમય હોય છે સત્તા કે વિપક્ષનું નાક દબાવીને સમસ્યા નિરાકરણનો કે માંગણીઓ પૂરી કરાવવાનો. ચૂંટણી બાદ જો ગઠજોડની સરકાર હોય તો એકાદ સહયોગીની અસહમતી હોવાથી પણ દેશ આખા માટે લેવાયેલ નિર્ણયમાંથી પાછું હટવાની સરકારને ફરજ પડે છે. આવી અસહમતી દેશહિતને ખુબ નુકસાનકારક છે. ૧૯૩૯ની કાંગ્રેસના અધ્યક્ષની ચૂંટણીમાં બોઝની સામે મહાત્મા ગાંધીની ઈચ્છા જવાહરલાલ નહેરુ તરફે હતી. એ વખતે નહેરુ યુરોપમાં વેકેશનમાં ગયા હતા. પાછા આવીને નહેરુએ મૌલાના આઝાદનું નામ સૂચવ્યું. મૌલાના આઝાદે પણ ના પાડી અને પટ્ટાભી સીતારામૈયાનું નામ ઉમેદવાર તરીકે આખરી થયું. ૨૯ જાન્યુઆરીના રોજ સુભાષચન્દ્ર બોઝ ગાંધીજીના ઉમેદવાર પટ્ટાભીની સામે ૨૦૩ મતોથી વિજયી બન્યા. ત્યારબાદ ગાંધીજીએ સુભાષબાબુ સાથેની પોતાની અસહમતીનો બદલો લગભગ રાજકીય બહિષ્કાર કરી લીધો. સુભાષચંદ્ર બોઝ લગભગ રાજકીય ક્ષિતિજ પરથી ખોવાઈ ગયા. ગાંધીજી સાથેની અસહમતીની ભારતે ચૂકવેલી કદાચ આ મોટામાં મોટી કિંમત હતી.
ક્વિક નોટ – લોકશાહી એ એવી રાજ્ય વ્યવસ્થા નથી કે જેમાં લોકો ઘેટાની જેમ વર્તે છે, લોકશાહીમાં વ્યક્તિગત અભિપ્રાયો અને કાર્યોની સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં આવે છે. – ગાંધીજી