અલ્ટ્રાટેક સીએસઆર વિભાગ દ્વારા સમાજસેવાના ભાગરૂપે વિદ્યાર્થિનીઓને વિવિધ કૌશલ્યો શીખવવામાં આવે છે. ગત વર્ષે લોઠપુર શાળાની વિદ્યાર્થિનીઓને આપવામાં આવેલી સ્વરક્ષણની તાલીમની સફળતા બાદ આ વર્ષે કોવાયા સ્કૂલની ધોરણ ૭ અને ૮ની વિદ્યાર્થિનીઓને આત્મસુરક્ષાની તાલીમ આપવામાં આવી હતી. તાજેતરમાં ૨૮ નવેમ્બરના રોજ કંપનીના એચઆર વિભાગના અધિકારી ભૂમિકા સોસા (જેઓ કરાટે બ્લુ બેલ્ટ ધરાવે છે) દ્વારા કોવાયા સ્કૂલની ૬૦ જેટલી વિદ્યાર્થિનીઓને આત્મસુરક્ષાની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આ સાથે જ વિદ્યાર્થિનીઓને વાતચીત દ્વારા પણ સમજાવવામાં આવ્યું કે આત્મસુરક્ષા માટે પોતે સક્ષમ બનવું કેટલું જરૂરી છે. એચઆરના સેક્શન હેડ ભૂમિકા સોસાએ વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપવાની ઉત્કૃષ્ટ પદ્ધતિથી બહેનોમાં ઉત્સાહ વધાર્યો હતો. સાથે સાથે અલ્ટ્રાટેકના ઉચ્ચ અધિકારી અજય વૈશમ્પાયન તથા એડમીન સિક્યુરીટીના અધિકારી રીતોબન ચૌધરીના માર્ગદર્શન હેઠળ સીએસઆર વિભાગના અધિકારી દેવેન્દ્ર સિંઘ, ઉદ્ધવી પરીખ અને ઈશા દેસાઈનો આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો ફાળો રહ્યો હતો.