અલ્ટ્રાટેક ગુજરાત સિમેન્ટ વર્કસના સીએસઆર વિભાગે મહિલા સશક્તિકરણ અને સ્વાસ્થ્ય જાગૃતિના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય મીતીયાળા ખાતે ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ કિશોરીઓ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સીએસઆર ટીમના સભ્યો ઈશાબેન દેસાઈ અને ઉદધવીબેન પરીખે ધોરણ ૬ થી ૧૨ની ૯૨ કિશોરીઓને કિશોરાવસ્થા દરમિયાન થતા શારીરિક અને માનસિક ફેરફારો વિશે માહિતી આપી હતી. તેમણે માસિકધર્મ સંબંધિત ખોટી માન્યતાઓ અને રીતરિવાજો વિશે પણ સમજ આપી હતી. કાર્યક્રમમાં પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સાથે જ સેનેટરી પેડનો યોગ્ય ઉપયોગ, જરૂર પડે મહિલા ડાક્ટરનો સંપર્ક કરવો, અને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી એનિમિયા અને ફોલિક એસિડની દવાઓનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. શારીરિક સ્વચ્છતા ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે વ્યાયામ અને પ્રાણાયામનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના સહાયક અધ્યાપકો રાઠોડ પુષ્પાબેન, અને પડિયા નીરુપાબેનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.