રાજુલા-જાફરાબાદ તાલુકામાં મોટી-મોટી કંપનીઓ આવેલી છે. આ કંપનીઓ તંત્ર અને પોલીસને સાથે રાખીને ખેડૂતો સાથે જોહુકમી અને દાદાગીરી કરી રહેલ હોવાના અનેક દાખલાઓ જોવા મળી રહેલ છે. આવો જ એક બનાવ તાજેતરમાં બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ (નર્મદા સિમેન્ટ) કંપની છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને ડરાવી ધમકાવીને જમીનો પડાવી લેવાનું કારસ્તાન કરી રહી હોવાની રજૂઆત અગાઉ પણ ગામલોકોએ નાયબ કલેકટર અને મામલતદારને કરેલી હોવા છતાં પણ કંપની પોલીસને સાથે રાખીને પોલીસની બીક બતાવીને ડરાવી ધમકાવીને જમીનો પડાવી રહેલ છે. પોલીસ પ્રજાના પડખે રહેવાને બદલે કંપનીની પડખે રહીને ખેડૂતોની મહામૂલી જમીનો હડપ કરવાનું શરૂ કરેલ હોવાથી આ અંગે બાબરકોટ ગામના ખેડૂતો દ્વારા અમરીશ ડેરને તેના રાજુલા સ્થિત કાર્યાલયે રજૂઆત કરતા અમરીશ ડેર દ્વારા કલેક્ટર પાસે સમય માંગીને રૂબરૂ મુલાકાત કરીને આવેદનપત્ર આપીને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવતા અમરેલી કલેક્ટર દ્વારા ખેડૂતોને આધાર પુરાવા સાથે હાજર રહેવા જણાવ્યું હતું. ખેડૂતોની પડખે ભાજપ નેતા અંબરીશ ડેર આવતા અધિકારીઓ પણ હરકતમાં આવ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની બાબરકોટ જે ૧૯૮૨ થી કાર્યરત છે. જે તે સમયે કંપનીએ ખેડૂતોની જમીનો નજીવા ભાવે ખરીદી કરેલ હોય અને અત્યાર સુધી માયનિંગ કરેલ નહીં હોવાથી આ જમીનો શરતભંગ થયેલ હોવાનું પણ જાણવા મળેલ છે તો શા માટે કલેક્ટર તેમજ મામલતદાર દ્વારા શરતભંગની કાર્યવાહી કરવામાં આવી રહેલ નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.