અમરેલી જિલ્લામાં આવેલી અમુક નદીઓના પુલ પર રેલીંગ ન હોવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. નદીના પુલ પર રેલીંગ બનાવવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા ગ્રામજનોમાં તંત્રની નીતિ સામે ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. જેમાં લાઠી તાલુકાના અલીઉદેપુરથી મતિરાળા જતા રસ્તા પર વચ્ચે નદી આવતી હોવાથી નદી પરથી અવરજવર કરવા માટે તંત્ર દ્વારા પુલની કામગીરી કરવામાં આવતા ગ્રામજનોને રાહત થઈ હતી પરંતુ પુલ બનાવ્યા બાદ તંત્ર દ્વારા પુલના બંને છેડા સુધી અકસ્માત નિવારવા માટે રેલીંગ બનાવવામાં આવી નથી. આવી જ રીતે મતિરાળા-માલવીયા પીપરીયા ગામ જવાના રસ્તે પુલ પર ગમે ત્યારે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. ચોમાસા દરમિયાન પુલ પર વાહન ચલાવવુ વાહનચાલકો માટે જાખમી બની જાય છે ત્યારે અકસ્માત સર્જાય તે પહેલા રેલીંગ બનાવવા માંગ ઉઠવા પામી છે.