ગુજરાત સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયાએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે પોરબંદરમાં રૂ.૨૭,૫૦૦ કરોડના ખર્ચે પ્રસ્તાવિત મેગાશિપ બિલ્ડીંગ યાર્ડને મંજૂરી આપવા બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને પોરબંદર જિલ્લાના વિવિધ પ્રકલ્પોને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરંપરાગત ગુજરાતી પાઘડી પહેરાવી અને સાલ અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું. આ મુલાકાત સૌજન્યપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી, જેમાં રાજ્ય અને જિલ્લાના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
પોરબંદરમાં પ્રસ્તાવિત મેગાશિપ બિલ્ડીંગ યાર્ડને દેશના મહત્વના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સમાં ગણવામાં આવી રહ્યો છે. આશરે રૂ.૨૭,૫૦૦ કરોડના મૂડીરોકાણ સાથે અમલમાં આવનારા આ પ્રોજેક્ટથી મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થવાની સાથે દરિયાઈ વેપાર, શિપિંગ અને સંલગ્ન ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે.
મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોતાના વિભાગ હેઠળ ચાલી રહેલી વિવિધ યોજનાઓ, વિકાસકાર્યો અને તેમના અમલીકરણ અંગે વડાપ્રધાનને વિગતવાર માહિતી આપી હતી. આગામી યોજનાઓ અને વિકાસના રોડમેપ અંગે પણ ચર્ચા કરીને માર્ગદર્શન મેળવ્યું હોવાનું જણાવાયું છે.
મુલાકાત દરમિયાન પોરબંદર જિલ્લામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા માર્ગ, બંદર, ઔદ્યોગિક વિકાસ અને જાહેર સુવિધાઓ સંબંધિત વિવિધ પ્રકલ્પો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારના સહયોગ અને માર્ગદર્શન અંગે પણ વિચારવિમર્શ થયો હતો.
આ મુલાકાતને પોરબંદર જિલ્લાના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સંકલનથી મોટા ઔદ્યોગિક રોકાણો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને વધુ ગતિ મળશે તેમજ સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.








































