અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નઃ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર લગ્નગ્રંથિથી જાડાયા છે. અર્જુને ૫ માર્ચે મુંબઈમાં સાનિયા ચંડોક સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં ક્રિકેટ જગત અને ફિલ્મ ઉદ્યોગ બંનેની હસ્તીઓ હાજર રહી હતી. લગ્નના ફોટા અને વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સચિન તેંડુલકર અને તેની પત્ની અંજલિ તેમના પુત્ર અને પુત્રવધૂને આશીર્વાદ આપતા જાવા મળે છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ અર્જુનના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, અને તેને લગ્ન માટે અભિનંદન આપ્યા છે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ અર્જુન તેંડુલકર સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં લખ્યું છે, “અર્જુન તેંડુલકરને ખુશી અને આનંદથી ભરેલું જીવન મળે તેવી શુભેચ્છા. સચિન તેંડુલકર અને તેના સમગ્ર પરિવારને અભિનંદન.” આકાશ ચોપરા દ્વારા શેર કરાયેલા અર્જુનના લગ્નના ફોટામાં સચિન તેંડુલકર ઉપરાંત, સુરેશ રૈના અને તેની પત્ની પણ જાવા મળે છે. રૈના અને આકાશ ચોપરા ઉપરાંત, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ તેની પત્ની સાથે અર્જુન તેંડુલકરના લગ્નમાં હાજરી આપી હતી.
નોંધનીય છે કે અર્જુન તેંડુલકર અને સાનિયા ચાંડોક લાંબા સમયથી કૌટુંબિક બંધન ધરાવે છે. તેમના પરિવારો એકબીજાને વર્ષોથી ઓળખે છે, અને સચિન તેંડુલકર સાનિયાના દાદા રવિ ઘાઈને દાયકાઓથી ઓળખતા હતા. અર્જુન ક્રિકેટમાં કારકિર્દી બનાવી રહ્યો છે, જ્યારે સાનિયા એક ઉદ્યોગસાહસિક છે અને એક સફળ પાલતુ સ્પા ચેઇન ચલાવે છે.
એવું માનવામાં આવે છે કે બંનેનો પરિચય અર્જુનની બહેન સારા તેંડુલકરે કરાવ્યો હતો, જે ઘણીવાર તેની નજીકની મિત્ર સાનિયાને જીમ સત્રો, બ્રંચ અને વેકેશન પર લઈ જતી હતી. ઓળખાણ તરીકે શરૂ થયેલી વાત ધીમે ધીમે મિત્રતા અને પછી સંબંધમાં પરિણમી. બાદમાં બંનેએ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ મુંબઈમાં એક ખાનગી સમારંભમાં સગાઈ કરી, જેમાં ફક્ત નજીકના પરિવાર અને થોડા મિત્રો જ હાજર રહ્યા હતા. સચિને રેડિટ પર એક પ્રશ્નનો જવાબ આપતા તેની પુષ્ટિ કરી ત્યારે મહિનાઓ પછી સગાઈના સમાચાર જાહેર થયા.