સૂરજ તો પહાડીઓ પાછળ કયારનોય ડૂબી ગયો હતો. એટલે અહીં સાંજ વહેલી પડી જતી હતી. એમાંય પાછો શિયાળાનો દિવસ અને પહાડી ઇલાકો ! અંધારૂં હળવે હળવે અવનિ ઉપર ઉતરવા લાગ્યું. રામગઢ જેવા સાવ નાનકડા અને સાવ છેવાડે આવેલા તાલુકા ટાઉન પ્લેસમાં રાજ્ય પરિવહનની એસ.ટી. બસ સ્ટેશનની કંટ્રોલર ઓફિસ બંધ થવાનો સમય થવા આવ્યો એટલે સવારમાં આઠ વાગ્યે નોકરીએ ચડેલો અર્જુન હવે ઓફિસ બંધ કરવાની તૈયારીમાં લાગ્યો પણ બે શટલ બસ બાકી હતી. એક પડખેના ટાઉનપ્લેસ આઝમગઢથી આવતી આઝમગઢ – રામગઢ અને બીજી જિલ્લામાંથી આવતી ફેઝલપુર – રામગઢ બસ ! એ બન્ને બસ આવી જાય એટલે પૂરૂં.
પણ આજ કદાચ બન્ને બસ લેટ પડી હતી. જાકે એ વિચારતો હતો ત્યાંજ ફેઝલપુરથી આવતી બસ આવી ગઇ. કંડકટરે ઇન્ડોર એન્ટ્રી કરાવી અને બસને બસ સ્ટેન્ડમાં જ પાર્ક કરી. પણ યુવાન અર્જુનની નજર બસમાંથી સાવ છેલ્લે ઉતરેલી એક સ્વરૂપવાન યુવતી ઉપર સ્થિર થઇ ગઇ. ડ્રાયવર કંડકટર તો સામે ચા પાણી પીવા ચાલ્યા ગયા પણ યુવતીએ નીચે ઉતરીને આમતેમ જાયું અને પછી બસ સ્ટેન્ડનાં છાપરા નીચે રહેલા બે ચાર ખાલી બાકડા પૈકી એક ખાલી બાકડો શોધીને બેસી ગઇ. અર્જુને વિચાર્યુ કે આમ તો કોઇ દિવસ આ યુવતીને મેં જાઇ નથી. નહિંતર તો રામગઢ સાવ ખોબા જેવડું ટાઉન છે કયાંકને કયાંક તો આ ચહેરો પરિચયમાં આવી જ ગયો હોય પણ આ એક અજાણ્યો ચહેરો છે એટલે કોઇના ઘેર ગેસ્ટ બનીને આવી હશે. તેનું કોઇ સગુ વ્હાલુ આ શહેરમાં રહેતું હશે. એના હાથમાં મોબાઇલ હતો એટલે ઘડીએ ઘડીએ તે મોબાઇલને જાતી ચેક કરતી અને પછી બસ સ્ટેન્ડમાં આમ તેમ જાતી રહેતી હતી. અર્જુને વિચાર્યુ કે, કોઇ એને તેડવા આવવાનું હશે એટલે લોકેશન તેણે બસ સ્ટેન્ડનું આપ્યું હશે. જે હોય તે મારે શું ? મનમાંને મનમાં વિચારી અને હસી પડતો અર્જુન હવે આઝમગઢ તરફથી આવતી બસનો ઇન્તઝાર કરતો રહ્યો.
આમ ને આમ ઘણી વેળા વીતી પણ આઝમગઢ તરફથી ન તો બસ આવી કે ન તો પેલી યુવતીને કોઇ લેવા આવ્યું.અડધી પોણી કલાક પસાર થઇ ગયા પછી એસ.ટી. ઉપહાર ગૃહનો માલિક શર્મા ઉપહાર ગૃહને બંધ કરીને અર્જુનની ઓફિસમાં આવ્યો.
“આવો આવો શર્માજી…” અર્જુને આવકાર આપતા કહ્યું ઃ “દુકાન વધાવી ?”
“હા સર સાંજના સાત ઉપર થયું અંધારૂ થઇ ગયું છે. હવે ઘરે જઇએ ને સાહેબજી? હજી મારે ત્રીસ કિલોમીટર દૂર ગામડે જવાનું છે ” “હા યાર, મારેય નીકળવું છે પણ આઝમગઢ તરફથી શટલિયું આવી નથી. એની રાહમાં છું.”
“ઓહ સરજી, એવું છે ? મને તો એમ કે તમે પેલા પંખીના વાસ્તે બેઠા લાગો છો.” શર્માજીએ મીઠી મસ્તી કરી. શર્માજી માટે ‘ઉમર પંચપન કી પણ દિલ બચપન કાં’ જેવુ હતું એ હજીય રોમેન્ટિક કીસમના આદમી હતા અને અર્જુન યુવાન હતો એટલે શર્માજી તેની મસ્તી કરતા રહે પણ પછી તરત જ સિરિયસ થઇ જતા કહે: સર, આ છોકરી પોણા કલાકથી બેઠી છે. હું એને ઉતરી ત્યારનો જાઉ છું ખરેખર મામલો છે શું ? પૂછો તો ખરા એને તમે અત્યારે ઓફિસરના ચાર્જમાં છો. યુ કેન ટોકીંગ વીથ હર મને તો ડર પણ લાગે છે કે…’
“યસ શર્માજી હું પણ એજ વિચારતો હતો.” અર્જુને ફરી તેની તરફ દૃષ્ટિ દોડાવતા કહ્યું ઃ “કંઇક સિક્રેટ તો છે જ પણ એક કામ કરો, એક કરતા બે ભલા, આપણે બન્ને જઇને પૂછીએ તો કોઇને બીજી શંકા ઊભી ન થાય.”
“એવું તો કંઇ ન થાય. તમારી છાપ અહીં વિશ્વાસપાત્ર ઓફિસરની છે પણ તમે કહો છો તો ચાલો હું ય આવું.”
બન્ને ગયા. યુવતી ગભરાયેલી લાગતી હતી. શર્માજીએ તેને પૂછયુ: “બેન તમારે કયાં જવાનું છે ? અહીંયા કોઇના ઘેર ગેસ્ટ છો ? કોઇ તેડવા આવવાનું છે ? આ તો તમે કયારનાય બેઠા છો તો જસ્ટ, પૂછીએ છીએ.”
“ના, મારે કયાંય જવાનું નથી.” યુવતીએ ગભરાતા ગભરાતા કહ્યું, “તો અહીથી હવે બીજા કોઇ ગામની બસ મળતી નથી. તમારે કોઇ બીજા ગામે જવાનું હતું ?”
“ના, ના…. અંકલ, મારે કોઇ બીજા ગામે ય જવાનું નથી.”
“ તો પછી અહીંયા તમારૂં આવવાનું પ્રયોજન ? તમે ભૂલા પડયા છો ?” જવાબમાં યુવતીની આંખમાં આંસુ ધસી આવ્યા. બરાબર ત્યાંજ તેનો મોબાઇલ ગૂંજયો. પણ યુવતીએ ફોન ઉપાડયો નહીં. ઉલટાની એ વધારે મુંઝાઇ ગઇ અને ગભરાઇ ગઇ.
“તમે એક મિનિટ ઓફિસમાં આવો મુંઝાશો નહીં.” શર્માજીએ યુવતીને કહ્યું: “જે ખરેખર હોય એ જ વાત કરજા ઘરેથી ભાગીને નીકળ્યા છો ?”
“હા.” યુવતીએ માથું ધૂણાવ્યું. શર્માજીએ પૂછયું ઃ “કોઇ છે તમારી સાથે ? આઇ મીન, તમે કોઇની સાથે ભાગ્યા છો ? તમારો કોઇ ફ્રેન્ડ કે”
“ના..ના… એવું કશું નથી.” યુવતીએ સ્પષ્ટ ના પડી.
હવે મુંઝાવાનો આ બન્નેનો વારો હતો. શર્માજીએ તેને ઓફિસમાં લઇ જઇને બેસાડી.
પાણી બાણી પીવડાવ્યું, સાંત્વના આપી અને આખી હકિકત પૂછી તો યુવતીએ રડતા રડતા કહ્યું: “મારી પાછળ ગુંડા પડયા છે અને આ ફોન તેના જ આવે છે. એક પછી એક અનનોન નંબર ઉપરથી ફોન આવે છે. હું ફેઝલપુર બસ સ્ટેન્ડમાં હતી એવી એ લોકોને ખબર પડી ગઇ હતી એ દસ બાર જણાંની આખી ટોળકી છે. એ મને શોધી કાઢવા આકાશ પાતાળ એક કરી નાખે એવા છે. એમાંય જા એને ખબર પડી કે હું આ ગામ આવી છું તો તો એ લોકો મને શોધી લેશે અને પછી મારી ઉપર શા શા ઝૂલ્મો કરશે એની તો કલ્પના કરતાય મારૂં મન ગભરાઈ જાય છે અને મારા હૃદયના થડકારા ત્રણ ગણા ચાલવા લાગે છે. હવે હું શું કરૂં ? મને એજ સમજાતું નથી. અહીં બસમાં ઉતરી એ કંડકટરને મેં પૂછયું હતું તો એમણે એવું કહ્યું કે બસનો આ છેલ્લો જ સ્ટોપ છે અહીથી કયાંય જતી નથી. અને હવે તમને કોઇ ગામનું કશુ મળશે પણ નહીં. અને અહીયા આ ગામ પહાડી ઇલાકાનુંય છેલ્લુ ગામ છે અહીંથી પછી આગળ પહાડી ઇલાકો શરૂ થઇ જાય છે અહીંયાથી બીજા દેશની સરહદ ભળતી હોય પહાડી ઇલાકામાં મિલિટ્રી સિવાય કોઇને રજા પણ આપતા નથી. હા, તમારે માટે બે જ રસ્તા:એક આઝમગઢ બાજુ જવાય અને બીજું કાં, તમે ફેઝલપુર તરફ પાછાં વળો પણ એ સવારે અત્યારે તો નહી ડેન્જરસ છે. અહીં ઘણીવાર ગામડાઓમાં ડાકુ, બાગી ત્રાટકે છે અને માણસોને લૂંટી, મારી, હત્યા કરી ભાગી જાય છે.”
યુવતી એકી શ્વાસે આટલું બોલી ગયા પછી ખૂબ ગભરાઇ ગઇ ડરથી તેના ચહેરા ઉપર પરસેવો ફૂટી નીકળ્યો તેના ગુલાબની પાંદડી જેવા હોઠ સાવ સૂક્કાં થઇ ગયા હતા. શર્માજી પણ વિચારમાં પડી ગયા વિચારવા લાગ્યા કે આ છોકરીનું કરવું તો શું કરવું ? તેની નજર સામે આ છોકરી જેવડી જ પોતાની દીકરી રેણુ યાદ આવી ગઇ. બીલકુલ આવી જ, ભોળી, ગભરૂ, સ્વરૂપવાન પારેવડા જેવી માસૂમ !
શર્માજી અને અર્જુન માટે તો આ યુવતી એક કોયડો થઇ ગઇ કે આખરે આ છોકરીનું કરવું શું ? હવે આસપાસની રડીખડી બેચાર ભજીયાની અને નમકીનની દુકાનો પણ બંધ થઇ ગઇ હતી. સામે કલ્લુની ચાની કીટલી ખુલ્લી હતી પણ શિયાળાની રાતના કારણે તે પણ આઠ વાગ્યા સુધીમાં બંધ કરી દેતો હતો. નવ વાગ્યા સુધીમાં તો બસ સ્ટેન્ડ અને આસપાસનું પરિસર સાવ ખાલી ખમ્મ થઇ જતું હતું. પરંતુ પરિસર ખાલી ખમ્મ થઇ ગયા પછી જ અહીં આવારા, લુખ્ખાં તત્વોનો અડ્ડો જામતો. જુગારીયા અને દારૂડિયા અહીં અંધારામાં બેસીને મહેફિલ જમાવતા અહીં આઉટ પોલીસ સ્ટેશનમાં એક જમાદાર અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલ રહેતા તેઓ પણ ઘરે જઇને નિરાંતે સૂઇ જતા કારણ કે અહીં કયારેય કોઇ જિલ્લામાંથી કે હેડ ઓફિસમાંથી પેટ્રોલિંગ થતું નહીં. રાત આખી, પોલીસ સ્ટેશનનો ચોકીદાર અને ખૂણામાં રહેલું કૂતરૂ આમને સામને સૂઇને સવાર પાડી દેતા.
શર્માજીએ અર્જુનને બહાર આવવાનો ઇશારો કર્યો અર્જુન બહાર આવ્યો. શર્માજીએ અર્જુનને પૂછયું ઃ “સર, આ છોકરીનું હવે કેમ કરશું? હવે આપણી ફરજ પણ બની જાય છે અને તેને બચાવવાનો આપણો ધર્મ પણ બની જાય છે. આપણે ઇન્સાન છીએ જા, આપણે આ છોકરીને તેના ભાગ્યને ભરોસે મૂકીને જતા રહેશું તો આ છોકરી ચૂંથાઇ જશે એટલું ચોક્કસ.”
અર્જુને એક – બે ક્ષણ વિચાર્યુ પછી ચપટી વગાડીને કહ્યું:“એક રસ્તો છે.”
“ક્યો ?”
“પોલીસ સ્ટેશનમાં સોંપી દઇએ એટલે આપણી ફરજ પૂરી”
“સાહે….બ, સાહે…બ.” શર્મા કરૂણતાથી હસી પડયા: “પોલીસ સ્ટેશન ? સાહેબ, આપણું પોલીસ સ્ટેશન સાંજે બંધ થઇ જાય છે ત્યાં એક ચોકીદાર સિવાય કોઇ હોતું નથી. તમને ખબર છે ને ?”
“અરે પણ હું જમાદારને કહી દઉ છુંને ?” અર્જુને દલીલ કરીઃ “ જમાદાર ચૌધરી સાહેબને સોંપી દઇએ. એ પછી બધી જ જવાબદારી તેની થઇ જાય છે.”
“સાહેબ,” શર્માજીના કપાળમાં વળ પડયા આંખો ઝીણી થઇ, અને પછી કટકે કટકા થતા શબ્દો બોલ્યા:“ તમને ખબર છે પછી આ છોકરીની હાલત શું થાય એ ? અરે પોલીસ કેટલું ઇન્વેસ્ટીગેશન કરે આ છોકરીની જિંદગીનો સવાલ ઊભો થઇ જાય. આ છોકરી ભાગી છે શું કામ ? એ તો પહેલા આપણને ખબર હોવી જાઇએને ?”
“એ તો કયાં ખબર છે ? એ બોલવી જાઇએને ?”
“છોકરીને ખોલવી જાઇએ અર્જુન સર માય યંગમેન.” આવી પરિસ્થિતિમાંય તેમનામાં રહેલું પેલુ રોમેન્ટિસિઝમનું ડી.એન.એ. બોલકું બનીને બોલી ઉઠયું. (ક્રમશઃ)