જોરદાર પવન ફૂંકાયો. પવનનું જોર એટલું તીવ્ર કે ચારેકોર બધું ઊડાઊડ! નાનું ને મોટું; હલકું ને ભારે બધુંયે ઊડાઊડ! પવનના જોરમાં બધુંય તણાતું ને ઊડતું હતું. એક નાનકડું બીજ પણ આ તીવ્ર પવનની ઝપેટમાં આવી ગયું. પવનના જોરમાં જાય ખેંચાતું… જાય ખેંચાતું! ઘણે દૂર એક ખુલ્લા મેદાનમાં જઈને એ બીજ પડ્યું. પવનના જોરે એને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધું!
થોડા સમયમાં પવન શાંત પડ્યો. પવનના જોરમાં તણાતું, ઊડતું, ખેંચાતું આવેલું પેલું બીજ શાંત પડ્યું હતું. જાણે બેભાન થઈને પડ્યું હોય તેમ! થોડા સમયમાં એને કળ વળી. આંખો ખોલીને જોયું તો ચારેકોર નીરવ શાંતિ! જ્યાં ત્યાં બધું ઊડીને ખેંચાઈને આવી પડ્યું હતું. એણે જોયું કે એના જેવા બીજા ઘણા નાના-મોટા બીજ એની આસપાસ પડ્યા હતા. એની જેમ જ અહીં સુધી આવી પડ્યા હતા. પણ આ શું! બધા એકબીજા સામું વિસ્મયપૂર્વક જોઈ રહ્યા હતા. કોઈ નાનું તો કોઈ મોટું; કોઈ લીસું તો કોઈ ખરબચડું; કોઈ લીલું તો કોઈ સૂકું!
– બધાંએ અંદરોઅંદર વાતચીત શરૂ કરી. “અરે તું અહીં કેવી રીતે આવી પહોંચ્યું?”
– “અરે હું તો એક મોટા ઝાડ પર હતું. પછી નીચે ખરી પડ્યું ને પવન મને અહીં સુધી લઈ આવ્યો.”
– “હું તો એક નાનકડા છોડ પર હતું. નાનું ને નમણું. મનેય પવન અહીં ઢસડી લાવ્યો.”
“હું તો વેલાઓની વચ્ચે છૂપાઈને પડ્યું હતું. વેલાઓની વચ્ચે રહેવાની એય મજ્જા હતી. ત્યાં અચાનક પવન ફૂંકાયો. બધું ઊડયું ને ખેંચાયું. ભેગું હુંય ખેંચાયું. મને તો ઘણી બીક લાગેલી. તે અહીં સુધી આવી ગયું. પણ તમને બધાને જોઈ હાશ થઈ.” આમ બધા વચ્ચે વાતો જામી. સમય જતા તેમની પર માટીના થર જામતા ગયા. બધા બીજ થરની નીચે દબાતા જતા હતા. હવે તેઓ એકબીજાને નહોતા જોઈ શકતા કે નહોતા વાતો કરી શકતા. એવામાં આકાશમાં કાળા કાળા વાદળો ઊમટ્યા. વાદળોનો ગડગડાટ ને વીજળીના ચમકારા. થોડા સમયમાં વરસાદ તૂટી પડ્યો. ચારેકોર પાણી જ પાણી. બધું ભીનું ભીનું થઈ ગયું. પેલા જ્યાં ત્યાં માટી નીચે દબાયેલા બીજ પણ ભીંજાયા. ઘડીભર તો એમને પણ ટાઢ ચડી.
આમને આમ થોડા દિવસો વીત્યા. બીજમાં સળવળાટ થયો. તેનું શરીર ધીમે ધીમે ફૂલી રહ્યું હતું. તેને કંઈ સમજાયું નહિ. એ તો વિચારમાં પડ્યું ને બીજા બીજ સામે જોવા લાગ્યું. તેણે જોયું કે બધાં બીજ ધીમે ધીમે ફૂલી રહ્યા હતા. કેટલાંક બીજમાં તો ફાડ પણ પડી હતી. એકાદ બે દિવસમાં પેલા બીજમાં પણ ફાડ પડી. એ તો બોલવા લાગ્યું, “અરે ! અરે! આ શું થઈ રહ્યું છે? મારું શરીર તો ફાટી રહ્યું છે!” બીજાં બીજ બોલ્યાં, “અરે! અરે! તું જરાય ચિંતા ન કર. આ જો, અમારા શરીર પણ તારી તેમ જ…” “હા… હા… હા…” એ તો હસવા લાગ્યું ને થોડીવારમાં સૂઈ ગયું. સૌ એકબીજા સામે નવાઇપૂર્વક જોતા હતા.
વળી પાછા થોડા દિવસો વીત્યા. હવે બીજમાં સળવળાટ વધતો જતો હતો. હવે એના શરીરમાંથી નાનકડું અંકુર ફૂટ્યું. એણે જોયું કે આજુબાજુ પડેલા બીજમાં પણ આવું થઈ રહ્યું હતું. ધીમેધીમે અંકુર મોટા મોટા થવા લાગ્યા. જોતજોતામાં જ્યાં ત્યાં વનસ્પતિ ઊગી નીકળી. બધા પોતાના આ નવા અવતારને જોઈ ખુશ હતા. હસતા રમતા તેઓ મોટા થઈ રહ્યાં હતાં. બધા એકબીજા સામું જોઈ મરકમરક હસતા હતા. બધાનો દેખાવ ને આકાર જુદા જુદા હતા, પણ તેમનો રંગ એક જ હતો.
પ્રકૃતિની ગોદમાં તેઓ હસતા, રમતા મોટા થઈ રહ્યા હતા. એક નાનકડા બીજમાંથી બધા મોટ્ટા મોટ્ટા થઈ ગયા.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭