આમ આદમી પાર્ટીના કન્વીનર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આખરે એક નવું સરકારી નિવાસસ્થાન મળ્યું છે. તેમને દિલ્હીના પ્રતિષ્ઠિત લોધી એસ્ટેટ વિસ્તારમાં બંગલો નંબર ૯૫ ફાળવવામાં આવ્યો છે. આ બંગલો તેમને રાષ્ટ્રીય પક્ષ પ્રમુખ તરીકે આપવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને ખાતરી આપી હતી કે ૧૦ દિવસમાં કેજરીવાલને યોગ્ય નિવાસસ્થાન પૂરું પાડવામાં આવશે. હવે, તે ખાતરીનું પાલન કરીને ફાળવણી કરવામાં આવી છે.

મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા પછી, અરવિંદ કેજરીવાલ તેમના સાંસદ સંજય સિંહના સત્તાવાર નિવાસસ્થાનમાં રહેતા હતા. જા કે, રાષ્ટ્રીય સ્તરે પાર્ટીના વિસ્તરણ અને સંગઠનાત્મક બેઠકોની વધતી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને, તેમણે કાયમી રહેઠાણની માંગણી કરી હતી.

કેજરીવાલના પાડોશી હવે કોંગ્રેસના શશી થરૂર હશે, જેમની પાસે ૯૭ નંબરનો બંગલો છે. એ નોંધનીય છે કે ૯૪ અને ૯૬ નંબરનો બંગલો લશ્કરી અધિકારીઓને ફાળવવામાં આવ્યો છે. આરજેડીના મીસા ભારતી અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધી બહુ દૂર રહે છે. તેમને અનુક્રમે ૮૨ અને ૮૧ નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે.

કેજરીવાલે આ મામલે દિલ્હી હાઈકોર્ટનો દરવાજા ખખડાવ્યો હતો. સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું હતું કે તેમને ૧૦ દિવસમાં સરકારી નિવાસસ્થાન ફાળવવામાં આવશે. હવે, તે વચન પૂર્ણ કરીને, ૯૫, લોધી એસ્ટેટ ખાતેનો બંગલો તેમને સોંપવામાં આવ્યો છે.

પહેલાં, કેજરીવાલે બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીના ભૂતપૂર્વ નિવાસસ્થાનની માંગણી કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તે બંગલો કેન્દ્રીય રાજ્ય મંત્રી પંકજ ચૌધરીને આપ્યો હતો. ત્યારબાદ, તેમને આ નવું સરનામું મળ્યું, જે હવે આપ કન્વીનર તરીકે તેમનું સત્તાવાર નિવાસસ્થાન હશે.