અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેસાવાડા ગામ નજીક આજે (૨૫ નવેમ્બર ૨૦૨૫) એક કરુણ અને સનસનાટીપૂર્ણ ઘટના બની છે, જેમાં બે વ્યક્તિ જીવતા તારને અડી જતાં કરંટથી મોત થયું હતું. આ ઝાટકો એટલો મોટો હતો કે જીવતા જ બંન્ને ભડથું થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધનસુરાના ભેસાવાડા ગામ નજીક આવેલા સાકરી પુલ પાસે આ ઘટના બની હતી. ગામલોકોના જણાવ્યા મુજબ, બે અજાણ્યા શખ્સો એક છોટા હાથી (મિનિ ટ્રક) વાહન લઈને આ વિસ્તારમાં આવ્યા હતા. તેઓ વીજપોલના જીવંત તારના સંપર્કમાં આવી ગયા હતા. વીજ કરંટ લાગતા બંને શખ્સોના ઘટનાસ્થળે જ કરુણ અને દર્દનાક મોત નીપજ્યા હતા અને તેમના મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા.
આ બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે આ બંને શખ્સો અહીં કોઈ પ્રકારની ચોરીના ઇરાદે આવ્યા હતા, કદાચ વીજળી સંબંધિત સાધનો કે અન્ય વસ્તુઓની ચોરી કરવાનો તેમનો હેતુ હોઈ શકે છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને મૃતકોની ઓળખ કરવા અને તેમના અહીં આવવાના ચોક્કસ ઇરાદાની તપાસ શરૂ કરી છે.પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ગ્રામજનોમાં ચકચાર જગાવી દીધી છે.