અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલિયારા ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો – પતિ, પત્ની અને તેમનો પુત્રના કમકમાટીભર્યા મોતને ભેટ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.આ ઘટના ગતરોજ (૧૦ ઓગસ્ટ) સાંજે ૬ વાગ્યાની આસપાસ બની હતી. ઝાલોદ તાલુકાના ગાવડિયા ગામનો વસૈયા પરિવાર બાઈક પર પસાર થઈ રહ્યો હતો. બાયડ-અમદાવાદ રોડ પર જીઈબી સબસ્ટેશન નજીક, સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી એક બલેનો કાર (નં.જીજે ૦૧ એચવાય ૦૮૦૪)ના ચાલકે ઓવરટેક કરવા જતાં આ અકસ્માત સર્જાયો હતો.કાર અને બાઈક વચ્ચેની ટક્કર એટલી જારદાર હતી કે બાઈક ધડાકાભેર અથડાઈ અને તાત્કાલિક આગ લાગી ગઈ. અકસ્માત બાદ કાર રોડ પરથી નીચે ખેતરમાં ઘસડાઈ ગઈ હતી અને તેનો ચાલક કાર મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.આ અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા યોગેશ લુજાભાઈ વસૈયા (ઉં. ૩૧)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમની પત્ની નિરૂબેન યોગેશભાઈ વસૈયા (ઉં. ૨૩) અને પુત્ર આરવકુમાર યોગેશભાઈ વસૈયા (ઉં. ૭)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યે તેમનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પોલીસે આ ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર કારચાલકને પકડવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. એક જ પરિવારના ત્રણ સભ્યોનાં અકાળે અવસાનથી તેમના ગામ અને પરિવારમાં શોકનો માહોલ છે.










































